પાટીદાર અનામત આંદોલન સિમિતિના કન્વીનર હાર્દિક પટેલે અનામત મામલે મહત્વનું નિવેદન આપ્યા બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પોતાનું મૌન તોડ્યું હતું. તેમને હાર્દિકના નિવેદન બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આર્થિક અનામતની કેન્દ્ર સરકારની વિચારણા અંગે મારી પાસે કોઈ જાણકારી નથી. ગુજરાતમાં તો રાજ્ય સરકારે પહેલાથી જ 10 ટકા આર્થિક અનામત આપી દીધી છે. સરકારે આર્થિક અનામત આપી આર્થિક રીતે નબળા અને સુવર્ણોને લાભ આપ્યો છે. ગુજરાતમાં આપેલ આર્થિક અનામતની મેટર હાલ કોર્ટમાં ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે, રવિવારે પાટીદાર અનામત આંદોલન સિમિતિના કન્વીનર હાર્દિક પટેલે અનામત મામલે મહત્વનું નિવેદન આપ્યુ હતું. હાર્દિક પટેલે કહ્યું છે કે, આર્થિક ધોરણે અનામત લાગુ કરાશે તો આંદોલન બંધ કરી દઈશ. હાર્દિક પટેલનું આ નિવેદન ઘણુ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી છે કે 15થી 18 ટકા આર્થિક અનામત લોલીપોપ સાબિત ના થવી જોઈએ. જો સરકાર 15થી 18 ટકા આર્થિક અનામત આપશે તોજ આંદોલન બંધ કરાશે. આર્થિક દ્રષ્ટીએ બધાજ સમાજે અનામતને સમર્થન આપ્યું છે.