કેનેડામાં એક 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થી પર કાર ચોરી દરમિયાન ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો, જેના લીધે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક ભારતીય વિદ્યાર્થી કોલેજની રજાઓમાં પિઝા ડિલિવરીનું કામ કરતો હતો. તે દરમિયાન આ ઘટના ઘટી હતી. પોલીસ દ્વારા આ મામલામાં તપાસ કરતા જાણકારી સામે આવી છે કે, આ ઘટનામાં ગુરવિંદર નાથનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના કેનાડાના મિસિસોગાના બ્રિટાનિયા એન્ડ ક્રેડિટવ્યુ રોડ પર ઘટી હતી.
સમાચાર મુજબ, ગુરવિંદર કેનેડાની એક બિઝનેસ સ્કૂલમાં અંતિમ સેમેસ્ટરનો વિદ્યાર્થી હતો અને બ્રેમ્પટન વિસ્તારમાં રહી રહ્યો હતો. હાલમાં કોલેજમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હતું. આવી સ્થિતિમાં ગુરવિંદર દ્વારા પિઝા ડિલિવરીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. 9 જુલાઈના રોજ ગુરવિંદર સવારના 2.10 વાગ્યે પિઝા ડિલિવરી કરવા માટે ગયેલો હતો. ત્યારબાદ કેટલાક લોકોએ તેની કાર ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગુરવિંદરે વિરોધ કર્યો તો આરોપીઓએ તેના પર હુમલો કર્યો, જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.
જ્યારે આ હુમલામાં ગુરવિંદરને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ તેને નજીક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યારે તેની સારવાર ટ્રોમા સેન્ટરમાં ચાલી રહી હતી. તેમ છતાં ગુરવિંદરની વધુ તબિયત બગડતાં 14 જુલાઈએ તેનું મૃત્યુ નીપજ્યું હતું. કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ઘટનામાં ઘણા આરોપીઓ છે અને પિઝાની ડિલિવરી પણ એક ષડયંત્ર હેઠળ અપાઈ હતી. હુમલા બાદ સંભવતઃ આરોપીઓને પણ આશંકા લાગી હતી, જેથી તેઓ પણ સ્થળથી થોડે દૂર વાહન છોડીને નાસી ગયા હતા.