આપ નેતા ઇસુદાન પર નશા અને છેડતીના આરોપ બાદ કરવામાં આવેલ નશાનો રિપોર્ટ આવ્યો નોર્મલ, ટૂંક સમયમાં આવશે બ્લડ રિપોર્ટ

ગુજરાતમાં 2022 ની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તૈયારીઓ દરમિયાન હાલમાં આપ અને ભાજપ આમને સામને આવી ગયું છે. જે બંને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12 ડિસેમ્બરે લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા રાજકીય માહોલ ગરમાયો છે. જેને લઈને આપના કાર્યકરોએ ભાજપના કોબા સ્થિત કમલમ કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો. ત્યાર બાદ આપ અને ભાજપ સામ સામે આવી ગયા હતા.

જો કે આ વિરોધમાં ભાજપની મહિલા કાર્યકરો અને આપના કાર્યકરો બંને વચ્ચે ઝપાઝપી થઇ ગઈ હતી. ત્યારે ભાજપે આ ઘર્ષણમાં મહિલા કાર્યકરોને આગળ કરી દીધી હતી. ત્યારે આ દરમિયાન પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો, જેમાં આપના નેતા ગોપાલ ઇટાલિયાની પીઠમાં ઇજા થઇ હતી.

કમલમમાં થયેલા ઘર્ષણ બાદ ભાજપ મહિલા નેતા દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. ઇસુદાન સહિતના નેતાઓ અને કાર્યકરો પર છેડતીનો મોટો આરોપ લાગવવામાં આવ્યો હતો. અને તેમને નશો કરેલ હોવાનો પણ આરોપ મુક્યો હતો. આ ઉપરાંત ભાજપના કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે આપના કાર્યકરોએ કમલમનો ગેટ તોડીને સિક્યોરિટી ચેમ્બરમાં તોડફોડ કરી હતી. પોસ્ટર્સના દંડાથી આપના કાર્યકરોએ ભાજપના કાર્યકરો પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બાદમાં ઈસુદાન ગઢવીની પોલીસે અટકાયત કરી હતી. ત્યારબાદ ઇસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઇસુદાનનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો છે, જેનો બ્લડ રિપોર્ટ હવે એક કલાકમાં આવશે.

આપ અને બીજેપી વચ્ચે થયેલા ઘર્ષણ મામલે અરવિંદ કેજરીવાલે પણ ટવીટ કર્યું હતું. અને આપના કાર્યકર્તાઓ પર હુમલાને નિંદનીય ગણાવ્યો હતો. જનતાના હકના અવાજને લાકડી-દંડાઓ કે સરમુખત્યારશાહીથી દબાવી નહી શકાય.

આ ઘર્ષણમાં ગાંધીનગર પોલીસે 70 લોકો પર ગુન્હો દાખલ કર્યો છે. જેમના પર કલમ 452, 353,353 A , 341, 323, 143,144,145, 147, 148,149, 151, 152, 269, 188, 429, 504, 120, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી, સેક્શન 37, એપેડેમિકત એક્ટ 37, ગુજરાત પોલીસ એક્ટ સેક્શન 135 લગાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઈશુદાન ગઢવી પર કરવામાં આવેલ ફરિયાદ બાદ આમ આદમી પાર્ટીની ચિંતામાં વધારો થયો છે. જો કે હાલમાં તેમનો મેડિકલ રિપોર્ટ પણ નોર્મલ આવ્યો છે. જોકે ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીને આગળ લઇ જવામાં અગ્રેસર છે. ત્યારે તેમના પર આવી ફરિયાદ આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. જ્યારે આપ પાર્ટીએ ભાજપના છેડતીના આરોપોને નકારી દીધા હતા. અને ઇસુદાન નશાની હાલતમાં ન હોવાની વાત કરી હતી.

નોંધનીય છે કે, બીજેપી મહિલા મોરચાની ઉપાધ્યક્ષ શ્રદ્ધા રાજપૂતે AAP કાર્યકર્તાઓ પર છેડતીનો આરોપ લગાવ્યો છે. શ્રદ્ધાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે AAP નેતા ઇટાલિયા સહિત ઘણા લોકો નશાની હાલતમાં હતા. શ્રદ્ધાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે AAPના કાર્યકર્તાઓ તેમની રેટરિક દરમિયાન દુર્વ્યવહાર પણ કરતા હતા. તેમાંથી ઘણા નશાની હાલતમાં હતા. ત્યારેબાદ પોલીસે તેમના મેડિકલ રિપોર્ટ કર્યા હતા, જે નોર્મલ આવ્યા છે.

Scroll to Top