63 દિવસ પછી એક લાખથી ઓછા નવા COVID-19 કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 86,498 કેસ

બે મહિનાથી વધુ સમય પછી મંગળવારે દેશમાં કોરોના સંક્રમણના એક લાખથી ઓછા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મંગળવારે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ -19 સંક્રમણના 86,498 નવા કેસ નોંધાયા છે. આ છેલ્લા 66 દિવસમાં સૌથી ઓછા દૈનિક કેસ છે. તેના પછી ભારતમાં કોરોના સક્રિય દર્દીઓની સંખ્યા 13 લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 97,907 જેટલી ઘટી છે, જે કુલ એક્ટિવ કેસની સંખ્યા 13,03,702 પર પહોંચી ગઈ છે.

બીજી તરફ જો આપણે મૃતકોની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 2123 દર્દીઓનાં મોત થયા છે, ત્યારબાદ કુલ મૃતકોની સંખ્યા 3 લાખ 51 હજાર 309 થઈ ગઈ છે. મૃત્યુ દર 1.21 ટકા નોંધાયું છે, જ્યારે રિકવરી દર વધીને 94.29 ટકા થઇ ગઈ છે. આ ઉપરાંત એક્ટિવ દર્દીઓ પણ 4.5 ટકા નોંધાયા છે. સાપ્તાહિક સંક્રમણ દર 6 ટકા પર આવી ગયો છે.

આજે સતત 26 મો દિવસ છે જ્યારે કોરોના સંક્રમણથી મુક્ત થનાર દર્દીઓની સંખ્યા રોજિંદા નવા કેસો કરતા વધારે છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,82,282 દર્દીઓ આ વાયરસના પ્રકોપથી મુક્ત થયા છે. જ્યારે અત્યારસુધી કુલ 2.73 કરોડ લોકો આ વાયરસને હરાવવામાં સફળ રહ્યા છે.

વેક્સિનેશન અને ટેસ્ટિંગની ગતિ વધારવાની કવાયત પણ ચાલુ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 36.8 કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે અને 23.61 કરોડથી વધુ લોકોને વેક્સીન આપી દેવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 33 લાખ 64 હજાર 476 લોકોને તેનો ડોઝ આપવામાં આવ્યો છે.

Scroll to Top