જામનગરમાં બે પિતરાઈ ભાઈનો થયો ભયંકર અકસ્માત, એક ભાઈનું ઘટનાસ્થળ પર કરુણ મોત

છેલ્લા થોડા વર્ષોમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. દરરોજ માર્ગ અકસ્માતના કારણે હજારો લોકોને પોતાનો જીવ ગુમાવવાની ફરજ પડી રહી છે. જામનગર જિલ્લામાં પણ છેલ્લા થોડા સમયથી માર્ગ અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે.

જ્યારે આજે એવી જ એક ઘટના સામે આવી છે તેમાં આશાસ્પદ યુવકનું મૃત્યુ થતા હાહાકાર સર્જાઈ ગયો છે. જામનગર શહેરમાં આવેલા રણજીત સાગર રોડ પર ટ્રેક્ટર અને સ્કૂટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા તેમાં વેપારી યુવકને ગંભીર ઈજા થઈ જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના રણજીત સાગર રોડ પર મંગલ ધામ સોસાયટી શેરી નં-2 માં રહેનાર 24 વર્ષિય દર્શક ભરડવા તેના પિતરાઇ ભાઇ જે સમાણા ગામમા વસવાટ કરે છે. એવામાં 27 વર્ષિય હાર્દિક ભરડવા બંને સ્કૂટર પર બેસીને લાલપુર બાયપાસ ચોકડી તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન સ્કૂટર હાર્દિક ચલાવતો હતો અને દર્શક પાછળ બેઠેલો હતો.

આ દરમિયાન રણજીત સાગર રોડ પર આવેલા આર્મીના ગેઇટ પાસે સામેથી અજાણ્યા ટ્રેક્ટર ચાલક દ્વારા સ્કૂટરને પાછળથી ટક્કર મારવામાં આવી હતી. તેની સાથે ટ્રેક્ટરની ટક્કર એટલી ભયંકર હતી કે, સ્કૂટર ચાલક હાર્દિકને એવી ગંભીર ઇજા થઈ કે, ઘટનાસ્થળે જ તેનું કરુણ મૃત્યુ થઈ ગયું હતું. જયારે સ્કૂટરની પાછળ બેઠેલા પિતરાઇ ભાઇ દર્શકને સામાન્ય ઇજા થઈ હતી જેને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ પુત્રના નિધનથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.

જ્યારે આ ઘટનાની જાણ થતા જ સીટીએ ડિવિઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસ દ્વારા આ મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેની સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવતા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે અકસ્માત સર્જી ફરાર થયેલા ટ્રેક્ટર ચાલક સામે અકસ્માતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સિવાય પોલીસ દ્વારા ટ્રેક્ટર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Scroll to Top