વાવાઝોડાના કારણે અમદાવાદમાં મે મહિનાનો રેકોર્ડ વરસાદ નોંધાયો

તૌક્તે વાવાઝોડું અમદાવાદમાંથી પસાર થઈ ગયું છે. જેના લીધે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વાવાઝોડાની અસરના કારણે શહેરમાં મે મહિનામાં એક જ દિવસમાં 5.68 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે આ આંકડો મે મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ પડવાનો રેકોર્ડ છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર બુધવાર બપોર બાદ અમદાવાદમાં ઉઘાડ નીકળે તેવી સંભાવનાઓ છે.

આ સિવાય હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમદાવાદમાં આગામી બે દિવસ દરમિયાન હળવો વરસાદ વરસી શકે છે. ત્યાર બાદ બાદ શુક્રવારથી વાતાવરણ જેવું હતું તેવું થઈ જશે અને ગરમી વધી શકે છે. આગામી અઠવાડિયાથી ફરીથી શહેરમાં આકરી ગરમી પડે તેવી સંભાવના છે.

વાવાઝોડાને કારણે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમદાવાદમાં વરસાદના લીધે વાસણા બેરેજ ખાતે લેવલ ઘટાડવામાં આવ્યું હતું. જેમાં ગેટ નં.20 ફૂટ, ગેટ નં.23 1.6 ફૂટ, ગેટ નં.26, 27, 28, 30 ત્રણ ફૂટ ખોલાયા હતા. જ્યારે આ દરમિયાન પવન અને વરસાદથી 15 મકાન તૂટ્યા હતા.

તેમ છતાં આ વાવાઝોડાની અસરના પગલે શહેરમાં અનેક જગ્યાએ નુકસાનીનાં દ્રશ્યો જોવા મળ્યા છે. જ્યારે પાલડી વિસ્તારમાં આવેલા એક મકાનની ગેલેરીમાં વીજળી પડી હોવાની ઘટના પણ સામે આવી હતી. તેમ છતાં વીજળી પડવાથી કોઈ જાનહાની થઈ નહોતી. આ સિવાય ભઠ્ઠા વિસ્તારમાં દુકાનનું ધાબુ પડતા બે લોકો દટાયા હતા. આ બંનેને અમદાવાદ ફાયર વિભાગ દ્વારા સલામત રીતે બહાર નીકાળી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Scroll to Top