અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન ચલાવનાર હાર્દિક પટેલે રવિવારે એક દિવસનો ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. નિકોલમાં ઉપવાસ માટે સરકારે જગ્યાની મંજૂરી ન આપતા પાર્ક કરેલી ગાડીમાં બેસીને હાર્દિક એક દિવસનો ઉપવાસ કરશે. 25 ઓગસ્ટથી હાર્દિકે આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. નિકોલના ગ્રાઉંડમાં બેસીને ઉપવાસ કરવા સરકાર પાસે મંજૂરી માગી હતી.જો કે ઉપવાસ માટે જગ્યાની મંજૂરી ન મળતાં રવિવારે સરકારના વિરોધમાં ઉપવાસ પર બેસશે. હાર્દિકનો આરોપ છે કે, તેણે મંજૂરી માગી તેના 11મા કલાકે જ નિકોલ ગ્રાઉંડને પાર્કિંગમાં ફેરવી દેવાયું.
હાર્દિક પટેલે કહ્યું કે, “પાર્કિંગમાં ફેરવાયેલા નિકોલના ગ્રાઉંડમાં જ રવિવારે પાર્ક કરેલી ગાડીમાં બેસીને હું એક દિવસનો ઉપવાસ કરીશ. મારી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના 501 કાર્યકરો કાળી પટ્ટી બાંધીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે. પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીમાં બેસીને ઉપવાસ કરવાથી અમને કોઈ રોકી નહિ શકે અને ત્યાંથી હટાવી પણ નહીં શકે.”
હાર્દિકે જણાવ્યું કે, “આવતીકાલે નિકોલ ગ્રાઉંડમાં બનાવેલા પાર્કિંગમાં ગાડીમાં જ બેસીને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયને શ્રદ્ધાંજલિ પણ આપીશું. સરાકરે જાહેર કરેલા રાષ્ટ્રીય શોકને સમર્થન આપીશું.” હાર્દિકનો આરોપ છે કે, તે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવતો હોવાથી સરકારે તેને નિકોલ ગ્રાઉંડમાં ઉપવાસ કરવાની મંજૂરી આપી નથી.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે જાહેરાત કરી હતી કે પાટીદારોની અનામતની માંગ અને ખેડૂતોની સમસ્યાઓને અનુલક્ષીને તે 25મી ઓગસ્ટથી પાટીદાર બહુમતી ધરાવતા નિકોલ વિસ્તારમાં આમરણ ઉપવાસ પર બેસશે. હાર્દિકે સૌથી પહેલા શુકન ચારરસ્તા પાસે આવેલા પ્લોટની પરમિશન લીધી હતી, પરંતુ ગયા અઠવાડિયે તે પ્લોટને પાર્કિંગમાં ફેરવવામાં આવ્યો. રવિવારના રોજ અન્ય ચાર મેદાનને પણ પાર્કિંગ પ્લોટમાં ફેરવવામાં આવ્યા.
હાર્દિકે કહ્યું કે, સરકાર અને પ્રશાસને જાણીજોઈને તે ગ્રાઉન્ડ્સને પાર્કિંગ પ્લોટમાં ફેરવ્યા છે, પરંતુ મારા સમાજના લોકો અને હું લડવા માટે તૈયાર છીએ. હું નિકોલમાં જ ઉપવાસ કરીશ અને જો કોઈ અડચણ આવશે તો અમે અમારા અધિકારો માટે લડીશુ. જો વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ન જળવાય તો પછી તેની જવાબદારી પોલીસ અને સરકારની રહેશે.
હાર્દિક પટેલ અને અન્ય પાસના સભ્યોએ પોલીસ કમિશનર એ.કે.સિંહ અને AMCના કમિશનર વિજય નેહરાની મુલાકાત લીધી હતી. પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. હાર્દિક જણાવે છે કે તે પોતાના કેસના કારણે વસ્ત્રાલ વિસ્તારમાં ઉપવાસ પર ન બેસી શકે.