ગુજરાતમાં કોરોના બેકાબૂ થયો, એક્ટિવ કેસની સંખ્યા 50,000ને પાર

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરએ બીજી લહેર કરતા પણ વધારે ઝડપી બની છે. આજે ગુજરાતમાં છેલ્લા 24 કલામાં 11176 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યાં જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 50,000ને પાર પહોંચી ગઇ છે. કોરોના મહામારીના કારણે રાજ્યમાં પરિસ્થિતિ વણસવાના એંધાણ છે. જોકે લોકોએ તકેદારી રાખવી એ જરૂરી છે. બીજી લહેરની શરૂઆતમાં માત્ર ગુજરાતના મહાનગરોમાં જ સંક્રમણ ઝડપથી વધતું હતું પરંતુ નવા વર્ષના પ્રથમ માસની શરૂઆતમાં જ હવે મહાનગરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેજ ગતિએ કેસ વધી રહ્યાં છે.

આજે માત્ર અમદાવાદ અને સુરતમાં ચાર ડિજિટમાં કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો સૌથી વધુ 3673 કેસ નોંધાયા છે. ત્યાં જ સુરત શહેરમાં 2690 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશન 950, રાજકોટ કોર્પોરેશન 440, સુરત 243, વલસાડ 337, ભરૂચ 308, ગાંધીનગર કોર્પોરેશન 319, નવસારી 155, ભાવનગર કોર્પોરેશન 198, કચ્છ 129, મોરબી રાજકોટ 133 કેસ નોંધાયા છે.

રાજ્યના લોકો માટે રાહતની બાબત એ છે કે બીજી લહેરમાં મૃત્યુ દર ઊંચો હતો જેની સરખામણીએ ત્રીજી લહેરમાં મોતની સંખ્યા ઓછી નોંધાય છે. પરંતુ તકેદારી રાખવી એ જરૂરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5 દર્દીઓના મોત નિપજ્યા છે. અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન, વલસાડ, રાજકોટ, ભાવનનગરમાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે.

રાજ્યમાં મોતનો કુલ આંકડો 10142એ પહોંચ્યો છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 50,612 કેસ છે. જેમાથી 64 દર્દી વેન્ટિલેટર પર છે. ત્યાં જ 50,548 દર્દીની સ્થિતિ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરિ રેટ 93.23એ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 8,36,140 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

Scroll to Top