અમદાવાદના સી.જી. રોડ પરના એક એપાર્ટમેન્ટમાં લતાબહેન સોની (68) પોતાના ભાઈ, અમરતભાઈ સાથે રહે છે. છેલ્લાં 21 વર્ષથી તેઓ એક જ રૂમમાં, એક જ પથારીમાં છે. 2001ના વિનાશક ભૂકંપે તેમના બન્ને પગની ચેતનાને છીનવી લીધી છે. તેઓ ઊભાં થઈ શકતાં નથી, એટલે ચાલવાનો કે હરવા-ફરવાનો તો કોઈ જ સવાલ જ નથી. કાળમુખા ભૂકંપે તેમની કરોડરજ્જુને ગંભીર અસર કરી એટલે બન્ને પગની ચેતના ગઈ. પગ ખરા, પણ નામપૂરતા જ.
જોકે લતાબહેનના મનોબળને, તેમના મિજાજને, જીવન પ્રત્યેના તેમના હકારાત્મક અભિગમને સલામ કરવી પડે. તેમણે એક ઉદાહરણ પૂરું પાડ્યું કે ગમે તેવી વસમી સ્થિતિમાં કાળા માથાનો માનવી સુંદર જીવન જીવી જ શકે. ઘનઘોર અંધકાર હોય, ક્યાંય અજવાળાનો અણસાર પણ ના દેખાતો હોય તો પણ મનગમતા જીવનને સરસ રીતે ઓપ આપી શકાય. આપણે બિમાર પડીએ અને થોડા દિવસ પથારીમાં રહેવાનું હોય તો પણ નિરાશ થઈ જઈએ, હરેરી જઈએ, મનથી ભાંગી જઈએ, હતાશા આવી જાય, એમ થાય કે આના કરતાં તો મોત સારું.. ત્યાં કલિંદરી મિજાજનાં આપણાં આ બહાદુર અને પરાક્રમી લતાબહેન સોની એકવીસ-એકવીસ વર્ષથી પથારીવશ છે છતાં આનંદમાં છે, લહેરમાં છે, જીવનને માણી રહ્યાં છે..
46 વર્ષ સુધી તો તેઓ એકદમ નોરમલ હતાં. ભૂકંપને કારણે તેમના જીવનમાં તોફાન આવ્યું.
26મી જાન્યુઆરી, 2021ના રોજ વિનાશક ભૂકંપ આવ્યો.
શું થયું હતું તે દિવસે લતાબેહન સાથે?
ભૂજ (કચ્છ)માં રહેતાં લતાબહેન શિવભક્ત. કંસારા બજાર પાસે રહે. દરરોજ શકર ભગવાનના મંદિરે દર્શન કરવા અને દૂધનો અભિષેક કરવા જાય. તેઓ પૂજા-પાઠ કરીને મંદિરના ઓટલે બેઠાં હતાં અને ભૂકંપ આવ્યો. તેમની સહેજ આગળ પગથિયા પર મંદિરના પૂજારી નીચે ઉતરતા હતા અને ક્ષણ માત્રમાં ધરતીમાં સમાઈ ગયા. લતાબહેન કેડસમાં ધરતીમાં ખૂંપી ગયાં. અરધુ શરીર અને બે હાથ બહાર. એક હાથમાં દૂધ માટેની ઢબૂડી, બીજા હાથમાં દીવો કરવા માટેની દીવેટો… એ વખતે એમની વય 46 વર્ષની હતી.
લોકોએ બહાર કાઢ્યાં. એ દિવસોને યાદ કરતાં તેઓ કહે છે, “કલ્પી પણ ના શકાય તેવો માહોલ હતો. આખેઆખાં મકાનો જમીનની અંદર જતાં રહ્યાં હતાં. ઠેર-ઠેર કાટમાળ અને લાશોના ઢગલા હતા. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના કાર્યકરોની મને તરત મદદ મળી. હું ભાનમાં હતી. મને તો હતું કે હમણાં ઊભી થઈને ઘરે જતી રહીશ, પણ ત્યારે કલ્પના પણ નહોતી કે હું હવે જિંદગીમાં ક્યારેય ચાલી શકવાની નહોતી. મને એક ઓટલા પર સૂવાડાઈ. જરીક વારમાં તો રાત પડી ગઈ. ખરેખર તો એ દિવસે દિવસ ક્યાં હતો, દિવસે પણ રાત હતી ને ? મને આરએસએસના સેવકો શણના કોથળામાં લઈને આરોગ્ય કેમ્પમાં લાવ્યા. અમારા જેવાં ઘણાંને પ્લેનમાં બેસાડીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં. મેં જોયું હતું કે અહીં પણ એરએસએસના સેવકો ખડેપગે કામ કરતા હતા.
લતાબહેન સોનીની સાડા ચાર મહિના સારવાર ચાલી. કરોડરજ્જુના કેટલાક મણકા દબાઈ ગયા હતા અને પગની ચેતના જતી રહી હતી. હવે તેઓ બિલકુલ ચાલી શકે તેમ નહોતો. અરે, ઊભાં પણ ના થઈ શકે.
લતાબહેન સોનીના પરિવારને પરંપરાગત સોનીનો ધંધો. તેમના પિતાનું તો અગાઉ નિધન થયેલું. તેઓ માતા અને ભાઈઓ સાથે રહેતાં. નાનપણથી જ લગ્ન ના કરવાનું નક્કી કરેલું. ધંધામાં નિપુણ હતાં. મુંબઈ પણ ધંધાર્થે જતાં-આવતાં. વિવિધ ક્ષેત્રની વિશિષ્ટ વ્યક્તિઓને છૂટથી મળતાં. આત્મવિશ્વાસ, સજ્જતા અને ખુમારી પારાવાર. ક્યાંય કાચાં ન પડે, ક્યાંય પાછાં ના પડે. લતા મંગેશકર સાથે પણ તેમની તસવીરો છે. (આ પોસ્ટ સાથે રજૂ કરી છે.) ધંધામાં નિપુણ એ જ રીતે બીજી બધી બાબતમાં પણ કાબેલ. રસોઈ પણ સરસ બનાવે. ઘરનું એકએક કામ ઉત્સાહથી કરે. મગજ મિકેનિકનું એટલે કાંઈ બગડ્યું હોય તો રમતવાતમાં સાજું કરી આપે. અને હા તેમને કામ વગર ના ચાલે. ના થાક લાગે કે ના કંટાળો આવે. સતત કામ, કામ ને કામ.. પાંચ વ્યક્તિ કરે એટલું કામ એકલાં કરી લે…
એવાં ચેતનવંતાં, કામગરાં લતાબહેનને ભગવાને કહ્યું કે ખૂબ કામ કર્યું, લો હવે તમારે બેસી રહેવાનું કે સૂતાં રહેવાનું છે…
ભગવાન શિવ અને કૂળદેવી આશાપુરા માતાનાં પરમ ભક્ત અને હનુમાનજીની સાધના કરતાં લતાબહેને ભગવાનને તેમને વળતો મેસેજ કર્યોઃ કોઈ વાંધો નહીં ભગવાન, તમે રાખશો તેમ રહીશ, પણ જીવન માટેનો મારો હકારાત્મક અભિગમ સહેજે ઓછો નહીં થાય હોં. જીવન સાથેની મારી વફાદારીમાં તસુભાર પણ ઘટાડો નહીં થાય. કદાચ ભગવાન પણ લતાબહેનનો જીવન માટેનો આવો જબરજસ્ત રૂઆબ જોઈને રાજી થયા હશે અને પોરસાયા હશે.
લતાબહેન, એક જ પથારીમાં 21-21 વર્ષ રહ્યા પછી પણ તમે સાબૂત છો, પ્રસન્નકર છો, જીવનને સુંદર રીતે માણી રહ્યાં છો તેનું કારણ શું ?
“મારા પૂર્વજોના આશીર્વાદ, દુનિયાના દરેક જીવ માટે પ્રેમ અને પોઝિટિવીટી. આ પૃથ્વી પર મારું કોઈ શત્રુ નથી, વિરોધી નથી. દરેક માટે મને પારાવાર પ્રેમ છે. “
તેઓ કહે છે કે હું આર્થિક રીતે સદ્ધર છું અને મને કોઈ માનસિક પ્રશ્ન નથી એ પણ મને જુસ્સો ટકાવી રાખવામાં મદદ કરે છે.
(મને લાગે કે તેમનું કચ્છી હોવું એ પણ મોટું પરિબળ છે. કચ્છીમાડુ સદીઓથી પડકારો સહન કરતો આવ્યો છે. ખમવું, સહન કરવું, પડકારોને સામી છાતીએ ઝીલવા એ કચ્છીઓના લોહીમાં છે. કચ્છીઓ સહન કરીને વહન કરનારી પરાક્રમી પ્રજા છે.)
લતાબહેને છેલ્લાં પંદર વર્ષથી રોટલી, દાળ-ભાત, શાક નથી ખાધાં. નવાઈ લાગે કે તેઓ લગભગ કોફી પર જીવન જીવી રહ્યાં છે, સવારે આઠ વાગ્યે, બપોરે દોઢ વાગ્યે અને રાત્રે આઠ વાગ્યે એક-એક મગ કોફી પીએ છે. ક્યારેક સોલ્ટ વાળી વેફર ખાય. એ પણ બે-ત્રણ પીસ. વધારે નહીં હો. પહેલાં દરરોજ એક કેળું ખાતાં. ઘણા વર્ષોથી તો એ પણ બંધ છે.
શાકભાજી, સલાડ, સૂપ, જ્યુસ, ફળફળાદિ.. આ બધાનો લતાબહેન ઉપયોગ કરતાં નથી. જીવવા માટે જોઈતી કેલેરી કોફી, વેફર અને દવાઓમાંથી તેઓ મેળવી લે છે.. નવાઈ લાગે તેવી વાત છે આ, નહીં ? લતાબહેન લોકોને ચિક્કાર ચાહે છે. તેમના હૃદયમાં બધા માટે અખૂટ પ્રેમ છે. તેમના રૂમની બહારની ગેલેરીમાં રોજ પક્ષીઓ માટે 200-250 ગ્રામ ગાંઠિયા મૂકે છે. કાગડાઓ અને કાબરો અને બીજાં પક્ષીઓ આવે અને લહેરથી ખાય. ખાતાં જાય અને લતાબહેન સામું જોઈને આભાર માનતાં જાય. ક્યારેક તો પક્ષીઓ છેક લતાબહેનના પલંગ સુધી તેમને મળવા અને તેમના ખબર-અંતર પૂછવા પણ આવે.
લતાબહેનના સ્વજનો સાથેના પ્રેમભર્યા સંબંધો અને સંપર્કોનું નેટવર્ક જબરજસ્ત છે. એમાં ક્યારેય ટાવર જતો નથી. ગાંઠિયાવાળા તેમને (પક્ષીઓ માટે) ગાંઠિયા આપી જાય.મેડિકલ સ્ટોરવાળો આવીને દવાઓ આપી જાય.બેન્કના કર્મચારીઓ આવીને તેમનું કામ પ્રેમથી કરી જાય.
લતાબહેનને બધાંને મીઠાઈ, નમકીન, ચિક્કી, અ઼ડદિયાપાક, શિયાળુ-પાક અને ભેટ-ઉપહાર આપવાનું ખૂબ ગમે. તેમના બે પલંગ (એકવાર પલંગમાંથી નીચે પડી ગયેલાં એટલે હવે બે-બે પલંગ રાખે છે.) ની સામે લાકડાનાં મોટાં કબાટો છે. એમાંથી એક કબાટ તો આ બધાથી ભરેલું જ હોય. મૂળ કચ્છનાં એટલે કચ્છનું કનેકશન મજબૂત. કચ્છની અલક-મલકની વખણાતી વાનીઓ-વાનગીઓ લતાબહેનના કબાટમાં ઠલવાતી રહે અને પોતાને મળવા આવતાં સ્વજનોને તેઓ પ્રેમથી આગ્રહપૂર્વક આપતાં જ રહે.
જે આપે છે તે પામે છે. લતાબહેન પાસે બધાને આપવા માટે ઘણું બધું છે. પારાવાર પ્રેમ, નિર્ભેળ લાગણી અને બીજુ ઘણું ઘણું…
તેમના ભાઈ વિનોદભાઈ સોની કહે છે કે જીવનમાં નાના-મોટા પ્રશ્નોથી ત્રસ્ત લોકો લતાબહેનને ફોન કરે. લતાબહેન તેમને હીંમત આપે. કોઈનું કોઈ કામ ના થતું હોય, કોઈને સમસ્યા હોય, તો લતાબહેન તેમને પોતાને પોતાની કને.. અને પછી લતાબહેન ફોન લઈને મંડી પડે.. ના થતું કામ થઈ જાય અને કોઈના મનમાં આત્મવિશ્વાસનું નેટવર્ક ના પકડાતું હોય ને, તો તે પણ લતાબહેન પકડી આપે..
એક વાત કહેવાની રહી ગઈઃ તેમને નિઃસહાય રહેવું ગમતું નથી. કોઈની મદદ લેવાની ગમતી નથી. ઓશિયાળા રહેવાનું ફાવતું નથી. તેમના એક અપરિણિત ભાઈ, હરેશભાઈ તેમની સાથે રહે છે અને તેમને સાચવે છે. 24 કલાક માટેનાં એક બહેન રાખેલાં છે. અલબત્ત, લતાબહેન, આ સ્થિતિમાં પણ બને તેટલાં સ્વાવલંબી રહેવાનો પ્રયાસ કરે છે. કોઈના પરનો આધાર તેમનો ગમતો નથી. અને હા, શિસ્ત ખૂબ ગમે. સમયપાલનનાં આગ્રહી. નિયત સમયે તેમને કોફી ના મળે તો કોફી પીવાનું ટાળે.
અને હા, કોઈનુંય ઋણ માથા પર ના રાખે. જે તેમનું રાખે તેનું સવાયું રાખી જાણે. લતાબહેનને વાંચવાનું ખૂબ ગમે. જોકે આંખોની મર્યાદાને કારણે હવે ઓછું વાંચે છે, પણ વાંચવા તો જોઈએ જ. સવાર-સાંજ ભગવાનનું ધ્યાન કરે. સવાર-સાંજ અચૂક હનુમાન ચાલીસા સાંભળે. અન્ય પ્રાર્થના-ભજનો સાંભળે.
તેમના રૂમમાં ટેલિવિઝન નથી, પણ તેઓ આખો દિવસ મોબાઈલ ફોન પર, યુટ્યૂબ પર અવનવા અને નીતનવા વીડિયો જોયા કરે. મજા આવે. આ નવી ટેકનોલોજીએ લતાબહેન જેવાં લાખો લોકોના જીવનમાં રંગ ભર્યા છે એ કબૂલ કરવું જ પડે. મોબાઈલ ફોનને કારણે અનેક વૃદ્ધજનોનું જીવન ધબકતું રહ્યું છે.
તેમના વાચનપ્રેમે તેમને એક સ્વજન આપ્યા.
લોકકલાવિદ્ અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવની કોલમ વાંચીને લતાબહેને ફોન કર્યોઃ મને તમારા લેખો ખૂબ ગમે છે. મારે આપને મળવું છે. જાદવ સાહેબ કહે હું ઘરે જ છું. આપ આવી શકો છો.. તેમણે કહ્યું “પણ હું ચાલી શકતી નથી.” સામેથી જવાબ મળ્યો.તો હું આપને મળવા આવીશ. જાદવ સાહેબ પોતાનાં ધર્મપત્ની સાથે લતાબહેનને મળવા ગયા. આ વાત પંદરેક વર્ષ પહેલાંની. લતાબહેનની બધી વિગત જાણી, તેમનો જુસ્સો, હીંમત, ખુમારી જોઈને તેઓ હેરત પામ્યા.
બસ, એ પછી તો જાદવ સાહેબના પરિવાર સાથે લતાબહેન અને સોની પરિવારનો મજબૂત નાતો બંધાયો.
લતાબહેન કહે છેઃ મને જાદવસાહેબે મોટી હીંમત આપી છે. તેમનો જેટલો માનું એટલો આભાર ઓછો જ પડે મારા ભાઈ. ગમે તેવું કામ હોય એ સજોડે હાજર જ હોય. લતાબહેનના ભાઈ વિનોદભાઈ સોની કહે છે, હોસ્પિટલમાં પણ આવે. કોઈ પણ કામ હોય તરત કરી આપે કે કરાવી આપે. ખરેખર અમારા પરિવાર પર તેમના ઘણા ઉપકાર છે.
એક લેખક અને વાચકના સંબંધમાં પ્રેમ, સંવેદના, કરુણા ભળે તો કેવો ચમત્કાર થાય તે અહીં જોવા મળે.
(મને લતાબહેનનો પરિચય જાદવ સાહેબે જ કરાવ્યો. મને કહે તમારી અત્યાર સુધીની તમામ પોઝિટિવ સ્ટોરીને આંટી મારે તેવી લતાબહેનના જીવનની સ્ટોરી છે..)
જોરાવરસિંહ જાદવ કહે છેઃ લતાબહેનનું દૃઢ મનોબળ ખરેખર નવાઈ પમાડે તેવું છે. 21-21 વર્ષ એક જ ખાટલામાં રહીને, જીવનને માણવું એ નાની વાત નથી. તેમના સ્વભાવની અનેક વિશેષતાઓ છે. જેમ કે તેઓ કોઈના પ્રત્યે વેરઝેર કે અભાવ રાખતાં જ નથી. તેમને સંતોષ નથી, અતિશય સંતોષ છે, ભગવાનને ખૂબ માને છે. બધાંને પોતાના સ્નેહી માને છે અને બને ત્યાં સુધી કોઈની મદદ લેતાં નથી.
લતાબહેનની તબિયત આમ સારી રહે છે પણ કોમ્પિકેશન્સ ઊભાં થાય તો હોસ્પિટલમાં દાખલ થવું પડે. તેમના પ્રસન્ન સ્વભાવ અને મજબૂત મનોબળના તો ડોકટરો પણ પ્રસંશક છે. અત્યાર સુધી થાપાની અનેક સર્જરી થઈ છે. ઘણી વખત અસાધારણ સ્થિતિમાં તેમના ખંડમાં જ સર્જરી કરાઈ હોય તેવું બન્યું છે. લતાબહેન હોય ત્યાં બધુ થાય. ચીલો ચાતરીને પણ કામ થાય. તેમની તબિયત સારી રહે છે. વચ્ચે ડાયાબિટીસ એકાદ વખત મળવા આવ્યો હતો, પણ લતાબહેને તેનો પ્રેમથી (કડવો એમ વાંચો) આતિથ્ય સત્કાર કરીને, વિદાય સમારંભ યોજી દીધો.
ક્યારેક દુઃખાવો વધે, ક્યારેક ઈન્ફેકશન થાય અને ક્યારેક યુરિનમાં તકલીફ પડે. પાણી અને મજબૂત મનોબળ સાથે દવાઓ લઈ લે એટલે વાત પૂરી. લતાબહેનનાં માતાનું નામ અમરતબહેન અને પિતાનું નામ હરિલાલભાઈ. લતાબહેનના ઘરમાં બન્નેના સરસ વિશાળ ફોટોગ્રાફસ છે. સોની પરિવાર મૂળ ભૂજનો પણ વર્ષોથી તેમનું એક ઘર અમદાવાદમાં. ભૂકંપ વખતે તેમનાં માતા અમદાવાદમાં હતાં. પિતાનું તો પહેલાં નિધન થયેલું. લતાબહેનના એક ભાઈ, ધીરજભાઈ, ભૂકંપ વખતે ઘરની બાલ્કનીનો કઠેડો પકડીને ઊભો હતા. ભૂકંપનો એટલો કરંટ આવ્યો કે આખો હાથ ખોટો પડી ગયો હતો.
લતાબહેન સોનીના જીવનની આ ગાથા, આ પોઝિટિવ સ્ટોરી લાખો-કરોડો લોકો માટે પ્રેરણા બની શકે તેમ છે. વિકટ સંજોગોમાં કેવી રીતે મનોબળ ટકાવી રાખીને સુંદર જીવન જીવી શકાય તે લતાબહેન પાસેથી શીખવા જેવું છે. નાની, મધ્યમ કે મોટી બીમારીથી કંટાળીને ઘણા લોકો આત્મહત્યાનો રસ્તો લે છે.. ઘણા લોકો ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે, ઘણા લોકો જીવનરસ ગુમાવીને માત્ર સમય પસાર કરવા ખાતર જીવે છે.. આ બધા લોકોને લતાબહેન સોનીનું જીવન એમ કહે છે કે ના.. ના.. સહેજે નિરાશ ના થશો. ભગવાનની ઈચ્છાને માન આપીને, તમારી અત્યારની જે સ્થિતિ છે તે સ્થિતિમાં શ્રેષ્ઠ જીવો. દરેકને પ્રેમ કરો. નકરો અને પારાવાર પ્રેમ કરો. કોઈના માટે વેરઝેર ના રાખો. સતત પોઝિટિવ રહો. તમારાથી થાય તેટલાં ભલાં કામ કરો. બને તેટલાં બીજાંને ઉપયોગી થાવ. જીવનની દરેક ક્ષણને માણો.