ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને લઇને અનેક પ્રકારની ચર્ચાઓ થતી રહે છે. કોઇ તેમને સરમુખત્યાર કહે છે તો કોઇ તેમને સનકી ગણાવે છે. ઉત્તર કોરિયાના શાસનથી લઇને તેમની અંગત જીંદગી સુધી અલગ અલગ પ્રકારની વાતો સામે આવતી રહે છે.
જો કે છેલ્લા કેટલાક સમયથી તેઓએ તેમની છાપ સુધારી છે જેમાં તેમની નાની બહેન કિમ યો જોંગનો મોટો ફાળો છે. કિમ યો જોંગ તેમના ભાઇની ખુબ જ નજીક છે.
ઉત્તર કોરિયાના શાસનમાં જે લોકોનો સિક્કો ચાલે છે તેમાં કિમ જોંગ ઉન સિવાય તેમની નાની બહેન કિમ યો જોંગનું નામ આગળ પડતું છે.
કિમ યો જોંગ પડછાયાની જેમ તેમના ભાઇની સાથે રહે છે. એવું કહેવાય છે કે કિમ જોંગ ઉન બહુ ઓછા લોકો પર વિશ્વાસ કરે છે જેમાં કિમ યો જોંગના નામનો સમાવેશ થાય છે.
2018માં સિંગાપુરમાં અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી ઐતિહાસિક મુલાકાત બાદ કિમની આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિયતા જોવા મળે છે જેમાં કિમ યો જોંગ પણ પાછળ નથી.
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેના ઐતિહાસીક શિખર સંમેલન દરમ્યાન પણ કિમ યો જોંગ સતત તેમના ભાઇની સાથે રહી અને ખુદ કિમે આગળ આવીને દક્ષિણ કોરિયાઇ રાષ્ટ્રપતિનો પરિચય તેમની બહેન સાથે કરાવ્યો હતો.
2014થી જ કિમ યો જોંગ તેમના ભાઇના રાજકિય સલાહકાર છે અને એવું કહેવાય છે કે કોઇપણ મહત્વનો નિર્ણય તેમની મંજુરી વગર થતો નથી. અંગત જીવનમાં તે બહુ કડક સ્વભાવની છે અને તેમના ટીકાકારો તેમને ‘લેડી સરમુખત્યાર’ ગણાવે છે.