હાઇકોર્ટ: યજ્ઞમાં ગાયનું ઘી નાખવાથી થાય છે વરસાદ, પંચગવ્ય થી દૂર થાય છે ગંભીર રોગો

‘ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવી જોઇએ’ ચુકાદો આપનાર અલ્હાબાદ હાઇકોર્ટે હાલના દિવસોમાં ચર્ચામાં છે. અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ શેખર કુમાર યાદવે હાલમાં કહ્યું હતું કે ગાયને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવું જોઈએ અને તેની સુરક્ષાને હિન્દુઓના મૂળભૂત અધિકારોમાં સમાવવી જોઈએ.

જો કે, તેમણે એમ પણ કહ્યું કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગાય એકમાત્ર પ્રાણી છે જે ઓક્સિજન લે છે અને છોડે છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે યજ્ઞમાં ગાયનું ઘી નાખવાથી વરસાદ આવે છે અને પંચગવ્ય ગંભીર રોગો દૂર થાય છે. હકીકતમાં, કોર્ટે આ ટિપ્પણી 59 વર્ષના એક વ્યક્તિ પરની સુનાવણી સાથે સંબંધિત કેસમાં કરી છે, જેની આ વર્ષે માર્ચમાં ગૌહત્યાના આરોપમાં ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીની જામીન અરજી નામંજૂર કરતા જસ્ટિસ શેખર કુમાર યાદવે હિન્દીમાં લખેલા 12 પાનાના ચુકાદામાં કહ્યું કે ભારતમાં યજ્ઞમાં આહુતિમાં ગાયના દૂધમાંથી બનેલા ઘીનો ઉપયોગ કરવાની પરંપરા છે. તે સૂર્યના કિરણોને વિશેષ ઉર્જા આપે છે, જે છેવટે વરસાદનું કારણ બને છે.

ગાયના મહત્વને લઈને જસ્ટિસ યાદવે વધુમાં કહ્યું કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગાય એકમાત્ર પ્રાણી છે જે ઓક્સિજન લે છે અને છોડે છે. ગાયના દૂધ, દહીં, ઘી, મૂત્ર અને છાણથી બનેલ પંચગવ્ય ઘણા અસાધ્ય રોગો (ગંભીર રોગો) ની સારવારમાં મદદ કરે છે.

આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીને ટાંકીને તેમણે કહ્યું કે એક ગાય તેના જીવનકાળમાં 400 થી વધુ માનવીઓના ખોરાકમાં ફાળો આપે છે, પરંતુ તેનું માંસ માત્ર 80 લોકોનું પેટ ભરી શકે છે. જસ્ટિસ યાદવે કહ્યું કે ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે ગાય કે બળદની હત્યા માનવીની હત્યા જેવું જ છે.

તેમણે તેમના ચુકાદામાં કહ્યું હતું કે ગાય ભારતની સંસ્કૃતિનો એક ભાગ છે અને ગાયના માંસનો વપરાશ કોઈ પણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર માની શકાય નહીં. તેમણે કહ્યું કે સંસદે ગાયને રાષ્ટ્રીય પ્રાણી બનાવવા માટે કાયદો લાવવો જોઈએ અને તે લોકો વિરુદ્ધ કડક કાયદો બનાવવો જોઈએ જે ગાયને નુકસાન પહોંચાડવાની વાત કરે છે.

જસ્ટિસ યાદવે કહ્યું કે જીવવાનો અધિકાર મારવાના અધિકારથી ઉપર છે અને ગૌમાંસ ખાવાના અધિકારને ક્યારેય મૂળભૂત અધિકાર નથી માની શકાતો. જીવનનો અધિકાર માત્ર બીજાના સ્વાદ માટે છીનવી શકાતો નથી.

મૂળભૂત અધિકાર માત્ર ગૌમાંસ ખાનારાઓનો જ નથી, પરંતુ જેઓ ગાયની પૂજા કરે છે અને આર્થિક રીતે ગાયો પર નિર્ભર છે તેમને પણ સાર્થક જીવન જીવવાનો અધિકાર છે. જસ્ટિસ યાદવે કહ્યું કે વેદ અને મહાભારત જેવા ભારતના પ્રાચીન ગ્રંથોમાં ગાયને મહત્વના રૂપમાં દર્શાવવામાં આવી છે. આ જ ભારતની તે સંસ્કૃતિના પ્રતીકો છે જેના માટે ભારતને ઓળખવામાં આવે છે

Scroll to Top