હોસ્પિટલમાં હાર્દિકે સરકાર પર સાધ્યું નિશાન, ઉપવાસ ચાલુ હોવાનો દાવો

હાર્દિકની હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાંથી હાર્દિકે ટ્વીટ કર્યું છે કે, તબિયત બગડવાને કારણે મને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. શ્વાસ લેવામાં પરેશાની થઈ રહી છે, કિડનીને નુક્સાન થયાનું પણ કહેવાઈ રહ્યું છે. પરંતુ હજુ સુધી ભાજપવાળા ખેડૂતો અને પાટીદારોની માગ માનવા તૈયાર નથી.

હાર્દિક પટેલને આજે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પાસના કન્વિનર મનોજ પનારાના જણાવ્યા અનુસાર, હાર્દિકે શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદ કરતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પનારાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, હાર્દિક પોતાના ઉપવાસ ચાલુ રાખશે.

ઉપવાસના 14મા દિવસે હાર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરી દેવા માટેની વ્યવસ્થા અગાઉ જ ઉભી કરી દેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સોલા સિવિલમાં સામાન્ય દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે હાર્દિકને છઠ્ઠા માળે ટ્રીટમેન્ટ આપવાની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. સોલા સિવિલની ટીમ અને એક કિડની એક્સપર્ટ પણ હાર્દિકના ઘરે હાજર રખાઈ હતી.

હાર્દિક અનશન પૂરા કરે તો પણ તેને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આપવી જરુરી હતી. કારણકે, 14 દિવસ સુધી ભૂખ્યા રહ્યા બાદ તેને શરુઆતમાં માત્ર લિક્વિડ જ આપવામાં આવશે. તેના શરીરમાં ગ્લૂકોઝનું પ્રમાણ ઘટી ગયું હોવાથી તેને ગ્લૂકોઝના બાટલા ચઢાવાશે. થોડા દિવસની ટ્રીટમેન્ટ બાદ હાર્દિકની સ્થિતિ નોર્મલ થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા અપાશે.

હાર્દિકને અનશન સમાપ્ત કરાવવા ખુદ ખોડલધામના નરેશ પટેલ મેદાને આવ્યા છે, અને તેમણે હાર્દિક સાથે મુલાકાત પણ કરી છે. સૂત્રોનું માનીએ તો, હાર્દિક આજે અનશન પૂરા કરે તેવી પૂરી શક્યતા છે અને આ માટેની તમામ વ્યવસ્થા પણ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે જાહેરાત કરી હતી કે, હાર્દિકે તેમને બોલાવ્યા ન હોવા છતાં પાટીદાર સમાજના આગેવાન તરીકે તેઓ તેની સાથે મુલાકાત કરશે, અને તેને ઉપવાસ છોડવા સમજાવશે.

ત્રણ માગો સાથે આમરણાંત ઉપવાસ પર બેઠેલો હાર્દિક જો અનશન પૂરા કરે તો તેની માગણી અંગે સીએમ સાથે વાત કરવા પણ નરેશ પટેલે તૈયારી બતાવી છે. બીજી તરફ, હાર્દિક પોતે અનેકવાર કહી ચૂક્યો છે કે જ્યાં સુધી તેની ત્રણ માગ નહીં સંતોષાય ત્યાં સુધી તે ઉપવાસ નહીં છોડે. જો તેને જબરજસ્તી હોસ્પિટલમાં દાખલ કરાશે તો તે ત્યાં પણ અનશન ચાલુ રાખશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here