મીરપુરઃ ભારતે બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને 3 વિકેટે હરાવી સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે 188 રને જીત મેળવી હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 227 રનનો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 314 રન બનાવીને 87 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં યજમાન ટીમે 231 રન બનાવ્યા અને ભારત સામે 145 રનનો ટાર્ગેટ આપ્યો, જેને ભારતે ચોથા દિવસના પ્રથમ સેશનમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો છે.
ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને શ્રેયસ અય્યર મેચમાં અંત સુધી અણનમ રહ્યા હતા. અશ્વિને 62 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી જ્યારે શ્રેયસ અય્યર 29 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ભારતીય ટીમ આજ સુધી બાંગ્લાદેશ સામે એકપણ ટેસ્ટ મેચ હારી નથી. મીરપુરમાં મુશ્કેલીમાં મુકાયા બાદ ટીમને હારનો ખતરો હતો. ભારત માટે શ્રેયસ અને અશ્વિને 8મી વિકેટ માટે અતૂટ 71 રનની ભાગીદારી નોંધાવી ટીમને જીત તરફ દોરી હતી. કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને ઋષભ પંત જેવા મોટા નામો સસ્તામાં ઘૂંટણિયે પાછા ફર્યા હતા. આવી સ્થિતિમાં બંનેએ તેને નાક કપાતા બચાવી લીધો.