યુક્રેન-રશિયા યુદ્ધની વચ્ચે, ભારત અને ચીન LACના બાકીના વિવાદિત વિસ્તારોના ઉકેલ માટે 15મા રાઉન્ડની બેઠક માટે સંમત થયા છે. 11 માર્ચે, બંને દેશોના સૈન્ય કમાન્ડર પૂર્વી લદ્દાખના ચુશુલમાં આ મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે. માહિતી અનુસાર, વિવાદના ઉકેલ માટે હાલમાં બંને દેશોના જે નિવેદનો સામે આવ્યા છે, તે ‘સકારાત્મક અને પ્રોત્સાહક’ છે.
બંને દેશો હવે બાકીના ‘ઘર્ષણ વિસ્તારો’ એટલે કે પૂર્વ લદ્દાખને અડીને આવેલા LACના વિવાદિત વિસ્તારોને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. માહિતી અનુસાર, 11 માર્ચે યોજાનારી બેઠક ભારતના કહેવા પર બોલાવવામાં આવી છે અને તે લદ્દાખના ચુશુલ-મોલ્ડો મીટિંગ-પોઇન્ટ પર ભારતની સરહદમાં થશે.
તમને જણાવી દઈએ કે, ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખને અડીને આવેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર છેલ્લા 22 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. વિવાદના ઉકેલ માટે બંને દેશો વચ્ચે 14 રાઉન્ડની બેઠકો થઈ છે. આ બેઠકો દ્વારા ગલવાન ઘાટી, પેંગોંગના ઉત્તર (ફિંગર એરિયા) અને દક્ષિણ એટલે કે કૈલાશ હિલ રેન્જ, ગોગરા અને હોટ સ્પ્રિંગ જેવા વિવાદિત વિસ્તારોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ ડેપસાંગ મેદાન અને ડેમચોક જેવા વિસ્તારો છે, જ્યાં વિવાદ ચાલુ છે. 15મા રાઉન્ડની બેઠકમાં આવા જ વિવાદિત વિસ્તારો પર ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે યુક્રેન યુદ્ધને કારણે આખી દુનિયા રશિયાની વિરુદ્ધ થઈ ગઈ છે, ત્યારે ભારત અને ચીન બંને રશિયાની સાથે ઉભા જોવા મળી રહ્યા છે. ચીન ખુલ્લેઆમ રશિયાની પડખે ઊભું છે. આવી સ્થિતિમાં તમામની નજર ભારત અને ચીનના સૈન્ય કમાન્ડરોની બેઠક પર રહેશે.