જો તમારો પાસપોર્ટ કોઈ કારણસર ફાટી ગયો હોય અથવા તો વળી ગયો હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. જો આવું થશે તો તમારી સામે કોઈ પગલાં લેવામાં આવશે નહીં. તમે તમારો પાસપોર્ટ ફરીથી રિ ઇશ્યૂ કરાવી શકો છો. તમારે તેનો નિયમ જાણવો જોઈએ. તાજેતરમાં આવા બે કેસ નોંધાયા હતા. જેમાં વ્યક્તિનો પાસપોર્ટ ક્ષતિગ્રસ્ત થયો હતો. પહેલો કિસ્સો ભોપાલનો હતો. જેમાં એક બાળકે તેના પિતાના પાસપોર્ટ પર ડ્રોઇંગ બનાવ્યું હતું અને બીજા કેસમાં પત્નીએ તેના પતિનો પાસપોર્ટ ફાડી નાખ્યો હતો. કારણ કે તે તેની ગર્લફ્રેન્ડને સાથે માલદીવ ગયો હતો. જો આવી ઘટનામાં તમારો પાસપોર્ટ બગડે છે, તો તમે તેને ફરીથી જારી કરાવી શકો છો.
તમને જણાવી દઈએ કે પાસપોર્ટ ફરીથી જારી કરાવવા માટે તમારે પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી પડશે. આ પછી તમારે પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા ક્ષેત્રીય કાર્યાલયમાં એપોઇન્ટમેન્ટ લેવી પડશે. ત્યાં તમારી વિગતો અને જરૂરી દસ્તાવેજો તપાસવામાં આવશે. ત્યારબાદ તમારો મામલો રિજનલ પાસપોર્ટ ઓફિસ સુધી પહોંચશે. તે પછી પાસપોર્ટને ફરીથી જારી કરવામાં 3 દિવસથી 1 સપ્તાહનો સમય લાગશે.
પાસપોર્ટ રી-ઇશ્યુ માટે કેટલી ફી લેવામાં આવશે
ઉલ્લેખનીય છે કે જો તમારો પાસપોર્ટ બગડી ગયો છે અને તમે પાસપોર્ટ ફરીથી જારી કરવા માંગો છો તો તમારે લગભગ 3 હજાર રૂપિયા ખર્ચવા પડશે.
જો તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો પણ તમારે ગભરાવાની જરૂર નથી. તમે તમારો પાસપોર્ટ ફરીથી બનાવડાવી શકો છો. જો તમારો પાસપોર્ટ ખોવાઈ જાય છે, તો તમારે આ 3 સ્ટેપ ફોલો કરવા પડશે. સૌથી પહેલા પોલીસ સ્ટેશનમાં જઈને તમારો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવો. પછી આ માહિતી પાસપોર્ટ ઓફિસ અને એમ્બેસીને આપો. આ પછી, પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પાસપોર્ટ રી-ઇશ્યૂ માટે અરજી કરો. પાસપોર્ટ ફરીથી જારી કરવા માટે, તમારે અરજી ફોર્મ ભરવું પડશે અને આ માટે તમારે જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે.