અમદાવાદ શહેરમાં રહેનાર પરિણીતાએ તેના પતિ સામે ફરિયાદ દાખલ કરાવી છે. આ મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્ન પછી તેનો પતિ તેને સારી રીતે રાખતો નહતો અને છેલ્લા આઠ મહિનાથી તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો નહતો અને માનસિક શારીરિક ત્રાસ આપતો હતો જેના કારણ મહિલા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. આ સિવાય મહિલાએ જણાવ્યું છે કે, તેના પતિ ‘તું મને નથી ગમતી’ તેમ કહી તેની સાથે વાતચીત પણ કરતા નહોતા. જ્યારે મહિલાએ દીકરીના સ્કૂલ એડમિશનની વાત કરી તો તેના પતિએ પોતાની પાસે પૈસા નથી તેમ કહી વાત ટાળી નાખતો હતો. જયારે દેવું થઈ જતા સાસરીયા પાસેથી પતિએ 2 લાખ રૂપિયા પત્ની પાસેથી માંગ્યા હતા. સમગ્ર બાબતોથી કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરી દીધી હતી.
અમદાવાદ શહેરના ગોતા ઓગણજ રોડ ઉપર આવેલા એક ફ્લેટમાં રહેનાર 35 વર્ષીય યુવતીના વર્ષ 2012 માં મણિનગર ખાતે રહેનાર એક યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ યુવતી તેના પતિ સાથે સાસરે રહેવા ચાલી ગઇ હતી. જ્યારે લગ્નના દસ દિવસ બાદ તેના સાસરિયાઓએ તેને કામકાજ બાબતે બોલાચાલી શરૂ કરી દીધી અને તેને સારી રીતે રાખતા પણ ન હતા. મહિલાનો પતિ વારંવાર બોલતો કે, તું મને ગમતી નથી અને તારે મારી સાથે ક્યાંય ફરવા આવવાનું નહીં તેમ કહી તેને ઢોર માર મારતો હતો.
જેના લીધે ઘણી વખત આ મહિલા રિસાઈને તેના પિયરમાં આવી જતી હતી. તેમ છતાં મહિલાને પોતાનું ઘર કરવું હોવાથી તે સમાધાન કરી સાસરે રહેવા ચાલી જતી હતી. પરંતુ સમાજમાં કોઈ પ્રસંગ આવે ત્યારે મહિલાના પિયરજનો તેના પતિને બોલાવે તો પણ તેનો પતિ આવતો નહોતો અને આ મહિલાને તેનો પતિ કહેતો હતો કે, તું તારા પિયરમાં વારંવાર જઈશ તો હું મરી જઈશ તેવી ધમકી આપી ડરાવતો હતો.
જેના કારણે આ મહિલા તેના પિયરમાં પણ જઈ શકતી નોહતી. લગ્નજીવનથી મહિલાએ એક દીકરીને જન્મ પણ આપ્યો હતો. તેમ છતાં તેનો પતિ મહિલાની દીકરીને ક્યારે બોલાવતો નોહતો કે, રમાડતો પણ ન હતો અને તેની દેખરેખ પણ રાખી રહ્યો નોહતો. છેલ્લા આઠ મહિનાથી આ મહિલાનો પતિ તેની સાથે કોઈ પણ જાતનો શારીરિક સંબંધ રાખતો ન હોવાથી અને શારિરીક માનસિક ત્રાસ આપતા આ મહિલા પતિના વર્તનથી માનસિક રીતે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.