જમીન સંપાદનમાં ખેડૂતને વળતર ચૂકવવામાં મોડું થતાં પાંચ IAS અધિકારીઓને કોર્ટે આપી આવી મોટી સજા

આંધ્રપ્રદેશ હાઈકોર્ટ દ્વારા ગુરુવારના પાંચ IAS અધિકારીઓને કોર્ટના હુકમનો અનાદર કરવાના કેસમાં જેલની સજા તેમજ દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા નેલ્લોર જિલ્લાના કાનુપુર ગામના એક ખેડૂત દ્વારા જમીન સંપાદન બદલ સરકારને વળતર ચૂકવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો.

તેમ છતાં તેનું પાલન ના થતા ખેડૂત દ્વારા આ મામલે પિટિશન દાખલ કરવામાં આવી હતી. તેના પર સુનાવણી હાથ ધરતાં કોર્ટ દ્વારા પોતાના હુકમના અનાદરમાં પાંચ IAS અધિકારીઓને દોષિત ઠેરવતા તેમને ફટકારવામાં આવી છે.

કોર્ટ દ્વારા જે અધિકારીઓને સજા ફટકારવામાં આવી છે તેમાં મહેસૂલ વિભાગના તત્કાલિન પ્રિન્સિપાલ સેક્રેટરી મનમોહન સિંઘ સામેલ છે. જેમને ચાર અઠવાડિયાની જેલ અને એક હજાર રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે નાણા વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી એસ.એસ.રાવતને મહિનાની જેલ અને બે હજાર રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. કોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો આરોપીઓ દંડ ભરશે નહીં તો તેમને એક અઠવાડિયું વધુ જેલમાં રહેવું પડશે.

જ્યારે નેલ્લોર જિલ્લાના કલેક્ટર રેવુ મુતયલા રાજુને પણ બે અઠવાડિયાની જેલ અને 1 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેની સાથે નેલ્લોર જિલ્લાના કલેક્ટર તરીકે અગાઉ કામ કરી ચૂકેલા KNV ચક્રધાર અને એમ.વી. શેશગીરી બાબુને પણ બે હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અને એ પણ કહેવામાં આવ્યું છે કે, જો તે દંડ ભરશે નહીં તો તેમને પણ એક અઠવાડિયું વધુ જેલમાં પસાર કરવું પડશે.

જ્યારે આ સમગ્ર કેસની જાણકારી સામે આવી છે કે, નેશનલ ઈન્ટિટ્યૂટ ફોર મેન્ટલી હેન્ડિકેપ્ડ માટે સરકાર દ્વારા ખેડૂતની જમીન સંપાદિત કરવામાં આવી હતી. તેની સામે 2017 માં તેણે હાઈકોર્ટમાં પિટિશન કરીને વળતરની માંગણી કરી હતી.

કોર્ટ દ્વારા તેમની તરફેણમાં ચુકાદો આપતા ત્રણ મહિનાની અંદર અરજદાર તેમજ જેની જમીન આ પ્રોજેક્ટ માટે લેવામાં આવી છે તે તમામ લોકોને વળતર ચૂકવવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં કોર્ટ દ્વારા નિયત કરેલા સમયગાળામાં વળતર ના ચૂકવાતા ખેડૂત દ્વારા 2018 માં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી.

આ બાબતમાં કોર્ટ દ્વારા તમામ જવાબદાર લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. કોર્ટની નોટિસ મળતાં જ અધિકારીઓ દ્વારા સોગંદનામું દાખલ કરાયું હતું અને અંતે 30 માર્ચ 2021ના રોજ ખેડૂતોને વળતર ચુકવવામાં આવ્યું હતું. તેમ છતાં કોર્ટે ત્રણ મહિનામાં જે વળતર ચૂકવવા જણાવ્યું હતું તે છેક ત્રણ વર્ષ બાદ ચૂકવીને કોર્ટના આદેશનું સમયસર પાલન કરવામાં આવ્યું નહોતું.

Scroll to Top