કાશ્મીર ઉપર જૈશ અને તાલિબાન ની ખરાબ નજર, ગુપ્તચર એજન્સીઓ એ હાઇએલર્ટ જાહેર કર્યું

સરહદ પાર આંતકવાદીઓમાં જોડાણ અને નાપાક ષડયંત્રોને કારણે દેશની સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા અંગે એલર્ટ જારી કર્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યની ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ સાથે ઇનપુટ્સ શેર કરવામાં આવ્યા છે, જેથી આ હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે તૈયારીઓ કરી શકાય.

અધિકારીએ જણાવ્યું કે, ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં અફઘાનિસ્તાનના કંદહારમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર અને તાલિબાન નેતાઓ વચ્ચેની બેઠક અંગેની માહિતી મળ્યા બાદ તમામ ગુપ્તચર એજન્સીઓને હાઈ એલર્ટ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં જૈશે ભારતમાં હુમલા કરવા માટે તાલિબાન નેતાઓ પાસેથી મદદ માંગી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠકમાં પાકિસ્તાનની રાજકીય સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

“અમે ગુપ્તચર એજન્સીઓને સોશિયલ મીડિયા પર નજર રાખવા કહ્યું છે. 24 ઓગસ્ટના રોજ અમને બે પાકિસ્તાની આતંકવાદીઓની હિલચાલ વિશે માહિતી મળી જે શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો કરવા નું પ્લાનિંગ કરી રહ્યા છે. તમામ એજન્સીઓને સંકલન માટે ચેતવણી આપવામાં આવી છે.” તમામ રાજ્યોને સુરક્ષા વધારવા અને આતંકવાદ વિરોધી એકમોને હાઇ એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

15 ઓગસ્ટના રોજ તાલિબાને કાબુલ પર કબજો મેળવી લીધો છે અને અત્યાર સુધી ચાલતી યુએસ સમર્થિત સરકાર ને ભાંગી નાખી છે. આ પછી, ઘણા દેશોએ કાબુલમાંથી તેમના નાગરિકો અને રાજદ્વારીઓને બહાર કાવાનું શરૂ કર્યું છે. કાબુલ એરપોર્ટ પર હજારો લોકો ભેગા થયા છે, જે દેશ છોડવા માંગે છે. ભારત મિશન ‘દેવી શક્તિ’ અંતર્ગત તેના નાગરિકો સાથે હિન્દુ અને શીખ, અફઘાનને બહાર કાવામાં પણ વ્યસ્ત છે. ગુરુવારે, ઇસ્લામિક સ્ટેટના ખોરાસન મોડ્યુલે એરપોર્ટની બહાર ફિદાયીન હુમલો કર્યો, જેમાં 13 અમેરિકન સૈનિકો સહિત ઓછામાં ઓછા 172 અફઘાન નાગરિકો માર્યા ગયા.

Scroll to Top