ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર, અમદાવાદ-સુરતમાં કોરોનાના સૌથી વધુ કેસ

ગુજરાતાં તમામ જિલ્લાઓમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7476 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 37,238એ પહોંચી ચૂકી છે. જ્યારે સુરત અને પોરબંદર અને વલસાડમાં 1-1 દર્દીઓએ દમ તોડતા આ વૈશ્વિક મહામારીમાં સત્તાવારપણે કોવિડ-19થી થયેલા મૃતકોની સંખ્યા 10,132એ પહોંચી છે.

ગુજરાતમાં રોજેરોજ ઉમેરાતા નવા કેસમાં આજે ખુબ જ મોટો વધારો નોંધાયો છે. પરંતુ ઓમિક્રોનનો આજે એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા 264 છે.

જણાવી દઇએ કે, થર્ડવેવમાં દૈનિક નોંધાતા કેસોમાં બેથી ત્રણ ટકા દર્દી ફરીથી કોવિડ-19 પોઝિટિવ આવી રહ્યા છે. આ સાથે જ ગુજરાતમાં પોણા બે વર્ષમાં અત્યાર સુધીમાં સરકારી રેકર્ડ ઉપર કુલ 8 લાખ 28 હજાર 406ને કોરોના થયો છે. ઓમિક્રોન વેરિઅન્ટના કોમ્યુનિટી સ્પ્રેડને જાન્યુઆરીના છેલ્લા અને ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ સુધી દૈનિક કેસોની સંખ્યા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 2903, સુરતમાં 2124, વડોદરામાં 606, રાજકોટમાં 319, વલસાડમાં 189, ભાવનગરમાં 152, ગાંધીનગરમાં 182, કચ્છમાં 121, મહેસાણામાં 108, ભરૂચમાં 92, આણંદમાં 88, જામનગરમાં 129, ખેડામાં 71, નવસારીમાં 69, મોરબીમાં 57, સાબરકાંઠામાં 56, સુરેન્દ્રનગરમાં 42, જૂનાગઢમાં 26, પંચમહાલમાં 24, અમરેલી 21, બનાસકાંઠામાં 21, મહિસાગર 20 કેસ નોંધાયા છે. ત્યાં જ રાજ્યમાં ઓમિક્રોનના આજે એક પણ કેસ નહીં વેન્ટિલેટર ઉપરના દર્દીઓની સંખ્યા વધીને 34 થઈ છે. આ સાથે જ રાજ્યના કુલ 37,238 એક્ટિવ કેસો છે.

Scroll to Top