આપણા ગુજરાતમાં એક ખૂબ જ પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે કે જ્યાં દેશ-વિદેશથી લોકો સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે, જે છે નર્મદા જિલ્લામાં આવેલું કેવડિયા કોલોની. અહીં સરદાર નર્મદા નદી પર બાંધવામાં આવેલા ડેમ ખાતે જ આવેલી છે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા.
અત્યાર સુધી લોકો અહીં આવતા ત્યારે કેવડિયા કોલોનીનું સરનામું આપતા પણ હવે એવું બની શકે કે એમણે આ જગ્યાનું નામ જુદું બોલવું પડે. હવે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીનું નામ એકતા નગર કરાયું છે. નવનિર્મિત કેવડિયા રેલવે સ્ટેશન પર એકતા નગરનું બોર્ડ લગાવવામાં આવ્યું છે જેનાથી હવે કેવડિયાને નવું નામ મળ્યું છે.
વર્ષોથી ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં આવેલ કેવડિયા કોલોની નર્મદા ડેમના નામે ઓળખાતું હતું. હવે સરકારે નક્કી કર્યું છે કે નર્મદા જિલ્લાના નકશામાં કેવડિયા કોલોનીનું નામ બદલીને એકતા નગર રાખવું અને એ માટેની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે.
31 ઓક્ટોબર 2018ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ સડક માર્ગે કેવડિયા સુધી પહોંચતા હતા.
17 જાન્યુઆરી 2021ના રોજ કેવડિયા ખાતે દેશના પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સ્ટેશનનું નામ એ સમયે કેવડિયા જંકશન આપવામાં આવ્યું હતું. હવે તેનું નામ બદલીને એકતા નગર કરાશે કેમ કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનું પ્રતીક છે.
કેવડિયાનો વિકાસ પ્રવાસન સ્થળ તરીકે થઈ રહ્યો છે. કેવડિયા ખાતે જેટલા પણ પ્રોજેક્ટ છે તેમનાં તમામનાં નામ એકતા રાખવામાં આવ્યા છે. એકતા ગેટ, એકતા મોલ, એકતા નર્સરી, એકતા ઓડિટોરિયમ, યુનિટી ગ્લો ગાર્ડન સહિતના પ્રોજેક્ટના નામો એકતા ઉપરથી રાખ્યા હોવાથી નગરનું નામ પણ એકતા નગર કરવામાં આવશે. તેની શરૂઆત રેલવે વિભાગે કરી દીધી છે અને કેવડિયા સ્ટેશનનું બોર્ડ હટાવી એકતા નગર કરવામાં આવ્યું છે પરંતુ હજુ તેની સત્તાવાર જાહેરાત બાકી છે.