જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં વધું એક આતંકી હુમલો થયો છે. ત્રણ દિવસની અંદર આતંકીઓ સાથે આ ચોથી અથડામણ છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારનો ઘેરાવ કર્યો છે અને આતંકીઓની શોધ થઈ રહી છે. સેનાને એલર્ટ પર રહેવા માટે કહેવાયું છે. કારણ કે ગુપ્તચર સૂત્રોએ જાણકારી આપી છે કે, આતંકી આગામી થોડા દિવસમાં હજું પણ હુમલો કરી શકે છે. અમુક નામચીન ઈમારતોને ટાર્ગેટ બનાવી શકે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, તાજેતરની અથડામણ ડોડા જિલ્લામાં થઈ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સવારે કહ્યું હતું કે, ત્રણથી ચાર આતંકવાદીઓનો એક જૂથ ડોડાના ઊંચાઈવાળા વિસ્તારમાં હતા. આ વિસ્તારમાં તેની તલાશ ખૂબ જ પડકારભરી હોય છે. તેમ છતાં પણ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે.
આ અગાઉ આતંકીઓએ જમ્મુના ડોડા વિસ્તારમાં સેનાની હંગામી સંચાલન અડ્ડા પર હુમલો કર્યો હતો, જેમાં સેનાના પાંચ જવાન અને એક વિશેષ પોલીસ અધિકારી ઘાયલ થઈ ગયા હતા. સુરક્ષા દળોએ બે આતંકીઓને મારી નાખ્યા હતા. આ હુમલો કઠુઆ જિલ્લાના સરથલ વિસ્તારની સરહદથી અડીને આવેલા ચત્તરગલા વિસ્તારમાં સેનાના અડ્ડા પર પોલીસ અને રાષ્ટ્રીય રાઈફલ્સની સંયુક્ત ચોકી પર થયો હતો.