ઉત્તરાયણ પહેલા જ યુવાનનું પતંગના દોરાથી ગળું ચિરાયું

રવિવારે બપોરે સુરતના ચોકબજાર કિલ્લા પાસે પતંગના કાતિલ દોરાથી ડાબા હાથની આંગળી અને ગળું કપાયેલા ઇચ્છાપોરના યુવાને કહ્યું હતું કે,’બે વર્ષ અગાઉ મારી નજર સામે એક યુવકનું પતંગના દોરાથી ગળું કપાતા મોત થયું હતું. જોકે આજે આવી જ ઘટના મારી સાથે બની હતી. જોકે, સદનસીબે મારો બચાવ થયો હતો’

સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી પહોંચેલા યુવકે ડોક્ટરોને કહ્યું હતું કે, મોપેડના સ્પેરપાર્ટ લેવા માટે ચોકબજાર વિસ્તારમાં આવ્યો હતો. ચોકબજાર કિલ્લા પાસે ઊભો રહી ગળા પર રૂમાલ બાંધી રહ્યો હતો. સામે બાઈકના હેન્ડલમાં ફસાયેલો પતંગનો દોરો આગળ ખેંચાતા તેના ગળાના ફસાયો હતો. જે કાઢવા માટે ડાબો હાથ આગળ કરતા ત્રીજી આંગળીની સાથે ગળાના ભાગે લાંબો ચીરો પડી ગયો હતો.

સુલેમાને કહ્યું કે, બે વર્ષ અગાઉ તેણે નજર સામે પતંગના દોરાથી ગળું કપાતા એક યુવાનને મરતા જોયો હતો. ત્યારથી પોતે ઉત્તરાયણના દિવસોમાં સતર્ક રહે છે તેમ છતાં આજે તેની સાથે આ ઘટના બની હતી.

Scroll to Top