જાવેદ હબીબને મહિલાના વાળમાં થૂંકવું પડ્યું મોંઘુ, કેસ દાખલ, માંગી માફી

પ્રખ્યાત હેરડ્રેસર જાવેદ હબીબને મહિલાના વાળમાં થૂંકવું મોંઘુ પડી ગયું છે. મુઝફ્ફરનગરમાં હેર સ્ટાઈલિશ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જાવેદે એક સેમિનારમાં મહિલાના વાળમાં થૂંક્યું હતું, જેનો વીડિયો વાયરલ થયો હતો. લેડી બ્યુટિશિયનની ફરિયાદ પર મંસૂરપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ એપિડેમિક એક્ટ સંબંધિત કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે.

વાયરલ વીડિયોમાં જાવેદ હબીબ મહિલાને કહી રહ્યો છે કે વાળ ગંદા છે. આ પછી, તે મહિલાના વાળમાં કાંસકો ફેરવતા કહે છે કે જો વાળમાં પાણીની કમી છે તો… એટલામાં જ તે મહિલાના વાળ પર થૂંકે છે અને કહે છે કે થૂંકમાં જીવ છે.

બરૌતમાં રહેતી પૂજા ગુપ્તાએ પછીથી તેનો વિરોધ કર્યો હતો. આ અંગે તેણે મુખ્યમંત્રી પોર્ટલ પર ફરિયાદ પણ કરી હતી. પૂજા બ્યુટી પાર્લર ચલાવે છે. તે તેના પતિ સાથે કિંગ વિલા હોટેલમાં આયોજિત એક કાર્યક્રમમાં ગઈ હતી. અહીં જ જાવેદ તેના વાળમાં થૂંક્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો પાર્લરમાં પાણી નથી, તો તમે થૂંકથી કામ ચલાવી શકો છો.

રાષ્ટ્રીય મહિલા આયોગે તેની નોંધ લીધી
રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો. તેમણે ઉત્તર પ્રદેશ પોલીસને તે વીડિયોની સત્યતાની તપાસ કરવા કહ્યું જેમાં જાણીતા હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ એક મહિલાના વાળમાં થૂંકતા જોવા મળે છે. ઉત્તર પ્રદેશ પોલીસને લખેલા પત્રમાં પંચે જણાવ્યું હતું કે, ‘આયોગે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. તે ન માત્ર તેની સખત નિંદા કરે છે, પરંતુ આમાં તમારો તાત્કાલિક હસ્તક્ષેપ ઈચ્છે છે જેથી આ વાયરલ વીડિયોની સત્યતા તપાસી શકાય.’

મહિલા આયોગના મતે, આ ઘટના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલ કોવિડ પરની માર્ગદર્શિકાનું પણ ઉલ્લંઘન છે અને આવી સ્થિતિમાં લોકોની વચ્ચે થૂંકવું એ પણ સજાપાત્ર ગુનો છે. પંચે જાવેદ હબીબને સુનાવણી માટે એક નોટિસ પણ મોકલી છે.

આ કોરોના સમયગાળામાં, જ્યાં લોકોને માસ્ક પહેરીને બહાર જવાની સલાહ આપવામાં આવી રહી છે, જાહેર સ્થળોએ થૂંકવું પ્રતિબંધિત છે. ત્યારે આ વીડિયો સામે આવ્યા બાદ લોકોને આશ્ચર્ય થાય છે કે આટલી પ્રખ્યાત વ્યક્તિ આવું કેવી રીતે કરી શકે, શું થૂંકીને વાળ કાપવા યોગ્ય છે?

હબીબે માફી માંગી
આ વીડિયો વાયરલ થયો અને લોકોએ તેમની નોંધ લીધી એ પછી તરત જ જાવેદ હબીબે ગુરુવારે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર માફી માંગી હતી. તેણે પોતાના બોલેલા શબ્દો પાછા લીધા અને માફી માંગી. તેણે કહ્યું, ‘મારા સેમિનારમાં કેટલાક શબ્દોથી કેટલાક લોકોને દુઃખ થયું છે. અમારા સેમિનાર પ્રોફેશનલ હોય છે. આ લાંબા શો હોય છે. હું ફક્ત એક જ વાત કહું છું, દિલથી. જો ખરેખર દુઃખ થયું હોય તો માફ કરશો. સોરી, દિલથી માફી માંગુ છું.’

એવા અહેવાલો છે કે પૂજાને પણ આ મામલો રફાદફા કરવા માટે દિલ્હીથી એક ફોન પણ આવ્યો હતો. જોકે, તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ ઘટનાના વિરોધમાં, ક્રાંતિ સેનાએ મુઝફ્ફરનગરમાં જાવેદ હબીબનું પૂતળું દહન કર્યું.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો