ધર્મશાળાઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન-ડે મેચોની સિરીઝની પ્રથમ વન-ડે રવિવારે ધર્મશાળામાં રમાઈ રહી છે. ધર્મશાળામાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાના બોલરોએ તેના કેપ્ટનનો નિર્ણય સાચો સાબિત કરતાં શરૂઆતની ઓવરથી જ ભારતને ઝટકા આપવાનું શરૂ કર્યું હતું. . ભારતની સમગ્ર ટીમ 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી ધોનીએ સર્વાધિક 65 રન બનાવ્યા હતા. ભારતના 4 ખેલાડી ખાતું પણ ખોલાવી શક્યા નહોતા, જ્યારે યુજવેન્દ્ર ચહલ 0 રને અણનમ રહ્યો હતો. શ્રીલંકા તરફથી લકમલે 4 વિકેટ લીધી હતી.
શિખર ધવનના રૂપમાં ભારતને ફટકો લાગ્યો હતો. ધવન 0 રને મેથ્યુસની ઓવરમાં એલબીડબલ્યુઆઉટ થયો હતો. જે પછી થોડીવારમાં કેપ્ટન રોહિત શર્મા પણ 2 રન બનાવી આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર માત્ર 4 રનનો હતો. દિનેશ કાર્તિક પણ ખાતું ખોલાવી શક્યો નહોતો.
મનીષ પાંડે પણ માત્ર 3 રનનું યોગદાન આપી શક્યો હતો. રોહિત શર્મા, દિનેશ કાર્તિક અને મનીષ પાંડેની વિકેટ ઝડપી લકમલે તરખાટ મચાવ્યો હતો. વન ડે કેપ મેળવનારો ઐયર 9 રન બનાવી પ્રદીપની ઓવરમાં બોલ્ડ થયો હતો.
હાર્દિક પંડ્યા 10 રન બનાવી પ્રદીપની ઓવરમાં સ્લિપમાં મેથ્યુસને કેચ આપી બેઠો હતો. ભુવનેશ્વર કુમાર પણ ખાતું ખોલાવી શક્યો નહોતો અને લકમલની ઓવરમાં વિકેટકિપર ડિકવેલાને કેચ આપી બેઠો હતો. કુલદીપ યાદવ 19 રન બનાવી ધનંજયની ઓવરમાં સ્ટપ આઉટ થયો હતો.શ્રેયસ ઐયરે ભારત તરફથી વન-ડે ડેબ્યૂ કર્યું હતુ. પરંતુ માત્ર 9 રનનું જ યોગદાન આપી શક્યો હતો.
ભારતના ધબડકા બાદ ધોનીએ 65 રનનું યોગદાન આપ્યું હતું. જેમાં તેણે 10 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. ધોનીના પ્રતિકારના કારણે જ ભારત 100 રનનો સ્કોર વટાવી શક્યું હતું. ભારતના 4 ખેલાડી ખાતું પણ ખોલાવી શક્યા નહોતા, જ્યારે યુજવેન્દ્ર ચહલ 0 રને અણનમ રહ્યો હતો.