અમદાવાદઃ 9 સપ્ટેમ્બરના રોજ પાસ કન્વીનર હાર્દિક પટેલ એસ.જી.વી.પી. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઉપવાસ છાવણીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન હાર્દિકે ડીસીપી જયપાલસિંહ રાઠોડ પર જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો આરોપ મુક્યો હતો. ત્યાર બાદ આજે હાર્દિકે ટ્વિટ કરી ડીસીપી રાઠોડને નિશાન બનાવી સીધો આક્ષેપ કર્યો કે, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાઠોડને ગમે તે હદ સુધી જવાની છૂટ આપી છે. અમારા આંદોલનકારીઓને મા-બહેનની ગાળો આપવામાં આવી રહી છે. જેના કારણે રાઠોડ ઉપવાસ આંદોલન તોડવા અને રોકવાના પ્રયાસો કરી રહ્યા છે.
મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ રાઠોડને મને મારવાનું કામ સોંપ્યું
હાર્દિક પટેલે ટ્વિટ કરી લખ્યું કે, ખેડૂતો અને સમાજ માટે લડી રહ્યા છીએ અને અમદાવાદ ડીસીપી રાઠોડ અમારા આંદોલનકારીઓને કહે છે કે, તું આતંકવાદી છે, આ ડીસીપી રાઠોડ ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના નજીકના છે. છેલ્લા 18 દિવસોથી અમારી સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. ડીસીપીએ અમારા લોકોને કહ્યું કે, આજે હરીશ રાવતજીને પણ ચેક કરીને અંદર મોકલીશું. ઉપવાસ છાવણી પર લોકોને આવતા રોકવા માટે ડીસીપી રાઠોડે તમામ હદો વટાવી દીધી છે.
અમારા આંદોલનકારીઓને માં-બહેનની ગાળો આપવામાં આવી રહી છે. ખાખીની મર્યાદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ડીસીપી રાઠોડને તમામ હદો વટાવવાની મંજુરી આપી છે.
ઉપવાસ આંદોલનને તોડવા અને રોકવા માટે અમિત શાહના આદેશ પર ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ડીસીપી રાઠોડને મને મારવા અને મારા સાથીઓને ધમકાવવાનું કામ આપ્યું છે. મારા નિવાસ પર આવી રહેલા લોકોને રોકવા માટે બધું જ કરવા માટે તૈયાર છે. ગુજારત હાઈકોર્ટમાં પણ ડીસીપી રાઠોડ ખોટું બોલે છે.
હાર્દિકે જાનથી મારી નાંખવાની ધમકીનો આક્ષેપ મૂકી DCP રાઠોડ સામે નોંધાવી ફરિયાદ, જુઓ DCPનો ઠાઠ
હાર્દિક પટેલે કહ્યું હતું કે, અમદાવાદ ઝોન-1ના DCP રાઠોડ કહે છે કે તને મારી નાખીશ, હવે જીવતા રાખવાનુ અને મારી નાખવાનું કામ પણ યમરાજે રાઠોડ જેવા પોલીસ અધિકારીઓને આપી રાખ્યું છે શું? ઉપવાસ આંદોલનનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ પર પણ પોલીસે બળપ્રયોગ કર્યો અને તેમના કેમેરા તોડવાનો પ્રયાસ થયો. મીડિયા સાથે જે થયું તે ખોટુ થયું છે.
પહેલા પણ થયો હતો વિવાદ
નોંધનીય છે કે, હાર્દિકને ધમકી આપનાર ડીસીપી રાઠોડ આ પહેલા પણ વિવાદમાં આવી ચૂક્યા છે. અમદાવાદના ડીસીપી બન્યા પહેલા તેઓ મોરબીના એસપી હતા જ્યારે તેમની બદલી મોરબીથી અમદાવાદ કરવામાં આવી ત્યારે તેમના વિદાય સમારાભમાં એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓ ખુદ મંચ સુધી જઈને ચલણી નોટો ઉડાડતા જોવા મળ્યા હતા.
પાટીદાર આંદોલન સમિતિ દ્વારા અમદાવાદ ઝોન 1 DCP જયપાલ સિંહ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં જયપાલસિંહ વિરુદ્ધ ગેરવર્તણૂકનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાર્દિકે ઉપવાસ આંદોલન શરૂ કર્યું ત્યારથી પાસના લોકો પોલીસ પર વિવિધ આરોપ લગાવી રહ્યાં છે.
હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે. તો બીજી બાજુ સરકારની ચિંતામાં પણ વધારો થઇ રહ્યો છે, આવા સમયે પોલીસ કોઇપણ રિસ્ક લેવા તૈયાર નથી. જેના કારણે હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતર્યો તે દિવસથી ઉપવાસ છાવણી બહાર ચૂસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી દીધો હતો. પરંતુ ઉપવાસ છાવણી બહાર બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીઓ પણ ચર્ચામાં આવી રહ્યાં છે.
ઉપવાસ છાવણી બહાર બંદોબસ્ત સંભાળી રહેલા ઝોન 1 ડીસીપી જયપાલસિંહ રાઠોડ વિરુદ્ધ જ PAASએ ફરિયાદ દાખલ કરી છે. પાસનો આરોપ છે કે બંદોબસ્ત સંભાળી રહેલા ડીસીપી જયપાલસિંહ રાઠોડ પાસ સમિતિ સાથે ગેરવર્તણૂક કરી રહ્યાં છે.
પાસ દ્વારા ડીસીપી જયપાલસિંહ રાઠોડ વિરુદ્ધ અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ગૃહવિભાગને પણ પત્ર લખવામાં આવ્યો હતો. સાથે જ માનવ અધિકાર મંચ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં પોલીસની દાદાગીરી અને ગેરવર્તણૂકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ આ પ્રકારનો વ્યવહાર કરતા નથી, પણ એસપી જયપાલસિંહે ચલણી નોટો ઉડાડતા તેમનો વિડીયો વાયરલ થયો હતો, જેની ચર્ચા પણ ખૂબ થઈ હતી