IPL2022: ચેન્નાઇ સામેની મેચમાં મુંબઇના આ ખેલાડીએ કેમ હાથ જોડયા, હવે થયો ખુલાસો

આઇપીએલ 2022 ની 59મી મેચ ચેન્નાઈ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈએ મોટી જીત નોંધાવીને ચેન્નાઈની પ્લેઓફની આશાઓને હરાવી દીધી હતી. આ મેચમાં મુંબઈને જીતવા માટે 98 રનનો ટાર્ગેટ મળ્યો હતો. સ્કોરનો પીછો કરતા ટીમ મુશ્કેલીમાં જોવા મળી હતી, પરંતુ ટીમના એક યુવા બેટ્સમેને મુંબઈને જીત અપાવી હતી. આ જીત બાદ આ ખેલાડી મેદાનમાં જ હાથ જોડતો જોવા મળ્યો હતો, આ ખેલાડીએ આવું કેમ કર્યું તેની પાછળનું મોટું કારણ સામે આવ્યું છે.

મેચમાં ખેલાડીએ કેમ હાથ જોડ્યા?

મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની જીતનો હીરો 19 વર્ષનો યુવા બેટ્સમેન તિલક વર્મા હતો. તિલક વર્માએ CSK સામે અણનમ 34 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. મેચ બાદ તે મેદાન પર જ હાથ જોડીને સલામ કરતો જોવા મળ્યો હતો. તેણે તેના કોચ સલામ બાયશના સન્માનમાં આ કર્યું હતું. આ મેચ જોવા માટે તિલક વર્માના કોચ સલામ બાયશ મેદાન પર પહોંચ્યા હતા. આ ઘટના સાથે જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે અને ચાહકો તિલકના વખાણ કરી રહ્યા છે.

પ્રથમ સિઝનમાં સુપરસ્ટાર બન્યો

તિલક વર્મા IPLમાં પોતાની પ્રથમ સિઝન રમી રહ્યો છે. IPL 2022 મુંબઈ ઈન્ડિયન્સ માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછું ન હતું, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ માટે 19 વર્ષના યુવા બેટ્સમેન તિલક વર્માએ જોરદાર સ્કોર કર્યો છે. તિલક વર્માએ IPL 2022ની 12 મેચોમાં 40.89ની સરેરાશથી 368 રન બનાવ્યા છે. આ સિઝનમાં તેના બેટમાંથી 2 અડધી સદી પણ નીકળી છે.

રોહિત શર્માએ પણ વખાણ કર્યા

આ મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, તિલક વર્માનું આઈપીએલમાં આ પહેલું વર્ષ છે. તે ખૂબ જ સારી બેટિંગ કરે છે. જ્યારે પણ તમે તિલક સાથે વાત કરો છો ત્યારે તેમનામાં રનની ભૂખ દેખાય છે. આટલું શાંત મન રાખવું ક્યારેય સહેલું નથી હોતું. તે ટૂંક સમયમાં ત્રણેય ફોર્મેટમાં ભારત માટે રમતા જોવા મળશે. તેની પાસે સારી ટેક્નિક અને સ્વભાવ છે. આગળ બોલતા રોહિત શર્માએ કહ્યું કે, અમે ભવિષ્ય પર નજર રાખી રહ્યા છીએ, અમે મેચ જીતવા માંગીએ છીએ અને અમે કેટલાક ખેલાડીઓને પણ અજમાવવા માંગીએ છીએ.

Scroll to Top