કોરોના મહામારીને ભારતીય અર્થવ્યવસ્થા (Indian economy) ને ઘણી ખરાબ રીતે અસર કરી છે. નાણાકીય વર્ષ 2021 માં ભારતનો વિકાસ દર -7.3% રહ્યો જે પાછળના ચાર દાયકાથી વધુ સમયનું સૌથી ખરાબ પ્રદર્શન છે. સરકાર દ્વારા સોમવારે જાહેર કરેવામાં આવેલ આંકડા મુજબ 2020-21 જીડીપીના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) દરમિયાન 1.6 ટકાનો દર વધ્યો, જયારે આખા નાણાકીય વર્ષ દરમિયાન જીડીપીમાં 7.3 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જો કે, જાન્યુઆરી-માર્ચ 2021 દરમિયાનનો વૃદ્ધિ દર અગાઉના ત્રિમાસિક ગાળાના ઑક્ટોબર-ડિસેમ્બર 2020 ના 0.5 ટકા વૃદ્ધિ કરતા સારો હતો.
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (એનએસઓ) દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ વર્ષ 2019-20માં જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક દરમિયાન કુલ ઘરેલુ ઉત્પાદ (જીડીપી) માં ત્રણ ટકાનો વધારો થયો હતો. આંકડા મુજબ ભારતીય અર્થવ્યવસ્થાના કદમાં 2020-21 દરમિયાન 7.3 ટકા સંકુચન થયો. જો કે આ પહેલા નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થા ચાર ટકાના દરે વધી હતી. એનએસઓએ આ વર્ષે જાન્યુઆરીમાં જાહેર કરેલા તેના અગાઉના અંદાજને આધારે કહ્યું હતું કે 2020-21 દરમિયાન જીડીપીમાં 7.7 ટકાનો ઘટાડો રહેશે. ચીને જાન્યુઆરી-માર્ચ 2021 માં 18.3 ટકાની આર્થિક વૃદ્ધિ નોંધાવી છે.
કોરોનાની પહેલી લહેર અને માર્ચ 2020 પછી કેટલાક મહિના સુધી દેશમાં લગાવવામાં આવેલ કડક લોકડાઉન ને કારણે FY 2020-21 માં જીડીપીનો વિકાસ દર ઘટીને -7.3% ટકા રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ જીડીપીમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. આ ઘટાડો કેટલો મોટો છે એનો અંદાજ આ પરથી લગાવી શકાય છે કે FY 2019-20 માં જીડીપીનો ગ્રોથ રેટ 4% હતો, જોકે ફેબ્રુઆરીમાં જાહેર થયેલા જીડીપીના અંદાજીત -8% ની તુલનામાં તે ચોક્કસપણે ઘટ્યો છે.
નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર કે સુબ્રમણ્યમે કહ્યું કે, “નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાંનો ઘટાડો 24.4% હતો. હવે 2020-21માં ઇકોનોમિક કંટ્રકશન -7.3% રહ્યો જે ફેબ્રુઆરીમાં અંદાજિત -8 નો નજીવો સુધારો છે.
સોમવારે જ વાણિજ્ય મંત્રાલયે એપ્રિલ મહિના માટે 8 કોર ઇન્ડસ્ટ્રીઝના પ્રોડકશનના આંકડા જાહેર કર્યા હતા, જે દર્શાવે છે કે અર્થવ્યવસ્થાનું સંકટ નવા નાણાકીય વર્ષમાં ફરી ઘટી રહ્યું છે.
કોરોનાની બીજી લહેરને રોકવા માટે દેશના આર્થિક દૃષ્ટિકોણથી મહત્વના રાજ્યોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું, જેના કારણે અર્થવ્યવસ્થા ફરી નબળી પડી હોય તેવું લાગી રહ્યું છે. વાણિજ્ય મંત્રાલયે કોર ઉદ્યોગો વિશે તાજેતરમાં બહાર પડેલા આંકડા મુજબ આ વર્ષના એપ્રિલમાં માર્ચ 2021 ની તુલનામાં દેશના 8 કોર ઑદ્યોગિક ક્ષેત્રના ઉત્પાદનમાં -15.1% નો ઘટાડો થયો છે.