આપનું બાળક મોબાઈલ વાપરતું હોઈ તો આ લેખ તમારા માટે ખાસ છે જાણો, અને ખાસ વાંચો…

મોબાઈલ ફોન આમ તો આજકાલ બાળકો માટે એક અજાણ્યો ભવિષ્યનો દુષમન બની રહ્યો છે ત્યારે આજે એના વિશે વધુ જાણીશું,આપનું નાનું બાળક પણ મોબાઈલ વાપરતું હોઈ તો વાંચી લો..

ગુજરાતમાં મોબાઇલની લતના લીધે 10% બાળકોની આંખો ત્રાંસી તો 18% નું વિઝન નબળું પડ્યું રાજ્યના વિવિધ આઇ સ્પેશિયાલિસ્ટ, રિસર્ચ રિપોર્ટનું શૉકિંગ તારણ આ તસવીર ન સમાજ બદલી શકે કે ન સરકાર  માત્ર માતા-પિતા જ તે બદલી શકે એમ છે આ તથ્યો અત્યંત ચોંકાવનારા છે.

બાળકો માટે મોબાઇલ ફોનની લત ડ્રગ્સ કરતા વધારે ખતરનાક છે. તેનાથી માત્ર મગજને જ અસર નથી થતી પણ તેનાથી બાળકોની આંખો પણ ઝડપથી નબળી પડી રહી છે. રાજ્યના વિવિધ આઇ સ્પેશ્યાલિસ્ટ પાસેથી મળેલા આંકડા અને માહિતી મુજબ તેમની પાસે આવેલા દર્દીઓમાંથી મોબાઇલ ફોનની સ્ક્રીન સામે સતત જોવાથી રાજ્યના 30 ટકા લોકોની આંખો સૂકાઈ ગઈ છે.

સૌથી વધુ અસર 1 થી 16 વર્ષના બાળકોને થઈ રહી છે. અંદાજે 18 ટકા બાળકોની આંખોનું વિઝન ઝડપથી ઓછું થઈ રહ્યું છે. સતત સ્ક્રીન સામે જોયા કરનાર 10 ટકા બાળકોની આંખોની કીકી ત્રાંસી થઈ ગઇ હતી. ફોનનું એડિક્શન હવે ડ્રગ્સના એડિક્શન કરતા પણ વધારે ભયજનક બની ગયું છે.

અમદાવાદનાં સિનિયર આઇ સ્પેશ્યાલિસ્ટ અને સિવિલ હૉસ્પિટલના આંખોના વિભાગના ભૂતપૂર્વ ડાયરેક્ટર ડૉ.કામિની ઔદીચ્ય જણાવે છે કે ચાર વર્ષમાં મોબાઇલ ફોનના લીધે આંખોની વિવિધ પ્રકારની સમસ્યાઓ ધરાવતા દર્દીઓમાં વધારો થયો છે. ડૉ.કામિનીબેને પોતાના ક્લિનીકના ઇનહાઉસ સર્વેના તારણોના આધારે જણાવ્યું હતું કે ડ્રાઇ આઇ આંખો સૂકાઈ જવાની ફરિયાદ ધરાવતા 80 થી 85 ટકા દર્દીઓ દિવસમાં ચાર કલાક કરતા વધુ સમય મોબાઇલ ફોન,કમ્પ્યુટર લેપટોપ ટેબ્લેટઅથવા ટીવી સ્ક્રીન સામે ગાળતા હતા.

આ દર્દીઓમાં 60 થી 65 ટકાની વય 6થી 20 વર્ષની છે. તેમના જણાવ્યા પ્રમાણે 10 ટકા દર્દીઓ એવા હતા જેમની આંખોની કીકી મોબાઇલના વધુ પડતા વપરાશના લીધે ત્રાંસી થઈ ગઈ હતી. આ દર્દીઓની આંખોનું અલાઇનમેન્ટ ઓપરેશનથી ઠીક કરવામાં આવ્યુ હતું.

6 વર્ષ સુધીના બાળકોની આંખો સીધી રાખવા માટેના રિફ્લેક્સીસ વિકસવાની સ્થિતિમાં હોય છે. તેના કારણે મોબાઇલના વધુ પડતા વપરાશના લીધે આંખો ત્રાંસી થવાનું જોખમ રહેલું હોય છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સિનિયર આઇ સ્પેશિયાલિસ્ટ ડૉ. હંસા ઠક્કર જણાવે છે કે મોબાઇલનો વધુ પડતો ઉપયોગ અટકાવવો જોઈએ.

માતા-પિતાને બાળકની આંખો જરા પણ ત્રાંસી લાગે કે તે વધારે પડતા નજીકથી જુએ છે તો નિષ્ણાંત પાસે અચૂક તપાસ કરાવવી જોઈએ. સિવિલ હોસ્પિટલના બાળકોની આંખના ડૉક્ટર કલ્પિત શાહે કહ્યું કે, ત્રાંસી આંખના કારણે બાળકોને ભવિષ્યમાં સુરક્ષાદળોમાં ભરતી મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે. ડ્રાઈવિંગ લાઇસન્સ મળવામાં પણ તકલીફ થઈ શકે છે. તેથી બાળકો માટે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ હિતાવહ નથી.

અમદાવાદના આંખોના નિષ્ણાંત ડૉ.જગદીશ રાણા જણાવે છે કે મોબાઇલ સહિતના ગેજેટ્સના વધુ પડતા ઉપયોગના લીધે તેમની પાસે દરરોજ 15 થી 20 બાળકો આંખોની સમસ્યા સાથે આવે છે. મુંબઈ સ્થિત લીલાવતી હૉસ્પિટલ દ્વારા કરવામાં આવેલા સરવેના તારણો મુજબ મોબાઇલ ફોનના અતિરેકના કારણે દેશમાં 50 ટકા બાળકો અને કિશોરો કરોડરજ્જુની સમસ્યાથી પીડાય છે. જ્યારે પ્યૂ રિસર્ચ સેન્ટરના એક અહેવાલ અનુસાર સ્માર્ટ ફોનનો ઉપયોગ કરનારા લોકો દિવસમાં સરેરાશ 150 વખત ફોન જુએ છે, કારણ કે તેઓ પોતાની જાતને ફોનથી અલગ કરી શકતા નથી. આ જ કારણોસર મોબાઇલથી ટેવાયેલા બાળકો જલદી હિંસક બની જાય છે. ગ્રેટર નોઇડામાં 16 વર્ષના એક કિશોરે પોતાની માતા અને બહેનની હત્યા કરી નાખી હતી. કારણ કે કિશોર મોબાઇલમાં હિંસક ગેમ્સ રમ્યા કરતો હતો જેનો તેની બહેન વારંવાર વિરોધ કરતી હતી

કિસ્સો 1 માતા પિતા વ્યસ્ત હોવાથી મોબાઇલની લત લાગી, ટીચરે જાણ કરતા ખબર પડી 

અમદાવાદના વેજલપુરનો આઠ વર્ષનો વિકાસ રાઠોડ (નામ બદલ્યું છે) માતા-પિતા નોકરી કરતા હોવાથી બા પાસે રહેતો. રોજ બપોરથી સાંજ સુધી તેને ત્રણ-ચાર કલાક મોબાઈલ ઉપર ગેમ્સ-કાર્ટૂનની ટેવ પડી હતી. ત્રણ મહિનાથી તેના વિઝનમાં ચેન્જ આવ્યો હતો. તકલીફ વધતા વિકાસે શિક્ષકને વાત કરી હતી. શિક્ષકે વિકાસના પિતાને જાણ કરી. ચેકઅપ કરાવતા વિકાસની આંખોનું અલાઇનમેન્ટ ખોરવાયું હોવાની જાણ થઈ. ઓપરેશન બાદ આંખો સીધી કરવામાં આવી.  પછી વિકાસ માટે મોબાઇલ બંધ કરાયો.

કિસ્સો 2  બર્થડેના ફોટોમાં આંખો ત્રાંસી હોવાની ખબર પડી, હવે સર્જરી કરાવવી પડશે

અમદાવાદના જુહાપુરાની છ વર્ષની સમીના શેખ નામ બદલ્યું છે દિવસભર પિતાના ટેબલેટ પર ગેમ્સ રમતી અને સ્કૂલ એક્ટિવિટીઝ કરતી. એન્જિનિયર પિતા નાઇટ શિફ્ટના લીધે દિવસે આરામ કરતા. તેજસ્વી સમીનાને નોટમાં લખવામાં મુશ્કેલી પડતા ટીચરે તેની મમ્મીને વાત કરી હતી. બર્થડે પર લેવાયેલા ફોટોમાં તેની આંખો ત્રાંસી હોવાનું ઘરનાને ધ્યાને આવ્યું. તપાસ કરાવતા આંખો ત્રાંસી હોવાની ખાતરી થઈ. બાદમાં ચશ્મા કરાવ્યા પણ ફરક પડ્યો નહીં. ડૉક્ટર કહે છે કે છ મહિનામાં ફરક નહીં પડે તો સર્જરી કરવી પડશે.

કિસ્સો 3  મમ્મીએ બહાર રમવાનું બંધ કરાવ્યું તો 5 વર્ષની બાળકીને મોબાઇલની ટેવ પડી

બોટાદની 5 વર્ષની હીના મકવાણા (નામ બદલ્યું છે) ને બાળકો સાથે રમવા બાબતે ઝઘડો થતા તેની મમ્મીએ તેને બહાર રમવાની ના પાડી. બાદમાં ફોનમાં ગેમ્સ રમ્યા કરતી હીના જાગે ત્યારે બબ્બે મમ્મી દેખાયાની ફરિયાદ કરતી. તેની આંખો પણ ત્રાંસી લાગતી. અમદાવાદ સિવિલમાં તપાસ કરતા અગાઉથી પ્લસ નંબર હોવાની જાણ થઈ. આ સ્થિતિમાં રોજ 6-7 કલાક ફોન વાપરવાથી તેની આંખો ત્રાંસી થઈ હતી. હવે બાયફોકલ ચશ્મા પહેરે ત્યારે તેની આંખો સીધી રહે છે. ચશ્મા તેણે આજીવન પહેરવા પડશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top