રાજદ્રોહના કેસમાં પાસ આગેવાન હાર્દિક પટેલ સુરતની કોર્ટમાં હાજર રહ્યો હતો. આ દરમિયાન તેણે મીડિયા સાથે વાતચીત કરતા 25મી ઓગસ્ટના રોજ યોજાનાર અમરણાંત ઉપવાસ કાર્યક્રમની મંજૂરીને લઈને મીડિયા સાથે વાતચીત કરી હતી. એટલું જ નહીં દેશમાં રોજગારી ન હોવા અંગે સરકાર પર પ્રહારો કર્યા હતા.
હાર્દિકે શું કહ્યું?
હાર્દિકે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, “ભારત દેશ એ લોકતાંત્રિક દેશ છે. અહીં બધાને પોતાની વાત રજુ કરવાનો અધિકાર છે. ઉપવાસ પર ઉતરવાનો પણ અધિકાર છે. આ કોઈ પપ્પાનો કાયદો નથી કે મંજુરી ન આપી શકાય.”
નીતિન ગડગરીના રોજગારી અંગેના નિવેદન અંગે સરકારની ટીકા કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, “નીતિન ગડકરીએ પણ કહ્યું છે કે દેશમાં રોજગારી નથી. એનો મતલબ થાય છે કે તેઓ છેલ્લા ચાર વર્ષમાં રોજગારી ઉભી નથી કરી શક્યા. આ વાત તેમના જ નેતાઓ સાબિત કરી બતાવી છે.
વરુણ પટેલ પ્રખર નેતા નથીઃ હાર્દિક
રવિવારે ભાજપના વરુણ પટેલ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, “વરુણ એવો કોઇ પ્રખર નેતા નથી કે જેની વાતનો અમારે જવાબ આપવો પડે.”
વરુણ પટેલે શું કહ્યું હતું?
પાટીદાર અનામત આંદોલન છોડીને ભાજપમાં જોડાયેલા વરુણ પટેલે રવિવારે હાર્દિક પટેલ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “કોઈએ સમાજનો ધણી બનવાનો પ્રયાસ કરવો નહીં. તમારું અસ્તિત્વ બચાવવા માટે તૂત ચલાવ્યા રાખો એ યોગ્ય નથી. પાટીદાર સમાજને શું જોઈએ છે એ સમાજ જ નક્કી કરશે. કોંગ્રેસના પૈસા બહુ ખાધુ હશે એટલે હાર્દિક પચાવવા માટે ઉપવાસ કરી રહ્યો હશે. કદાચ આવું કરવાથી રાહુલ ગાંધી તેનું પેકેજ પણ વધારી આપે. સમાજમાં કોઈ અન્ય યુવક મીડિયામાં ચમકી ન જાય તે માટે તેણે એવી જાહેરાત કરી છે કે તે એકલો જ ઉપવાસ કરશે. તેને પોતાની દુકાન બંધ થવાનો ડર સતાવી રહ્યો છે.”