ચીનની ચાર દિવસીય મુલાકાતે ગયેલા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને રવિવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ચીન અને પાકિસ્તાને સંયુક્ત નિવેદનમાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો રાગ આલાપ્યો છે. નિવેદનમાં, ચીને કાશ્મીર મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની વાત કરી અને પરિસ્થિતિને જટિલ બનાવતા એકપક્ષીય પગલાંનો વિરોધ કર્યો.
જો કે ભારતે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. પરંતુ સૂત્રો કહે છે કે ચીન અને પાકિસ્તાને યાદ રાખવું જોઈએ કે કેન્દ્રશાસિત પ્રદેશ (જમ્મુ અને કાશ્મીર) ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. વડાપ્રધાન ઇમરાન ખાને ચીનની ચાર દિવસીય મુલાકાતના છેલ્લા દિવસે શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તેમણે ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)ની ધીમી ગતિને લઇને બીજિંગની વધતી જતી ચિંતા અને પાકિસ્તાનમાં વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહેલા ચીની કર્મચારીઓ પરના હુમલા સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવા માટે આ મુલાકાત લીધી હતી.
એક નિવેદન અનુસાર, પાકિસ્તાને ચીનને જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ અંગે તાજેતરની ઘટનાઓથી વાકેફ કર્યા. તેમાં પીએમ ઇમરાન ખાનની ચિંતાઓ, પરિસ્થિતિ અને અગ્રેસર મુદ્દાઓ પણ સામેલ છે. ચીને પુનરોચ્ચાર કર્યો હતો કે કાશ્મીર મુદ્દો ઇતિહાસમાંથી ઉદ્ભવતો વિવાદ છે અને યુએન ચાર્ટર, સંબંધિત સુરક્ષા પરિષદના ઠરાવો અને દ્વિપક્ષીય કરારોના આધારે યોગ્ય અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ.
ઇમરાન ખાન સાથેની તેમની મુલાકાતમાં, શી જિનપિંગે કહ્યું કે ચીન રાષ્ટ્રીય સ્વતંત્રતા, સાર્વભૌમત્વ, ગૌરવની રક્ષા અને આતંકવાદ સામે લડવામાં પાકિસ્તાનને મજબૂત સમર્થન આપે છે, તેમણે કહ્યું કે ચીન CPECના સંપૂર્ણ વિકાસ તરફ આગળ વધવા માટે પાકિસ્તાન સાથે હાથ મિલાવવા તૈયાર છે.
સંયુક્ત નિવેદન અનુસાર, પાકિસ્તાની પક્ષે જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર નવીનતમ ઘટનાક્રમ વિશે ચીને માહિતગાર કર્યું. ચીની પક્ષે ફરી કહ્યું કે કાશ્મીર મુદ્દો ભૂતકાળથી ચાલી આવતો વિવાદ છે અને તેને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ. ચીન કોઈપણ એકપક્ષીય કાર્યવાહીનો વિરોધ કરે છે જે પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે.
ભારત કરતુ રહ્યું છે વિરોધ
આ પહેલીવાર નથી જ્યારે ચીન અને પાકિસ્તાને પણ પોતાના દ્વિપક્ષીય દસ્તાવેજોમાં જમ્મુ-કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ કર્યો હોય. ભારતે વારંવાર આવા સંદર્ભોને તેની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ગણાવીને ફગાવી દીધા છે. વિન્ટર ઓલિમ્પિક માટે ચીનની મુલાકાત લેનારા 20 નેતાઓમાં પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનનો સમાવેશ થાય છે. ભારત, યુએસ અને યુકે સહિત ઘણા પશ્ચિમી દેશોએ રાજદ્વારી રીતે ઓલિમ્પિક ઈવેન્ટનો બહિષ્કાર કર્યો છે.