મોરારીબાપુના નીલકંઠના નિવેદનથી હાલમાં વિવાદ સર્જાયો છે. જેને લઈને મોરારી બાપુએ માફી પણ માંગી છે. નીલકંઠ અને નીલકંઠવર્ણીના નિવેદનને લઈને હાલમાં મોટો વિવાદ થયો છે. મોરારી બાપુએ પર્યુષણના અવસરે મુચ્છામી દુક્કડમ સાથે કહ્યું કે મારા નિવેદનથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગું છું.
સ્વામિનારાયણના સાધુ અને સંતોમાં મોરારી બાપુને લઈને નારાજગી જોવા મળી રહી છે. BAPS એ નિવેદન જાહેર કરી કહ્યું કે, મોરારી બાપુએ સનાતન હિન્દુ ધર્મની પરંપરાઓ, ભગવાન શ્રી સ્વામિનારાયણ કે સ્વામિનારાયણ સંપ્રદાય અને તેની પરંપરાઓનું અપમાન કરવાની એકેય તક જતી કરતાં નથી. ત્યારે હવે લેખક જય વસાવડા મોરારી બાપુના સમર્થનમાં આવ્યા છે. તેમણે પોતાના ફેસબુક અકાઉન્ટ પર એક પોસ્ટ અપલોડ કરીને મોરારી બાપુને સમર્થન આપ્યું છે.
જય વસાવડાએ ફેસબૂક પોસ્ટ પર લખ્યું હતું કે….
જખ્મથી જે ડરી રહેતા, વગર જખ્મે જખ્મ સહેતા
અમે તો ખાઈને જખ્મો, ખૂબી ત્યાં માનનારાઓ
~ કલાપી
પ્રિય મોરારિબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય બાબતની કોમેન્ટનો વિવાદ ચર્ચામાં છે. આપણા દેશમાં અને લોકો સાવ નવરાધૂપ હોય છે. ડિજીટલ રિવોલ્યુશનના લીધે મોબાઈલ જેવા મીડિયા હાથવગા થતા તમાશાને તેડું ન હોય એમ મફતની મજાઓ લેવા અમુક પહોંચી જતા હોય છે. ગત વર્ષે ગુજરાતી મિડ ડેમાં જ કહેલું કે, જાહેરજીવનમાં સુખશાંતિનો ગુરુમંત્ર બાપુએ જ મને શીખવાડયો છે, જેનું થોડા સમયથી પાલન કરવાનો પ્રમાણિક પ્રયાસ કર્યો જ છે : ઓમ ઇગ્નોરાય નમ: !
છતાં, આજે બાપુને જ મનોમન આપેલ એકતરફી વચનનો ભંગ કરું છું. મારા વ્યક્તિગત હેતુ માટે નહી, પ્યારા બાપુ માટે. મોરારિબાપુ તો બધાને ભાવપૂર્વક જ ચાહતા હોય છે. એમાં ભેદ તો નથી ને એ કૃપાપ્રસાદી પ્રાપ્ત કરનાર હું એકલો ય નથી. પણ હું બાપુને મારા બાપના સ્થાને ગણું છું. એ મારા અંતરનો ભાવ છે. ભાગ્યે જ હું કોઈ માંગણી લઈને ગયો હોઉં. મને તો એમ થાય કે બાપુ વધુ આરામ કરે, એમને ખલેલ ઓછી પહોંચે, એ એમના સ્વાન્ત: સુખાય નિજાનંદમાં મસ્ત રહે. એમાં જ આપણું મિલન આવી ગયું. એમની સાથેની વ્યક્તિગત સંવાદ થાય ત્યારે ય હું બને એટલું ઓછું બોલવા પ્રયાસ કરું. એમના મૌનને આંખોથી ઘણી વાર માણું. આને ઋણાનુબંધ કહો, તો ય ભલે. જે છે તે આ છે. મને મોરારિબાપુ દિલથી ગમે છે. એમાં વિદેશયાત્રા તો શું, પ્રવચન તો શું રામકથા ય વચ્ચે નથી. કોઈ કારણ નથી. સહજ ચેતના એમની, એમની કશુંક ભાળી નહિ, પણ ‘પામી’ ગયેલ તલગાજરડી દ્રષ્ટિ અને એમનું કળાસાહિત્યસંગીતની સર્જકતાની પરખ અને કદરમાં ભાવનીતરતું હૈયું ! આવો સાક્ષાત ત્રિવેણી સંગમ હોય તો કોણ ડૂબકી ન મારે ?
બાપુ પર ઘણા લેખો લખ્યા છે, અનેક વાર એમના વિષે બોલ્યો છું. કોઈએ કહ્યું નથી. મારા જ ઉમળકાથી. એમનો અદ્ભુત અનંત કહેવાય એવો સ્નેહ મને મળ્યો છે, જેમાં હું અપરંપાર તરબોળ થઈને ભીંજાયો છું. છતાં ય કાયમ એવું લાગ્યું છે, કે અધૂરું રહી ગયું ! હજુ આ કહેવાયું લખાયું હોત તો ? પ્રેમની આ સાહેદી છે. કહેવાનું ઘણું હોય ને કશું યાદ ન આવે એ તો ખરું જ. પણ સતત મિલન પછી ય લાગે કે યે દિલ માંગે મોર… બધું પૂર્ણપણે વ્યક્ત ન થાય. કશુક ભીતર જ રહી જાય. પણ એ ભીતર રહીને પણ તમને અસ્તિત્વનીં સુગંધ એકલા હો ત્યારે ય સતત મહેકાવ્યા કરે એ જ તો પ્રેમ છે. મારા માટે ભક્તિના સમપર્ણથી પણ આ પ્રેમનું તર્પણ મહાન રહ્યું છે. બચપણથી મારો પિંડ એ જ રીતે ઘડાયો છે.
મને ભગવાન મેળવી લેવામાં બહુ રસ પડ્યો નથી. પણ ભાવ એટલે ફીલિંગ્સ અને જ્ઞાન એટલે ઇન્ટલેક્ટ સામે ઝુકવું કાયમ ગમ્યું છે. લોકો પોતાના ટૂંકા ગજથી જ બીજાઓનું અધૂરું અકોણું માપ લેતા હોય છે. એનો ભોગ હું ય બન્યો છું. બાપુની બધી પરદેશકથાઓમાં હું ગયો નથી. ત્યાં ગયો હોઉં તો સ્વદેશમાં યોજાતી કથાઓમાં ય એટલી જ વખત ગયો જ છું. મને મોજ આવે એટલે. પણ પારકી અદેખાઈમાં બળતા લોકોને હું અહીંની કથા કે કાર્યક્રમોમાં મારે બોલવાનું ન હોય તો ય જાઉં છું એ નહિ દેખાય. હું તો જો કે, બધી કથા ય સાંભળી શક્યો નથી. હું બાપુનો શિષ્ય નથી. એમણે ન તો કીઈને દીક્ષા આપી છે, ન મેં કદી એમની પાસેથી જપ કરવાની માળા ય માંગી છે. બસ, હું બાપુને ચાહું છું. આઈ લવ બાપુ. અનકન્ડીશન્લી.
ગાંધીજીની જેમ સદા ય પોતાની બાબતમાં ખુદમુખ્તાર એવા બાપુને કોઈના પક્ષ, ટેકા કે સમર્થનની જરૂર નથી , એ હું જાણું છું. આ લખાણ એ માટે ન આથી લખતો. મને તો કાયમ જે દુ:ખ થાય છે. એ ખંડદર્શનનું થાય છે. કાયમ સમાજ, સ્થાપિત હિત, ધર્મ, શાસન વગેરે અમુક વિવાદો ચગાવવા માટે ખુદની ખુજલી ભાંગવા આખા માણસને જોવામૂલવવાને બદલે એનું કોઈ વાક્ય, એની કોઈ આદત, એના કોઈ ગમાઅણગમા, એની માનો કે હોય તો કોઈ ભૂલ કે ખામી પર ફોકસ કરી બાકીનું બધું સગવડતાપૂર્વક ભૂલી જાય છે. મલ્ટીકલરમાં એક જ કલર પર ફોકસ થાય છે. કોઈને પ્રેમ કરો ત્યારે ટોટાલિટીમાં થાય. ધારો કે, મને કોઈ સ્ત્રી સુંદર લાગે ત્યારે એના નાક, આંખ, વાળ એમ ભાગ પાડીને સુંદરતા માપવાની હોય ? શક્ય પણ છે ? એ તો ગમે ત્યારે ટોટલ પેકેજ ગમી જતું હોય. ને એમાં બે-પાંચ વાત એવી હોય કે જે પસંદ ન આવે કે જેમાં રુચિ કે રસનો ભેદ હોય.
પણ એનો આખિલાઈમાં સહજ સ્વીકાર થતો હોય. મિત્રોમાં , દામ્પત્યમાં પણ. છાતી પર હાથ મુકીને વિચારજો. બધી જ વાત આપણા મા કે બાપની ય આપણને ગમે છે ? ક્યાંક તો ડિફરન્સ હોય જ ને. પણ એથી એમના માટે પ્રેમાદર ઘટે ? બાકી કે વાર પ્રેમ ઓસરે તો જગત આખાને સારી લાગતી વાત પણ નઠારી લાગે. મુલાયમ મખમલને ય માઈક્રોસ્કોપમાં જુઓ તો ખાડાટેકરા દેખાય ! તો આપણે સદીઓથી અખિલ દ્રષ્ટિ કેળવવાને બદલે કોઈને ચોક્કસ ફ્રેમમાં જ બેસાડીને કેમ મૂલવ્યા કરીએ અને વ્યર્થ વિરોધ કરીને પરેશાન કરીએ ? ઈતિહાસ હોય કે વર્તમાન, કલેક્ટીવલી આપણી માનવજાતની આ જ ખામી છે. આમ જ સોક્રેટિસને ઝેરનો પ્યાલો મળ્યો, જીસસને ક્રોસ મળ્યો, મોહમ્મદની હિઝરત થી, મહાવીરને કાંટા ભોંકાયા, કૃષ્ણને યાદવાસ્થળી મળી…. સત્ય સાથે જોડાયેલો શ્રાપ છે આ.
મોરારિબાપુની કોઈ વાત કે વિચાર કે રીત ન ગમે તો એ કદી આપણે એ ધરાર એ માની લેવું એવો હઠાગ્રહ નથી રાખતા. મેં કાયમ એમને એ બાબતે મુક્તિ આપતા અને ‘મને આમ લાગે છે, હું આવું કરું છું. તમને ઠીક લાગે તો કરો, બાકી તમારી મરજી’ એવી યથેચ્છસિ તથા કુરુની લિબર્ટી આપતા જ જોયા છે. અમુક વિધિઓમાં મને ખાસ રસ ન પડે તો એમનું મોઈના ય પર એવું દબાણ નથી હોતું કે આમાં ય પરાણે રસ લો જ. નિયમ કે ફરજના બંધન નથી એટલે તો એમનો પ્રેમ વધુ જોડાયેલો રાખે છે. એમની કોઈ વાત માનો કે ખટકી, તો બની શકે. ખુદ બાપુ ય અગાઉ એવું કહી ચુક્યા છે કે, તમારી લાગણી કે શ્રદ્ધા અલગ હોઈ શકે. માનો કે કોઈ વાત એમની નથી જ ગમતી, તો એવા એક બે ટકા બાજુએ રાખીને બાકીના ગમતા ૯૮નો ગુલાલ ન ઉડાડી શકાય ? એ માટે એમની સ્તર, વિવેક, ભાષા, સૌજન્ય ગુમાવી સોશ્યલ નેટવર્ક પર ‘બિલો ધ બેલ્ટ’ કહેવાય એવી અંગત ટીકાઓ, મજાકો કે હલકા અપશબ્દો સાથે બહિષ્કાર કે આક્રમણ કે ‘ક્ષમાગ્રહ’ માટેની ટપાલો જેવા મોરચા ખોલવા એ યોગ્ય છે ખરા ?
બાપુએ પોતાના દરવાજા બંધ રાખ્યા હોય એવું મેં જોયું નથી. સામાન્યમાં સામાન્ય માણસ પણ અનુકુળતા હોય તો એમને મળવા જઈ શકે છે. કોઈ ચર્ચા જ કરવી હોય તો સજ્જ ને સક્ષમ માણસો કરી શકે. બાપુ કથા કરે છે, સભા કરે છે. કોઈ આયોજનબદ્ધ આંદોલન નથી કરતા. એમનું મંતવ્ય ન ગમે તો પોતાનું મંતવ્ય ચોક્કસ મૂકી શકાય. એમની કોઈ વાત ન ગમે તો પરાણે સ્વીકારવી કદી ફરજીયાત નથી જ હોતી. પણ એટલે આખેઆખા મોરારિબાપુ જ ખોટા ? કે એમની કથા કે એમનો સત્ય, પ્રેમ, કરુણાનો સરહદ વિનાનો અનહદ પરિવાર ખરાબ ?
સોરી, આ અભિગમ હજમ નથી થતો. મારું કાયમનું સ્ટેન્ડ મહાભારતના બર્બરિકની જેમ ગેરસમજનો ભોગ બનતા સાફદિલ લોકોની પડખે રહેવાનું જ રહ્યું છે. વિવાદની ગરમીમાં કશું ઉગે નહિ,પણ સંવાદના વરસાદમાં જીવન લીલુંછમ રહે. હું એટલે હંમેશા હિમાયત કરું છું કે ૩૬૦ ડિગ્રીએ બધું જોતા શીખો. અખિલ દૃષ્ટિ રાખો. કાયમ આ જ થતું આવે છે, કારણ કે બીજાની માથાકૂટમાં પોપકોર્ન લઈને તેડા વગર તમાશો માણતી ને જરૂર પડે આગ બળતી રાખવા ચમચી ઘી ઉમેરતી પબ્લિક ઓછી નથી. અમુક ખાટસવાદિયા તો બે જણને ઝગડાવી પોતાની દુકાન ચલાવતા હોય છે. એકબીજાથી સાવ સામેના છેડે લાગે એવા અને બહુ ઓછા કોમન ફેન ધરાવતા નરેન્દ્ર મોદી અને શાહરૂખ ખાનમાં ય મેં આ જ થતું નજરે જોયું છે.
કોઈ આખો ઈન્ટરવ્યુ પૂરો કહો તો ય સમજે ને વાંચે-સાંભળે નહિ, સળગે એવું લાગે એવો ચોક્કસ ભાગ ઉપાડે એમાંથી ને એની હેડલાઈન્સ બનાવી દે, પછી એના પ્રતિભાવો આવે. નેચરલી કોઈક હર્ટ થાય, એ બોલે, એનું વળતું રિએકશન, મામલો ઉગ્ર થાય. પછી તો કન્ટ્રોલમાં જ ન હોય એવા લોકોના હાથમાં આવી જાય અને કેટલાક લોકો ખંડદર્શન કરી જે તે સેલિબ્રિટી વિષે એમની કાચીઅધૂરી સમજથી જજમેન્ટ આપવા લાગે. કાયમના પૂર્વગ્રહો બાંધી લે. આ સિલસિલો અટકે જ નહી. બ્લેક એન્ડ વ્હાઈટમાં હીરો ને વિલનના રેડી ચોકઠાં પડ્યા હોય. કારણ કે જજમેન્ટ આપવું સહેલું છે. ઊંડા ઉતરીને પૂરું સમજવું અઘરું છે ! રજનીશ હોય કે ગાંધીજી ખુલીને મનની વાત બોલતા કોઈ પણ માણસની સમાજમાં આ જ નીયતિ હોય છે !
હવે ક્લિપ ને કોમેન્ટના ઈન્સ્ટન્ટ ઈન્ટરનેટના જમાનામાં આ કોઈને ઉશ્કેરવાનો ખેલ સાવ આસાન છે. લાંબુ વિચારવાનો વખત જ ક્યાં છે ? હૈસો હૈસો. પેરિસની શિવતત્વને સમર્પિત ‘માનસ રુદ્રાભિષેક’ રામકથામાં તમામ નવેનવ તો નહિ પણ અમુક દિવસો હું ખુદ હાજર હતો. નવ દિવસ એવરેજ ચાર કલાક ચાલતી કથામાંથી ત્રણ ચાર મિનિટની ક્લિપના આધારે કેટલો ખ્યાલ આવે ? એમાં શિવ, દુર્ગા, રામ, કૃષ્ણ અને બુદ્ધપુરુષ ( સદગુરુ )ના સોળ સોળ લક્ષણોની વિશદ અને નાવીન્યસભર છતાં વૈદિક આધારો સાથેની લાંબી છણાવટ હતી. ટ્રેલર જોઇને આખી ફિલ્મનો અંદાજ કેવી રીતે આવે ? અને માનો કે એમાં કોઈ મુદ્દે બે પક્ષ પડ્યા તો વિદ્વાનોને શાસ્ત્રોક્ત આધાર સાથે વિવેકપૂર્વક ભાષામાં એની ચર્ચા કરવા દો. એમાંથી નીકળતા નવનીતનું નવું જ્ઞાન ગ્રહણ કરો. એમાં ગમે તેવી અભદ્ર કે અધૂરા જ્ઞાનવાળી કોમેન્ટ્સ કર્યા કરવી, ને એકબીજા પર પોઈન્ટ સ્કોર કરવો, આ રમત માટે આ બધા ચૈતન્યો આપણી વચ્ચે નથી. એ આસાનીથી હાથમાં આવે, એ એમની ભલમનસાઈ છે. એનો આવો દુરુપયોગ ન કરો, પ્લીઝ.
બાપુને મેં કદી કોઈ વાતે મમત રાખતા નથી જોયા. કાર ન હોય તો કોઈના સ્કૂટર પાછળ પણ બેસી જતા જોયા છે. કોઈ ગરીબનો સુકો રોટલો જમતા ય જોયા છે. એમણે મિચ્છામિ દુક્કડમ તો કહ્યું, પણ અત્યારે એમની આખી કથા જે તે વખતે પેરિસમાં જ જાહેર થયેલું એમ ‘માનસ ક્ષમા’ પર છે. બાપુ અત્યારે કથા સિવાય હમણાથી નહિ, ઘણા સમયથી સંપૂર્ણ મૌન રાખે છે. માટે પ્રત્યક્ષ સંવાદ એમની સાથે ઈચ્છો તો ય શક્ય નથી. પણ હું એટલું જાણું કે એ હનુમંતકૃપાથી સનાતન અભય છે, પણ વિખવાદપસંદ ઇન્સાન નથી. કોઈની લીટી નાની કર્યા વિના આપણી મોટી કરો એ એમના આચરણમાંથી મારા જેવા ઘણાએ કેળવ્યું છે.
એ ‘શુભાતી’ લાગણીના માણસ છે, ‘દુભાતી’ લાગણીના નહિ. આપણી લાગણી ય એવી કેવી કે ખળખળ વહેવાને બદલે વારંવાર બટક્યા જ કરે. અને એમાં મુદ્દો ધર્મનો જ હોય. ચંદ્ર જેટલા ખાડા રોડ પર રોજ પડતા હોય ને પ્લાસ્ટીકના કચરા ઢોરની જેમ જ ચોમેર રખડતા હોય એમાં ન દુભાય, પણ ધર્મ કે પ્રેમ જેવા મુદ્દે તરત જ દુભાઈ જાય ! ઋષિઓને આ સંસ્કૃતિ આવી નહોતી જોઈતી, એટલે એમણે એકદમ ઉદારવાદી વલણથી વાદેવાદે જાયતે તત્વબોધ: વિચારમંથનથી તમામને છૂટ આપી. કોઈ જડ અને ફરજીયાત નિયમો ન બનાવ્યા. પ્રકૃતિના તત્વોને ઈશ્વરસ્વરૂપ ગણ્યા. મતભેદને પણ માનને ગરિમાનું સ્થાન આપ્યું. કમનસીબે આપણે મૂળ વારસો ભૂલી ગયા ને ફિરકાપરસ્ત થતા ગયા.
માફી, ક્ષમા ય રાજીખુશીથી અંદરથી ઉગે એ જ સાચી ને કાયમી. ધરાર મંગાવેલી માફીઓ ય કાયમ નેગેટીવિટીના વાયબ્રેશન્સ જ પેદા કરે છે. નબળો માણસ હોય તો બીકથી, ને સબળો હોય તો કજિયાનું મોં કાળું એવી સમજથી માફી માંગે. પણ એમાં સંવાદ સ્થાપિત નથી થવાનો. અંતર ઉલટું વધવાનું છે. જો આપણી વાત મજબૂત હોય તો કોઈના અભિપ્રાયો કે ટીકાઓથી ખોટી નથી થઇ જવાની. ને ખોટી જ હોય તો કોઇના વખાણથી સાચી નથી થઇ જવાની. હમણા ગુજરાતના એક સમાજસેવક અને વૈજ્ઞાનિક -શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે અંગત દાન કરતા એક ડોક્ટરની કોઈ દરગાહ પર સાયન્સની ટિપ્પણી પછી અમુક રૂઢિચુસ્ત મુસ્લિમોએ એમની માફી મંગાવી. એથી વિરોધ કરનારાઓને ખુશી થઇ હશે, પણ વિચાર કે વિજ્ઞાન ફરી જશે ? ઉલટું આ કડવાશ પેલા સાહેબના મનમાં રહેશે. આપણે આવી જડતાની નકલ કરવાની છે ? એવું હું દરેક વિવાદોમાં કહીકહીને ય અઢી દસકે કંટાળ્યો છું.
બાપુ તો એમના ફોલોઅર્સને ય ‘ફ્લાવર્સ’ કહે છે, પણ કોઈ પણ પ્રકારના કોઈ પણ ધર્મ કે પંથના અનુયાયીઓને કોઈ ઠેસ પહોચે તો એ આડંબર અને અહંકારને પહોંચે છે. ધર્મ કે શ્રદ્ધાને નહિ. આસ્થા બહુ પવિત્ર અને ચમત્કારિક બાબત છે. તમારી અડગ અને શુદ્ધ હશે, તો કોઈ બાબતથી, કોઈ કસોટીથી એને ફરક ન પડવો જોઈએ. રિએક્શન પણ કર્મબંધન છે. કમ સે કમ, હું આ શીખ્યો છું, અને એટલે મારી લાઈફની કોઈ વાત બીજાઓ પર લાદતો નથી. કોઈ પોસ્ટ મુકું તો ય એમ લખું: રસ પડે તો વાંચવું. અમુક બાબતોમાં હું બોલ્ડ, રેશનલ, મોડર્ન કે સામા છેડાના વિચારો ધરાવતો હોઉં પણ વિવેક સમજીને બહાર હોઉં ત્યાં કોઈની અંગત આસ્થા પર આઘાત ન થાય, એ કાળજી રાખી ત્યાંના નિયમો પાળું અથવા માફક ન આવે તો ત્યાંથી ચુપચાપ નીકળી જાઉં. પણ આ આસ્થા આજે દુનિયાભરમાં પ્રદર્શન અને ચડસાચડસીનો વિષય બનતી જોઉં ત્યારે સાચે જ પીડા થાય છે.
નિખાલસતાથી કહું તો ગોંડલમાં મોટો થયો એટલે સ્વાભાવિક રીતે BAPS સંસ્થાનો ય મને પરિચય રહ્યો છે. મેં એમના મેનેજમેન્ટની ઉચ્ચ ગુણવત્તા, સ્વચ્છતા, આયોજનક્ષમતા અને ચુસ્ત વ્યસનમુક્તિને કાયમ સરાજાહેર બિરદાવી છે. વર્ષો પહેલા નિધન સમયે ડોક્ટરસ્વામી મારા માતાને ભાવભીની અંજલિ આપી ચુક્યા છે. સ્થાપત્યકળાની દૃષ્ટિએ દિલ્હી-ગાંધીનગર અક્ષરધામના સાંસ્કૃતિક કલાવિધાન બાબતે વખાણતું એકથી વધુ વાર લખ્યું પણ છે. જર્મનીમાં ભારતીય મંદિરકળા બાબતે કેસ સ્ટડી તરીકે પ્રેઝન્ટેશન પણ કર્યું છે. મને ગમ્યું એટલે, કોઈ અપેક્ષા નહી. આનંદ, આદર ને આશીર્વાદ સિવાય કોઈ ખાનગી લેવડદેવડ નહિ એટલે આ ય અત્યારે જાહેરમાં જ લખ્યું ! પૂજ્ય પ્રમુખસ્વામીની સરળતા અને સાત્વિકતા ય મેં જોઈ છે. મેં લખેલું છે અગાઉ એનું પુનરાવર્તન કરું.
પ્રમુખસ્વામી મહારાજના દર્શને વર્ષો પહેલા ગોંડલ ગયો ત્યારે બેસેલા મિત્રોમાંથી ટીખળમાં કોઈ બોલ્યું “ આ જય ફિલ્મો બહુ જુએ ને એના વિષે લખે ય છે બહુ” એમને હતું બાપા સિનેમા બાબતે મને ઠપકો આપશે. પણ એમણે એવા નિષેધની કંઠી બાંધવાને બદલે ધબ્બો મારી પ્રસાદી આપીને હસીને કહ્યું “સરસ, એમાંથી ય સારું સારું મેળવીને બધાને વહેંચો”. ભિન્નમતને એમણે કોઈ ખટાશ વિના કેવીં સહજતાથી સ્મિત સાથે પચાવ્યો એના જાહેર અનુભવ ઘણા હશે, આ મારો જાતઅનુભવ ! એટલે મને એમના અમુક સ્ત્રી મર્યાદા બાબતના નિયમોના અતિરેક જેવી ન ગમતી બાબતો પર અગાઉ સ્પષ્ટ લખ્યું છે. પણ એથી આખી સંસ્થાની બધી જ બાબતોનો તિરસ્કાર કરવા જેવો જજમેન્ટલ હું નથી થયો, તો બાપુ માટે પોતપોતાની રીતે શ્રદ્ધાળુ મિત્રો આટલા જજમેન્ટલ ન થાય એવી આશાએ આ અરજમાત્ર. અમુક ગમા અણગમા હોય, એનું સ્વાગત છે. સ્વામીનારાયણના જ એક પ્રજ્ઞાવાન સંતે મને અદ્ભુત જીવનજ્ઞાન આપ્યું છે. ૯૫% ઉત્તમ ગુણો ધરાવતા માણસમાં ય ૫% ન ગમતી વાતો હોય. માનવસ્વભાવ છે. ગમે તે લેવું, ન ગમે તો નમસ્કાર કરી નીકળી જવું. સિમ્પલ.
ફરી વાર આટલું લાંબુ લખ્યું એમાં ભૂલાઈ ન જાય એટલે, આમ જ કોઈની કોઈ વાત ખુંચે કે ન ગમે તો એના પર સીધી નફરતની ચોકડી મારી દેવાને બદલે બીજું શું ને કેવું સારું છે એ તો જુઓ ! એટલે આજે મનમાં ગમે એટલા તર્કો ઉઠતાં હોય, કોઈ ખંડનથી નવી ચર્ચા શરુ નથી કરવી. ધર્મ અને સંપ્રદાયો વિષે, ભારત અને આસ્થા વિષે, હિંદુ અને સુધારા વિષે હું શું માનું છું એ જંગલ સાફ થાય એટલા કાગળો ભરીને લાંબી લેખણે ઓલરેડી લખ્યું જ છે. મારે તો હાથ જોડીને એ કહેવું છે કે લેબલ આપતા પહેલા મોરારિબાપુના લેવલને નજીકથી ઓળખો.
આ માણસ માત્ર કથાકાર નથી. અસ્સલ રૂખડ બાવો છે. કોર્પોરેટ કલ્ચરના ઘડાયેલા આદમી નથી, એકમેવ સનાતન રસપુરુષ છે. આનંદની આધુનિકતા અને પરંપરાની પ્રાચીનતા બેઉમાં એમની સમતા કોઈ ભેદ નથી કરતી. એ શેરોશાયરી બોલે અને સુફિયાના અંદાજમાં ખુદા-અલ્લાહ બોલે પણ એમણે સંકુચિત ઇસ્લામની ય ટીકા કરી છે. ડાંગ જેવા વિસ્તારોમાં જઈને અબૂધ લોકોને ભોળવતી ખ્રિસ્તી વટાળવૃત્તિ સામે ય અહાલેક જગાવી આપણા દીવા પ્રગટાવ્યા છે. દેશના સૈનિકો માટે કાયમ સ્ટેન્ડ લીધું છે. વાતોમાં એમની રેંજ પેસિફિક મહાસાગર કરતા વિશાળ છે. ક્યારે ક્યાંથી કઈ વાત આવે એનો અંદાજ સાંભળનારને તો ન જ આવે, પણ આટલું તેજ બધું ક્યાંથી પ્રગટતું હશે એ મુગ્ધતા મને થાય.
જે તે વખતે સમાજને ન ગમતી બાબતોની પરવા વિના શેઠ શામળશા સિવાય કોઈની આણ ન માનતા નરસિંહ મહેતાએ નિર્ભય થઈને અમુક જડ થઇ ગયેલી, ગેરમાર્ગે દોરતી પરંપરાઓ તોડી ત્યારે હું જેનું ફરજંદ કહેવાઉં એ નાગરી નાતે જૂનાગઢમાં એમને નાતબહાર મુકેલા. નરસૈયાએ અલગારી થઈને ગાયું : એવા રે અમે એવા રે, વળી તમે કહો છો તેવા રે. એ હરિરસ થકી આજે નાતનું ગૌરવ નરસિંહ ગણાય છે. ત્યારે એના પર જુનવાણી માનસની ટીકાઓ વરસતી. આજના સમયમાં ઘણું પરિવર્તન આવ્યું છે, બાપુ નવી પેઢીમાં ય ખાસ્સા લોકપ્રિય દુનિયાભરમાં છે કારણ કે પરિવર્તનના સ્વીકારમાં મને છે, તિરસ્કારમાં નહી. એને લીધે ઘણી વાર એમને અમુક લોકોની નારાજગી મળે, પણ એ હિમાલયની જેમ સ્થિર અડગ અવિચલ છે. એ જૂનું નકામું લાગે એ બાળે છે,પણ કામનું લાગે એ સાચવીને ઊજાળે પણ છે !
મેં ઘણી વાર કહ્યું છે, શક્તિ હોવા માણસ છતાં શું નથી કરતો, એના પરથી એના ચરિત્રનું સાચું માપ નીકળે. બાપુએ ધાર્યું હોત, તો એમના ય મોટા મંદિરો હોત. એમની સુવર્ણતુલા કરવા તલપાપડ શ્રેષ્ઠી સજ્જનોને હું પ્રત્યક્ષ ઓળખું છું. પણ બાપુએ નથી સંતાનો માટે કોઈ ગાદી બનાવી, ન તો કોઈ દક્ષિણા મેળવે છે. એમની કથામાં પોતે પૈસા નથી લેતા પણ ખર્ચ મોટો થાય. કારણ કે જે આવે એને એક ટંક મફત ભોજન એ એમનો નિયમ છે. અને આવનારા ય હજારોલાખો હોય છે. એમણે આખા વર્ષમાં અનેક એવોર્ડના મોટા દાન નિયત રાખ્યા છે. આયોજનો કરે, એમાં આવાસ ભોજન ગોઠવે. પણ એની કોઈ ફી નથી લેતા. ભલભલાનું મન ડગી જાય એવા પ્રલોભનો આવે બિઝનેસ ને બ્રાન્ડિંગના. પણ એમણે તો કથામાં કહ્યું છે કે ‘મારો ફોટો કે સીડી ય વેંચાય એ મને નથી ગમતું.’ ભલે બનાવવામાં ખર્ચ થાય પણ મફત ન આપી શકાય ? એમના વતન તલગાજરડામાં સ્થિતિ ન હોય એવા કોઈ પણને આજે ય મફત જ મળે છે. એમનો હનુમાન પણ કેવળ ગદા ન ફેરવે, પણ સિતારના સુર વગાડે !
એમણે કથાદીઠ કરોડો રૂપિયા ભેગા કર્યા છે. પણ પોતાના માટે નહીં, પરમાર્થ માટે. પરાઈ પીડ માટે. પોતાની ઠેકઠેકાણે વિરાટ પ્રતિમાઓ બનાવી શકે, પણ એમણે એ દાન સર્જકોને, શિક્ષણને, હોસ્પિટલોમાં આપ્યું. ગોરજની હોસ્પિટલ હોય કે સાવરકુંડલાની. કોઈ કુદરતી આફત હોય તો ફાળો ભેગો કર્યો. કોઈ ભેદ વિના બધા વર્ગને સાથે રાખ્યા. દરેકને સ્પર્શ્યા. કેટલી વાતો લખું ? વિધવા બહેનો હોય કે અંત્યજ ગણાતી દીકરી – આરતી એમણે એમને આપીઓ એટલે એ પ્રકાશ માત્ર થાળીમાં નહી… દિલમાં ય પ્રગટે !જ્યાં એમના પર ફિલ્મો બનાવનારા સ્ટાર પણ ન જાય અને ભલભલા નેતાઓ કે સામાજિક કાર્યકર ન જાય એવા ગણિકા બહેનો માટે એમણે આખી અયોધ્યામાં કથા કરીને ચેકથી સાત કરોડ જેવી રકમ આપી એનો હું સાક્ષી. એ બહેનોની આંખોમાંથી ટપકતાં આભારના જે આંસુ મેં જોયા છે, એનાથી મોટો કયો અભિષેક હોય ?
બાપ, આ મોરારિબાપુ ઓલિયા સાધુ જીવ છે. વિદ્વાન છે પણ એનો ભાર નથી રાખતા. ગામઠી છે, પણ એની શરમ નથી અનુભવતા. ખુમારી રાખે છે, પણ દિલદારીને લીધે એની ધાર લોહી કાઢતી નથી, પણ લોહી ચડાવે છે. સાદગી કેળવી છે, પણ રસિકતાના ભોગે નહિ. ઈશ્ક, ઇન્સાનીયત, ઈમાન અને ઈશ્વરના ચાર પાયે એમની વ્યાસપીઠ હોય એવું મને ભાસે છે. રુંવાડે રૂંવાડે રામરસ પણ શિવરાત્રિ એમનો પ્રાગટ્યદિન. મહાદેવ એમને અંત વહાલા. કથામાં ય શિવલિંગ પાછળ હોય જ હનુમાનજી સાથે. લોકાપવાદ યાને લોકોની ટીકાઓનું ઝેર પણ એ દ્વેષથી પેટમાં રાખવાને બદલે નીલકંઠ શિવની જેમ માત્ર ગળામાં અટકાવી સ્વીકારી લે છે. એ તોડવાને બદલે જોડવામાં માને છે. એ આપણી સામે છે. હું તો શું ઓળખું , પણ ક્યારેય સ્ટેજ પર ન આવતા એમના આત્મીય મિતભાષી ચિરંજીવી પાર્થિવભાઈ કહે છે એમ : મેલે મેં અકેલા, અકેલે મેં મેલા !
ઝટ પકડાય એવું આ વ્યક્તિત્વ નથી. બેઠેબેઠે પળવારમાં સીમાડાની પાર પંહોચી જાય છે કાયા અને માયાની ! હું સાક્ષી છું કે, વહાલા નાના ભાઈના અવસાનને ય જે ઉત્સવમાં ફેરવી શકે, એ માણસ શબ્દ અને એના અર્થની ય પેલે પાર પંહોચી ગયેલો હોય.આવા પરમના પ્યાલાઓ પાસેથી મારા છિદ્રોવાળા પાત્રમાં હું ઝીલી શકાય એટલું ઝીલું, એ હરિકૃપા. એમનું આપણી વચ્ચે હોવું ને, એ ય એક નિરંતર કથા છે, જે આપણો થાક ઉતારે છે એવું મને લાગે છે. તમને ન ય લાગે. તો રાજભોગ મારો, ને ભોગ તમારા ! બીજું તો શું કહીએ હવે આ ઓલમોસ્ટ ત્રણ હજાર શબ્દો પછી પણ ?
જય સ્વામીનારાયણ. જય સિયારામ.