હાર્દિકના ઉપવાસના 3 મુદ્દાને લઈને દૂત નરેશ પટેલ ગાંધીનગર નહીં જાય, શું કરશે જાણો

ગાંધીનગર: ખોડલધામના નરેશ પટેલ આજે ગાંધીનગર નહીં જાય તેવું બહાર આવ્યું છે. હાર્દિક પટેલ જે 3 મુદ્દા લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના દૂત બનીને નરેશ પટેલ સરકાર સાથે ચર્ચા કરતાં પહેલા સામાજિક અગ્રણીઓ સાથે નરેશ પટેલ હજુ ફરી બેઠક કરશે. નરેશ પટેલ સરકાર પહેલા સામાજિક અગ્રણીઓ સાથે મંથન કરશે. જેને લઈને સરકાર અને પાટીદાર અગ્રણીઓની આજે બેઠકમાં નહીં થઈ શકે.

ગઇકાલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજ્યના મુખ્યપ્રધાન સાથે હાર્દિક પટેલના ઉપવાસ અંગે ચર્ચા કરવાના હતા.પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજથી 2 દિવસ માટે દિલ્હી ખાતે યોજાઈ રહેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ભાગ લેવા માટે ગયા હોવાથી આ મુલાકાત હાલના તબક્કે મુલતવી રાખવામાં આવી હતી.

નરેશ પટેલે કહ્યું કે, હાર્દિકના સ્વાસ્થ્યમાં સુધારો એ પ્રથમ પ્રાથમિકતા છે. મહત્વપૂર્ણ છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીની મુલાકાતે છે અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાપાનના પ્રવાસે છે.

ગઈકાલે નરેશ પટેલે હાર્દિક અને પાસના આગેવાનો સાથે બેઠક કરી હતી અને હાર્દિકને સારવાર લેવા માટે સલાહ આપી હતી. અંતે હાર્દિકે નરેશ પટેલની વાત માની હાલ પહેલા સોલા સિવિલ હોસ્પિટલ અને બાદમાં SGVP હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તે હાલમાં સારવાર લઈ રહ્યો છે.

હાર્દિકને સોલા સિવિલમાં દાખલ કરાયો હતો પરંતુ ત્યાંથી તેણે ખાનગી હોસ્પિટલમાં જવાની માગણી કરતા તેને SGVP હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. હાલ હાર્દિકની તબિયત સ્થિર છે.

ઉલ્લેખનીય છે કે,અનામત અને ખેડૂતોના દેવા માફીને લઈને હાર્દિક પટેલના હોસ્પિટલમાં પણ ઉપવાસ યથાવત્ છે. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો આજે 15મો દિવસ છે.

હાર્દિકે શરદ યાદવના હાથે પાણી પીધું

લોકતાંત્રિક જનતા દળ (એલજેડી)ના નેતા શરદ યાદવે આજે એસજીવીપી હોસ્પિટલ ખાતે હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન હાર્દિકે શરદ યાદવના હાથે પાણી પીધું હતું. હાર્દિકે બે દિવસથી ઉપવાસ દરમિયાન પાણી પીવાનું પણ છોડી દીધું હતું. હાર્દિકને પાણી પીવડાવ્યા બાદ શરદ યાદવે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પાસ તરફથી મનોજ પનારાએ પત્રકાર પરિષદ કરીને માહિતી આપી હતી કે ડોક્ટરની સલાહને ધ્યાનમાં રાખીને હાર્દિકે પાણી પીધુ છે, હજુ તેના અનશન ચાલુ જ છે.

શરદ યાદવે જણાવ્યું કે, “માનવીય આધાર પર અમે હાર્દિક પટેલની મુલાકાત લેવા માટે આવી પહોંચ્યા હતા. હાર્દિક સાથે મુલાકાત દરમિયાન મેં તેને સમજાવ્યું હતું કે લડાઈ લડવા માટે સારું સ્વાસ્થ્ય જરૂરી છે. હાર્દિકને કહ્યું કે ખૂબ ખાઈપીને લડાઈ લડવાની છે. અત્યારે પાણી પીધુ છે બાદમાં તે ડોક્ટરની સલાહ પ્રમાણે ખાવાનું પણ શરૂ કરશે.”

તમામ લોકોની ઈચ્છા પૂરી કરવા હાર્દિકે પાણી પીધું: પાસ

હાર્દિકે પાણી પીવા અંગે પાસના કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું કે, “ગાંધીના માર્ગે આંદોલન કરવા છતાં પણ સરકાર વાર્તાલાપ માટે તૈયાર નથી.  ગુજરાતની જનતાની ઈચ્છા છે કે હાર્દિક પટેલ જીવતા રહે. હવે અમને લાગી રહ્યું છે કે જીવશું તો લડીશું અને લડીશું તો જીતીશું. તમામ લોકોની ઈચ્છા પૂર્ણ કરવા માટે હાર્દિકે પાણી પીધું છે. હજી સુધી હાર્દિકે અન્નનો દાણો મોઢામાં નાખ્યો નથી. હાર્દિકના અનશન હજી ચાલુ જ છે.”

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button