ખેડૂતોના વીરોધ પ્રદર્શન સ્થળ નજીક આંદોલનકારી મહિલા ખેડૂતોને ટીકરી સરહદ પર પૂરપાટ ઝડપે આવતી ટ્રકે કચડી નાખી હતી. ડિવાઇડર પર બેઠેલી મહિલા ખેડૂતો પર ટ્રક ચઢી ગઈ હતી. ત્રણ વૃદ્ધ મહિલાઓના મોત થયા છે અને ત્રણની હાલત ગંભીર છે. બે મહિલાઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને એક મહિલા હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મહિલાઓ ઘરે જવા માટે ઓટો રિક્ષાની રાહ જોઈ રહી હતી. મૃતક મહિલાઓ કિસાન આંદોલનમાં સામેલ હતી અને પંજાબના માણસા જિલ્લાની હતી. આ ઘટના ઝજ્જર રોડ પર ફ્લાયઓવર નીચે બની હતી. પૂરપાટ ઝડપે આવતી ટ્રક માટીથી ભરેલી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આંદોલનકારી મહિલા ખેડૂતો હવે કિસાન રોટેશન હેઠળ ઘરે પાછા જઈ રહ્યા હતા. તેઓને ઓટો રિક્ષા માં બેસીને રેલવે સ્ટેશન જવાનું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે અગાઉ પણ લખીમપુર ખેરીમાં પ્રદર્શન દરમિયાન ચાર ખેડૂતોને એસયુવી વાહને કચડી નાખ્યા હતા. હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. અત્યાર સુધી આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સહિત દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હકીકતમાં, કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા એક જૂથે 3 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાત વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.