કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક, દેશમાં થયેલા ડોક્ટર્સના મોત ના આંકડા કરાયા જાહેર

કોરોનાની બીજી લહેર ડોકટરો માટે ખુબ જ ખતરનાક બની છે. તેમનો પણ કોરોનાના કારણે જીવ જઈ રહ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મુજબ, કોરોનાની બીજી લહેરમાં 420 ડોકટરોના મોત થયા છે. ભારતીય મેડિકલ એસોસિએશને આ બાબતમાં જાણકારી આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, બીજી લહેરમાં કયા રાજ્યમાં કોરોના ચેપને કારણે કેટલા ડોકટરોના મોત થયા છે. આંકડા અનુસાર દિલ્હીમાં કોરોના ચેપના કારણે સૌથી વધુ 100 ડોકટરોનાં મોત થયા છે. ત્યાર બાદ બિહારના 96 ડોકટરોનું કોરોનાના કારણે મોત થયો છે.

દેશની સૌથી વધુ વસ્તી ધરાવનાર ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના કારણે 41 ડોકટરોનાં મોત થયા છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામનાર ડોકટરોની સંખ્યા 31 થઈ ગઈ છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરમાં 15 ડોકટરોના મોત થયા છે. જે કોરોનાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. જ્યારે આંધ્રપ્રદેશના 26 ડોકટરો તેના ભોગ બન્યા છે.

જયારે તેમાં એક ચોંકાવનારો કેસ પણ સામે આવ્યો છે. આઇએમએ જણાવ્યું છે કે, દિલ્હીમાં મૃત્યુ પામનાર ઘણા ડોકટરો એવા હતા જેમણે રસીનો પ્રથમ અથવા બંને ડોઝ લઇ લેવામાં આવ્યા હતા. તેમ છતાં તેમની સંખ્યાની હજી પુષ્ટિ થઈ શકી નથી. કોવિડની ફરજ બજાવનાર ડોકટરોએ જણાવ્યું છે કે, કોરોનાની શરૂઆતથી લઈને અત્યાર સુધી તેઓ હથેળી પર જીવ રાખીને કામ કરી રહ્યા છે.

કોરોના રોગચાળાની પ્રથમ લહેર દરમિયાન કુલ 747 ડોકટરોના મોત થયા હતા. આઈએમએના આંકડા મુજબ, તમિલનાડુમાં પ્રથમ લહેરમાં સૌથી વધુ 91 ડોક્ટરોના મોત થયા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રમાં 81, પશ્ચિમ બંગાળના 71 અને આંધ્રપ્રદેશના 70 ડોકટરોનું કોરોનાના કારણે મોત થયું હતું. આ રોગચાળાને કારણે ગુજરાતમાં 62 અને મધ્ય પ્રદેશમાં 22 ડોકટરોના મોત થયા હતા.

Scroll to Top