ફરવા માટે ચોમાસામાં જવું હોય તો સ્વાભાવિક લોકોને રાજસ્થાન યાદ આવે પરંતુ રાજસ્થાન ફરવું ક્યાં? સવાલ પણ લોકોના મનમાં ઉઠે ત્યારે આવો આજે આ સવાલ નો જવાબ પણ જાણીયે…
વરસાદમાં રાજસ્થાન.
આમ તો રાજસ્થાન તેની બળબળતી ગરમી માટે આખા દેશમાં વખણાય છે પરંતુ ચોમાસામાં પણ અહીં ફરવા જેવી અનેક સુંદર જગ્યાઓ છે. રાજસ્થાનમાં અમુક જગ્યાઓ એવી છે જેનું સૌંદર્ય ચોમાસામાં સોળે કળાએ ખીલે છે. જો તમે વીકેન્ડમાં પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું વિચારતા હોવ તો જાણી લો રાજસ્થાનની એ જગ્યાઓ વિષે જ્યાં ચોમાસામાં ફરવાની ખૂબ મજા આવે છે.
રાણકપુર.
વરસાદ પડતો હોય ત્યારે અરવલ્લી પર્વતમાળા પર નદી કિનારે વસેલા રાણકપુરના સૌંદર્યને ચાર ચાંદ લાગી જાય છે. અહીં ચોમેર લીલોતરી છવાઈ જાય છે. આ સાથે સ્વાદિષ્ટ ફૂડ અને પ્રવાસીઓની સાવ ઓછી ભીડ. ચોમાસામાં રાણકપુર રહેવાની ખૂબ જ મજા આવશે. આ જગ્યા વિષે વધુ લોકોને જાણ ન હોવાથી તેની સુંદરતા હજુ સુધી અકબંધ છે.
ઉદેપુર.
ચોમાસામાં લેક સિટી ઉદેપુરની સુંદરતા ખીલી ઉઠે છે. રોજીંદા જીવનથી થાક્યા કે કંટાળ્યા હોવ તો જૂન-જુલાઈ-ઓગસ્ટના વરસતા વરસાદમાં ઊંચાઈથી તળાવોના આ શહેરને જોયા જ કરો. મન ફ્રેશ થઈ જશે. અહીં તળાવમાં બોટિંગ, સાઈટ સીઈંગ અને પિકનિકન મજા ચોમાસામાં દસ ગણી વધી જાય છે.
માઉન્ટ આબુ.
માઉન્ટ આબુ રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન છે. અહીં નદીઓ છે,તળાવ છે, ધોધ છે અને સદાય હરિયાળા રહેતા જંગલો છે. અરવલ્લી પર્વતમાળા પર આવેલું આ હિલ સ્ટેશન રાજસ્થાનના સ્થાનિકો અને ગુજરાતીઓનું ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશન છે. નક્કી લેક, અચલગઢ ફોર્ટ અને વાઈલ્ડ લાઈફ સેન્ચુરી ફરવાની મજા ચોમાસામાં ડબલ થઈ જશે.
જાલોર.
ઘણા સમય પહેલા જાલોરને જબલીપુરા તરીકે ઓળખવામાં આવતું હતું. તેનું નામ એક સંતના નામ પરથી પડ્યું છે. તેને સુવર્ણગિરિ કે સોનગીર એટલે કે સોનાના પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈતિહાસની અનેક મહાન હસ્તીઓ આ સ્થળ સાથે સંબંધ ધરાવતી હતી. જાલોરના દરેકે દરેક હિસ્સામાં ઈતિહાસની વાર્તાઓ વહે છે. ચોમાસાની સીઝનમાં આ સ્થળ જોવાની તમને મજા પડશે.
બાસવાડા.
આ સ્થળને સેંકડો ટાપુઓના શહેર તરીકે ઓળખવામાં આવે છે. આ ટાપુઓ માહી નદીમાં આવેલા છે. અહીંની જોબનવંતી નદી અને સુંદર તળાવો બાસવાડાની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. ચોમાસા દરમિયાન અહી ફરવા જવાની મજા પડશે. યાત્રીઓ સાઈટ સીઈંગ માટે માહી ડેમની મુલાકાત લે છે. અહીં નદીના કિનારે સંખ્યાબંધ મંદિરો પણ આવેલા છે.