આમ આદમી પાર્ટી ગુજરાત ના પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી એ ખેડૂતો ના એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે, અગાઉ ખેડૂતો માટે ‘પ્રધાનમંત્રી પાક વીમા યોજના’ અમલમાં હતી, એ યોજના જયારે રદ કરવામાં આવી ત્યારે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે બીજી વીમા યોજના લાગુ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ લાગુ કરવામાં આવી જે 2 વર્ષ સુધી અમલમાં રહી. પરંતુ, ચાલુ વર્ષે ખેડૂતો માટે ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ અમલમાં છે કે નથી તેના માટે કોઈ પણ પ્રકાર ની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી નથી.
પહેલા ખુબ વરસાદ ખેંચવાને કારણે અને નર્મદા નું પાણી સિંચાઈ માટે નહિ આપવાના કારણે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જેવા વિસ્તારોમાં ખેડૂતો મોડે સુધી વાવેતર કરી નહોતા શક્યા. જેની પાસે થોડી ઘણી સિંચાઈ કરવાની સગવડ હતી અને વાવેતર કર્યા, એમના કપાસ વગેરે વાવેતરો ના બિયારણો બળી ગયા. એ પછી અત્યારે જે એકધારો વરસાદ પડ્યો એમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું ધરૂ કોહવાઈ જવું, કેળ પડી જવી, સૌરાષ્ટ્રમાં જે લોકો એ સિંચાઈ થી મગફળી અને કપાસ કરેલા હતા એમના કપાસના છોડ વાદળ છાયા વાતાવરણ અને વરસાદ ના કારણે કોહવાઇ જવા, મગફળી ને કોહવાટ લાગવો, વગેરે કારણોસર ખેડૂતો ને વિવિધ વિસ્તારોમાં જુદા-જુદા પ્રકારનું નુકસાન થયું છે.
પરંતુ, સરકાર પાસે અત્યારે કોઈ ચોક્કસ યોજના કે નીતિ ન હોવાને કારણે ખેડૂતો આ નુકસાન ભોગવી રહ્યા છે. આ બાબતે ભાજપ સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ.
આમ આદમી પાર્ટી ની મીડિયાના માધ્યમથી ભાજપ સરકાર થી માંગણી છે કે જ્યાં-જ્યાં જે-જે વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું છે અને થઈ રહ્યું છે તેનો તાત્કાલિક સર્વે કરાવવા માં આવે, અને ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ ના જે માપદંડો હતા એ માપદંડો માં છૂટછાટ મૂકી ખેડૂતો ને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે.