બીજિંગ ઓલિમ્પિકમાં ચીનની ચાલનો ભારતે આપ્યો જવાબ, હવે પ્રસાર ભારતીએ પણ લીધો આ નિર્ણય

ચીનના બીજિંગમાં યોજાનાર વિન્ટર ઓલિમ્પિકનો ભારતીય રાજદ્વારીઓએ બહિષ્કાર કર્યો છે. વાસ્તવમાં ચીને ગલવાન ખીણના સંઘર્ષમાં સામેલ એક સૈન્ય કમાન્ડરને વિન્ટર ઓલિમ્પિકમાં ટોર્ચબેરર બનાવવાનો નિર્ણય કર્યો હતો, જે બાદ ભારતીય રાજદ્વારીઓએ તેનો સખત વિરોધ કર્યો હતો. ચીનના આ નિર્ણયને ગલવાન ઘાટીમાં વિવાદને વૈશ્વિક સ્તરે ફેલાવવાના ષડયંત્ર તરીકે જોવામાં આવી રહ્યો છે.

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું
આ સમગ્ર મામલે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીને ઓલિમ્પિકનું રાજનીતિકરણ કર્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બીજિંગમાં ભારતના કાર્યવાહક રાજદૂત ઓલિમ્પિકના ઉદઘાટન અથવા સમાપનમાં કોઈ પણ પ્રકારે ભાગ લેશે નહીં.

પ્રસાર ભારતીએ લીધો નિર્ણય
વિદેશ મંત્રાલયની આ જાહેરાત બાદ દેશના સૌથી મોટા સરકારી ટીવી નેટવર્ક પ્રસાર ભારતીએ પણ વિન્ટર ઓલિમ્પિક્સ 2022નો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. પ્રસાર ભારતીના સીઇઓ શશિ શેખર વેંપાતિએ જણાવ્યું હતું કે ચેનલ ‘ડીડી સ્પોર્ટ્સ’ બીજિંગમાં વિન્ટર ઓલિમ્પિકના ઉદઘાટન અને સમાપન સમારોહનું લાઈવ પ્રસારણ કરશે નહીં.

અહીંથી મુદ્દો ગરમાયો
તમને જણાવી દઈએ કે અલગ-અલગ દેશોમાંથી આવેલી ઓલિમ્પિક મશાલ 2 ફેબ્રુઆરીએ બીજિંગ પહોંચી હતી. ચીને ત્યાં મશાલ પકડાવવા માટે PLA કમાન્ડર ક્વિ ફાબાઓને પસંદ કર્યા. ક્વિ ફાબાઓ પૂર્વ લદ્દાખમાં પોસ્ટેડ હતા અને 15 જૂને ગલવાન ખીણમાં થયેલી અથડામણમાં સામેલ હતા.

ક્વિ ફાબાઓના નેતૃત્વમાં ચીની સેનાએ પેટ્રોલિંગમાં ગયેલા ભારતીય સેનાના કર્નલ બાબુ સહિત અન્ય નિઃશસ્ત્ર સૈનિકો પર કપટપૂર્વક હુમલો કર્યો. આ ઘટના બાદ ભારતમાં સરકારથી લઈને સામાન્ય લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

 

Scroll to Top