જનરલ બિપિન રાવતનું હેલીકોપ્ટર કેવી રીતે થયું ક્રેશ? તપાસ રિપોર્ટમાં મોટો ખુલાસો

CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટના કેસની તપાસ માટે રચાયેલી તપાસ ટીમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં કોઈપણ યાંત્રિક નિષ્ફળતા, બેદરકારી અથવા કોઈપણ પ્રકારની તોડફોડની શક્યતાને નકારી કાઢવામાં આવી છે.

તપાસ ટીમના પ્રારંભિક અહેવાલ મુજબ, સીડીએસ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુમાં તેના સાચા માર્ગ પર હતું. અચાનક હવામાનમાં પલટો આવ્યો અને હેલિકોપ્ટર ગાઢ વાદળોથી ઘેરાઈ ગયું. જે બાદ પાયલોટે તેના પરથી કાબુ ગુમાવ્યો અને તે પર્વતીય વિસ્તારમાં ક્રેશ થઈ ગયું. આ અકસ્માતમાં જનરલ રાવત સહિત હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોના મોત થયા હતા.

એર ચીફ માર્શલ વીઆર ચૌધરીના નિર્દેશમાં એર માર્શલ માનવેન્દ્ર સિંહે આ તપાસ હાથ ધરી હતી. તેમણે 5 જાન્યુઆરીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને તપાસના પરિણામો વિશે માહિતગાર કર્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હેલિકોપ્ટર Mi-17V5 ઘટનાના દિવસે નીલગિરી પહાડીઓ પર ઉડતી વખતે સામાન્ય રીતે ઉડી રહ્યું હતું.

પાઈલટ અને તેમા સવાર બંને આવનારા ખતરા અજાણ હતા. પછી અચાનક હવામાન ખૂબ જ ઝડપે પલટાયું અને હેલિકોપ્ટર વાદળોમાં ઘેરાઇને ક્રેશ થઇ ગયું. રિપોર્ટમાં માનવીય ભૂલ અથવા નેવિગેશનના અભાવને નકારી કાઢવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને આર્મી-એરફોર્સના 12 અધિકારીઓએ 8 ડિસેમ્બરે સુલુર એરબેઝથી વેલિંગ્ટન એરબેઝ જવા માટે ટેકઓફ કર્યું હતું. વેલિંગ્ટન એરબેઝ પર પહોંચવાની થોડી મિનિટો પહેલાં, હેલિકોપ્ટરનો નીલગિરી ટેકરીઓ પરના કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો અને પહાડીઓ પર ક્રેશ થઇ ગયું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહાડીઓમાં રહેતા લોકોએ ઘટના પહેલા હેલિકોપ્ટરનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. આ દર્શાવે છે કે હેલિકોપ્ટર ઓછી ઉંચાઈ પર ઉડી રહ્યું હતું અને આકાશમાં વાદળો છવાયેલા હતા. આ ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં બ્રિગેડિયર એલએસ લિડર, જનરલ બિપિન રાવતના સંરક્ષણ સલાહકાર, લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંહ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના સ્ટાફ ઓફિસર અને પાયલટ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો સમાવેશ થાય છે.

Scroll to Top