તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ઓનર કિલિંગનો નવો મામલો સામે આવ્યો છે. મામલો હૈદરાબાદના સાહિનાથગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત બેગમ બજારનો છે. જ્યાં કેટલાક અજાણ્યા લોકોએ મળીને એક વ્યક્તિની ઘાતક હત્યા કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી મામલાની તપાસ શરૂ કરી હતી. હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ નીરજ પંવાર તરીકે થઈ છે. નીરજના દોઢ વર્ષ પહેલા લવ મેરેજ થયા હતા. મહિલાના પરિવારજનો તેમના પ્રેમ લગ્નથી નારાજ હતા. પોલીસને શંકા છે કે નીરજની હત્યા પાછળ તેની પત્નીના પરિવારજનોનો હાથ હોઈ શકે છે. જણાવી દઈએ કે નીરજના પરિવારના સભ્યોએ તેની પત્નીના પરિવારના સભ્યો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ત્યાં જ પોલીસે કેસ નોંધીને તેની તપાસ શરૂ કરી છે.
પોલીસને મળેલી માહિતી મુજબ પાંચ લોકોએ મળીને નીરજ પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જે સમયે નીરજ પર હુમલો થયો તે સમયે આસપાસ ઘણા લોકો હાજર હતા. પણ કોઈએ આગળ વધીને નીરજની મદદ કરી નહીં. હુમલાખોરો બે બનાવને અંજામ આપીને બે બાઇક પર સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનામાં ઘાયલ નીરજને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
નાગરાજુ ઓનર કિલિંગનો શિકાર બન્યો હતો
જણાવી દઈએ કે, 4 મેના રોજ હૈદરાબાદના સરૂરનગરમાં નાગરાજુ નામના યુવક પર તેની પત્નીના ભાઈએ વચ્ચે રસ્તા પર ચાકુ વડે હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી. નાગરાજુએ અન્ય ધર્મની છોકરી સાથે લગ્ન કર્યા હતા. જેના કારણે યુવતીનો ભાઈ ઘણો નારાજ હતો. આ કારણથી યુવતીના ભાઈએ નાગરાજુને રસ્તા વચ્ચે માર માર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. બાદમાં પોલીસે આ કેસમાં યુવતીના ભાઈ અને તેના એક મિત્રની ધરપકડ કરી હતી.