ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી રાજકારણ ગરમાયેલુ છે. જેમાં ભાજપ દ્વારા રાજ્યમાં અચાનક જ નવી સરકાર બનાવવામાં આવી અને તેની સાથે જ જુના તમામ મંત્રીઓને પડતાં મૂકવામાં આવતા રાજકારણ ગરમાઈ ગયું છે. જ્યારે હવે કંઇક એવા જ સમાચાર સામે આવ્યા છે.
તેમાંથી એક પડતા મુકાયેલા કેબિનેટ મંત્રી દ્વારા અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઇવે પર રાજપથ ક્લબ પાસે આવેલી પોતાની જમીન રૂ. 112 કરોડથી વધુમાં વેંચી દેવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે.
જેમાં આ ડીલ વિશેના સૂત્રોના જણાવ્યા મુજબ, આ પૂર્વ કેબિનેટ મંત્રીની માલિકીનો અંદાજે 5200 સ્ક્વેર યાર્ડનો એક પ્લોટ રાજપથ ક્લબ પાછળ આવેલો હતો જે તેમના દ્વારા તાજેતરમાં વેંચવામાં આવ્યો છે. આ ડીલ રૂ. 22,000-23,000 પ્રતિ સ્ક્વેર ફૂટ આજુબાજુ થઈ હોવાનું માનવામાં આવ્યું છે.
જાણકારોના મત મુજબ આ ડીલ માર્કેટ કિમત કરતાં ઊંચા ભાવે કરવામાં આવી છે. રાજપથ ક્લબ અને તેની આજુબાજુના વિસ્તારોમાં અત્યારે સરેરાશ રૂ. 18,000-20,000 પ્રતિ સ્ક્વેર ફૂટનો ભાવ ચાલી રહ્યો છે તેમ છતા આ મોટી ડીલ થઈ છે.
જ્યારે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોના કહેવા મુજબ, સરખેજ ગાંધીનગર હાઇવે પર સિંધુભવન રોડ અને રાજપથ ક્લબ આજુબાજુનો વિસ્તાર અત્યારે પ્રાઇમ લોકેશન ગણવામાં આવે છે. છેલ્લા બે વર્ષ દરમિયાન અહી રેસિડેન્શિયલ તેમજ કોમર્શિયલ બંને રીતે ઘણું મોટું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને નવું ડેવલપમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે. સિંધુભવન રોડના છેડે SP રિંગરોડ નજીક તાજ હોટેલ પણ આવેલી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ પૂર્વ મંત્રીએ રાજપથ ક્લબ પાસેની જમીન વેચી દીધા બાદ હવે અમદાવાદની શહેરના છેવાડાના વિસ્તારોમાં જમીન ખરીદવાની ઈચ્છા ધરાવે છે અને તેના માટેની શોધખોળ પણ કરી રહી છે. જ્યારે અત્યારે વૈષ્ણોદેવી સર્કલ, ચાંદખેડા, મોટેરા, ભાટ, ગાંધીનગર આજુબાજુ બહોળા પ્રમાણમાં ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. તેને જોતાં આ વિસ્તારોમાં જમીન ગોતવામાં આવતી હોય તેવું માનવામાં આવી રહ્યું છે.