સાબરકાંઠામાં બાળકી પર દુષ્કર્મ આચર્યા બાગ સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પડઘા પડ્યા છે. રાજ્યમાં હાલ પરપ્રાંતીય કામદારોમાં ફફડાટ ફેલાયેલો છે, અને તેમને ટાર્ગેટ બનાવીને તેમને માર મારવાની અને ધમકીઓની ઘટના બની છે. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી ગઇ છે. આ મુદ્દે રાજકારણમાં પણ રાજનીતિ થઇ રહી હોવાનું નેતાઓ જણાવી રહ્યા છે. હાલ ગુજરાતના ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ આ મામલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
જાડેજાએ કહ્યું કે, ગુજરાતમાં રહેનારા તમામ પરપ્રાંતિયોને ગુજરાતમાં જ રહેવા અપીલ કરી હતી અને સરકાર તમારી સાથે છે તેવું આશ્વસન આપ્યું હતું. ત્યારબાદ જાડેજાએ કોંગ્રેસને ટાર્ગેટ કરતા કહ્યું કે, ગુજરાત શાંતિ ઇચ્છે છે. કોંગ્રેસ આ ઘટના દ્વારા અશાંતિ ઉભી કરી રહી છે. પરપ્રાંતિઓ પર જ્યાં હુમલો થાય તે ઘટનાને ભાજપ વખોડે છે.
વધુમાં તેમણે કહ્યું કે, અલ્પેશ ઠાકોરના ઉપવાસ આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. એક ઉપવાસ પુરા થયા તો બીજા ઉપવાસ શરૂ કરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જાડેજાએ આડકતરી રીતે હાર્દિક પટેલ ઉપર પણ પ્રહારો કર્યા હતા. ગુજરાતના વિકાસમાં બધાનું હિત છે. અન્ય રાજ્યોના લોકોની પણ વિકાસમાં કામગીરી છે. કોંગ્રેસ માત્ર અશાંતિ ઉભી થાય તેવુ ઇચ્છે છે. હિંમતનગરની ઘટનામાં આરોપીની ધરપકડ કરી કાર્યવાહી થઇ રહી છે. રાજ્ય સરકાર તમામ ગુનેગારો પર કાર્યવાહી કરી રહી છે. ગુજરાતના વિકાસમાં પરપ્રાંતિય લોકો પણ ભાગીદાર છે.