ભારત સહિત આખી દુનિયા પર કોરોના વાઇરસની મહામારીએ ભરડો લીધો હતો. આ કોરોના મહામારી દરમિયાન ઓક્સિજનનું મહત્વ જણાયું હતું. ત્યારે રાજ્યમાં કોરોનાના દરદીની સારવાર કરતી ભાગ્યે જ એવી કોઈ હૉસ્પિટલ મળશે, જ્યાં વૅન્ટિલેટરવાળો ખાટલો દરદીને સરળતાથી મળ્યો હોય.
ત્યારે લોકોને સમજાયું હતું કે, જીવન માટે ઓક્સિજન કેટલું મહત્વનું છે. જે માનવ શરીરમાં ઓક્સિજનનું પ્રમાણસર વહન થવું એ પણ જરૂરી છે. ત્યારે મહેસાણામાં એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક 7 વર્ષના બાળકમાં ઓક્સિજનનું પ્રમાણ જ અપ્રમાણસર બન્યું હતું.
જે મહેસાણાના 7 વર્ષના દેવર્ષ પટેલના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ સામાન્ય બાળકમાં 95 ટકા જોવા મળતું હોય છે ત્યારે આ 7 વર્ષના દેવર્ષ પટેલના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ 60 થી 70 ટકા જેટલું જ રહેતું હતું. જેના કારણે તેને શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ પડી રહી હતી. આ ઉપરાંત તેના શરીરમાં અશુદ્ધ લોહી લિવરમાં શુદ્ધિકરણ માટે પસાર થવાની જગ્યાએ હૃદય અને ફેફસાંમાં લોહી પહોંચી જતું હતું.
દેવર્ષના લિવરમાં શુદ્ધ લોહી પહોંચાડતી નળી અને હાર્ટમાં શુદ્ધ લોહી પહોંચાડતી નળી વચ્ચે એબ્નોર્મલ જોડાણ હતું. જેથી અશુદ્ધ લોહી માર્ગ બદલીને હાર્ટ અને ફેફસાંમાં પહોંચતું હોવાથી તેનું ઓક્સિજનનું સ્તર 60થી 70 રહેવા લાગ્યું હતું. જે બાળ હૃદયરોગ વિભાગના ડોક્ટર ભાવન ચાંપાનેરીના જણાવ્યા અનુસાર આ બાળકને કન્જેનાઈટલ પોર્ટમો-સિસ્મેટિક શંટ્સ નામની બીમારી હોવાનું જણાવ્યું હતું.
જો કે આવી જીવલેણ ગંભીર બીમારીનો ઈલાજ કરવા માટે ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ યુએન મહેતા હોસ્પિટલમાં એડવાન્સ કી-હોલ ટેકનિક સર્જરીથી આ 7 વર્ષના દેવર્ષની અશુદ્ધ લોહી સામેની જંગમાં ઘણી મોટી જીત હાંસલ કરી છે. આ કી-હોલ ટેકનિક સર્જરી ઘણી સફળતા પૂર્વક કરવામાં આવી છે. જે કી હોલ ટેકનિક સર્જરીની મદદથી શરીરમાં કોઈપણ જગ્યાએ ઓપન સર્જરી કે ટાંકા લીધા વિના જટિલ સર્જરી સરળતાપૂર્વક કરવામાં આવી છે.
આ 7 વર્ષના બાળકને દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે તેની તપાસ માટે વિવિધ પ્રકારના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં તેના હાર્ટની રચના તો સામાન્ય જ જોવા મળી હતી જેથી તેના અન્ય રિપોર્ટ કરાવતા બાળકને લિવરમાં ગંભીર તકલીફ હોવાનું સામે આવ્યું હતું. જેની સીધી અસર તેના હાર્ટ અને ફેફસાં પર પડી રહી હતી. જેના કારણે તેને ઘણી તકલીફ સહન કરવી પડી રહી હતી.
ત્યારે રિપોર્ટમાં લિવરમાં ગંભીર તકલીફ હોવાનું સામે આવતા ડોક્ટર્સની ટીમે દેવર્ષનું ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં કી હોલ ટેકનિકની મદદથી મેટલ ડિવાઈસનો ઉપયોગ કરીને સર્જરીને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. ત્યારે હવે આ 7 વર્ષનો દેવર્ષ બીમારીથી મુક્ત થઈને ઘરે પાછો આવી ગયો છે. અને હાલ તેના સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો છે.