સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 4 આતંકીઓ ઢેર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે અને એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. પુલવામા, હંદવાડા અને ગાંદરબલમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. પુલવામામાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે.

જૈશ-એ-મોહમ્મદના 2 આતંકવાદીઓ ઠાર

આઈજીપી કાશ્મીરે જણાવ્યું કે ગઈકાલે રાત્રે 4 થી 5 સ્થળોએ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પુલવામામાં અત્યાર સુધીમાં જૈશ-એ-મોહમ્મદના 2 આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં એક પાકિસ્તાની આતંકવાદી પણ સામેલ છે. આ ઉપરાંત ગાંદરબલ અને હંદવાડામાં પણ એક-એક આતંકવાદી માર્યો ગયો છે. હંદવાડા અને પુલવામામાં એન્કાઉન્ટર પૂર્ણ થયું છે. એક આતંકીની પણ ધરપકડ કરવામાં આવી છે.

ઇનપુટના આધારે કરવામાં આવી કાર્યવાહી

પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો અને આતંકવાદીઓની હાજરી અંગેના ઇનપુટ્સના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો. આતંકવાદીઓ જ્યાં છુપાયેલા હતા ત્યાં સુરક્ષા દળો પહોંચતા જ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું.

સરપંચની ગોળી મારી હત્યા

જણાવી દઈએ કે શુક્રવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ એક સરપંચની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જમ્મુ-કાશ્મીરમાં આ મહિનામાં આ ત્રીજી ઘટના છે જ્યારે આતંકવાદીઓએ સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિની હત્યા કરી હોય.

એક અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અદુરા વિસ્તારમાં રાત્રે લગભગ 8.50 વાગ્યે શબ્બીર અહેમદ મીરને તેના ઘરની નજીક આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. તેમણે કહ્યું કે શબ્બીર અહેમદ મીરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. શબ્બીર અહેમદ મીર અપક્ષ સરપંચ હતા.

Scroll to Top