અ’વાદ: ‘ભારતીય’ અટક અપનાવી છતાં ઓનર કિલિંગનો ભય, રોજ મળે છે ધમકી

અમદાવાદ: દેશમાં જ્યાં ઓનર કિલિંગનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતના આંતરજ્ઞાતિય લગ્ન કરનારા યુગલે લોકો સામે જવાની હિંમત કરી છે. આંતરજ્ઞાતિય લગ્ન કરનાર દલિત યુવક અને દરબાર યુવતી ભય વિનાનું સન્માનનીય જીવન અને સમાજના કથિત રક્ષકો સામે સુરક્ષા મળે તે માટે લડત આપી રહ્યા છે. સુરેન્દ્રનગરનો કમ્પ્યૂટર એન્જિનિયર રવિન્દ્ર ભારતીય (30 વર્ષ) અને તેની પત્ની શિલ્પી ભારતીય (28 વર્ષ) કહે છે કે, તેઓએ 29 ડિસેમ્બર 2015થી અત્યાર સુધીમાં 20 વખત ઘર બદલ્યું છે. આ દિવસે તેમણે પોતાના પરિવાર અને સમાજ વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા.

કપલ કહે છે કે, ભાવનગરના મહુવા તાલુકામાં આવેલા કૃષ્ણપુર ગામમાં રહેતા શિલ્પીના પરિવાર તરફથી સતત ધમકીઓ મળે છે. શિલ્પી વગદાર પરિવારમાંથી આવે છે. શિલ્પીના પિતાની વગ રાજકારણ અને પોલીસ બેડામાં છે. કપલે નક્કી કર્યું કે તેઓ પોતાની જન્મજાત અટક ત્યાગીને નામની આગળ ‘ભારતીય’ લગાવશે. રવિન્દ્રએ કહ્યું કે, “અમને હતું કે ભારતીય સરનેમ અપનાવવાથી સમસ્યા નહીં નડે પરંતુ ધમકીઓ તો હજુ પણ મળે છે. અમારી પર હુમલો થયો હોય તેવી ઘટનાઓ હજુ પણ બને છે.” રવિન્દ્ર ગુજરાન ચલાવવા માટે ચા-નાસ્તાની લારી ચલાવે છે.

હૈદરાબાદમાં દલિત યુવક પ્રણય કુમારની ઘાતકી હત્યા કરવામાં આવી. પ્રણયે ઉચ્ચ જ્ઞાતિની યુવતી અમૃતા વર્ષીણી સાથે લગ્ન કર્યા હતા. આ ઘટના બાદ રવિન્દ્ર અને શિલ્પીએ ઓનર કિલિંગ સામે અવાજ ઉઠાવ્યો છે. 18 સપ્ટેમ્બરે તેમણે અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલા બાબાસાહેબ સર્કલ પાસે પ્રદર્શન કર્યું હતું. આ ભારતીય કપલ આંતરજ્ઞાતિય લગ્ન કરનારા અન્ય કપલને પણ આશરો આપે છે. અત્યાર સુધી તેમણે 5 કપલની મદદ કરી છે.

પોતાની લવસ્ટોરી જણાવતાં રવિન્દ્ર કહે છે કે, “અમારી મુલાકાત ફેસબુક પર થઈ. ડિસેમ્બર 2013થી અમે ફેક આઈડી દ્વારા એકબીજા સાથે ચેટિંગ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે અમારી મિત્રતા વધી. એક વખત મે શિલ્પીને 15,000 રૂપિયાની મદદ કરી હતી. શિલ્પીએ તેની બહેનને આગળ ભણાવવા માટે રૂપિયા માગ્યા હતા કારણકે તેનો પરિવાર આની વિરુદ્ધ હતો.” શિલ્પી કહે છે કે, “રવિન્દ્રએ પોતાનો નવો મોબાઈલ વેચીને મને રૂપિયા આપ્યા. તેની આ બાબતે મને ખૂબ પ્રભાવિત કરી અને હું તેના પ્રેમમાં પડી. મારો પરિવાર વગદાર છે અને રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતો હોવાથી મને ખબર હતી કે તે અમારો પ્રેમ નહીં સ્વીકારે. એટલે એક દિવસ મેં રવિન્દ્ર સામે મારો પ્રેમ કબૂલ્યો અને તેણે લગ્ન કરવાની શરતે મને હા પાડી.”

શિલ્પી અને રવિન્દ્રએ લગ્ન કર્યા અને ત્યારથી ધમકીઓ અને હુમલાનો સિલસિલો શરૂ થયો. શિલ્પીએ જણાવ્યું કે, એક વખત ટોળાએ તેમના ઘરને ઘેરી લીધું હતું પરંતુ બંને પાડોશીઓની મદદથી ભાગવામાં સફળ રહ્યા. બંનેને પોતાનું વતન છોડવું પડ્યું અને ફરી ત્યાં પગ મૂકવામાં પણ ભય અનુભવે છે છતાં તેમણે ઓનર કિલિંગ સામે અવાજ ઉઠાવ્યો છે. હવે દલિતોના હક માટે લડતી શિલ્પી કહે છે કે, “ઓનર કિલિંગ નહીં આ હોરર કિલિંગ છે. ઈગો (અહંકાર) કિલિંગ છે.”

અટક ભારતીય કરવા વિશે રવિન્દ્ર કહે છે કે, “અમને લાગે છે કે દેશની સરહદ પર લડતાં સૈનિકો માટે નાત-જાતનું કોઈ મહત્વ નથી. તેઓ દેશ માટે શહીદી વહોરે છે. અમને સૈનિકો પ્રત્યે માન છે તેમને પ્રેમ કરીએ છીએ. અમારી હત્યા થઈ શકે છે પરંતુ અમે પીછેહઠ નહીં કરીએ.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top