ગુજરાતના જાણીતા કવિ અને ગઝલકાર ખલિલ ધનતેજવીનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર

જાણીતા ગુજરાતી અને ઉર્દુ ભાષાના ગઝલકાર અને કવિ ખલીલ ધનતેજવીનું આજે (04-04-2021) રવિવારે વહેલી સવારે 86 વર્ષની ઉંમરે અવસાન થયું છે. સવારની નમાઝ અદા કર્યા બાદ તેમની તબિયત લથડી હતી અને ત્યાર બાદ ગુજરાતી સાહિત્ય જગતનો તેજસ્વી તારલો ખરી પડ્યો હતો. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં એક કદી ન પુરાય તેવી ખોટ પડી છે.

ખલિલ ધનતેજવીનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં 12 ડિસેમ્બર 1935 ના રોજ થયો હતો. ખલીલ ધનતેજવીનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતું. પોતાના ગામ પ્રત્યેના અપાર પ્રેમને કારણે ખલીલે પોતાનું નામ બદલી નાખ્યુ.

ખલિલ ધનતેજવીએ પોતાની અટકની જગ્યાએ પોતાના ગામનું નામ રાખી લીધું. ત્યાર બાદ તેઓ સાહિત્ય જગતમાં ખલીલ ધનતેજવીના નામથી ઓળખાતા થયાં. અને તેમની ગઝલ પણ એ જ નામે પ્રસિધ્ધ થવા સાથે લોકપ્રિય પણ થતી ગઈ.

ખલિલ ધનતેજવીએ 4 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. ખલીલ ધનતેજવી ગુજરાતી અને ઉર્દૂ ગલઝકાર હતા. ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા. તેમને 2004 માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 2019 માં તેમને નરસિંહ મહેતાપુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

ખલીલ ધનતેજવીના કેટલાક જાણીતા શેર

  • તમે મન મુકીને વરસો ઝાપટું આપણને નહીં ફાવે
  • અમ રહ્યા હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે
  • તમાચો ખાઇ લઇશ ગાંધીગીરીના નામ પર પણ
  • પત્નીને બા કહીને બોલાવવું આપણને નહીં ફાવે
  • નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી, ઘણી પગદંડીઓ ફૂટી પછીતો એજ રસ્તાથી.
  • હશે મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ, ઘણા મિત્રોએ સળગાવ્યોછે દીવો મારા દીવાથી.
  • રદીફ ને કાફીયા સાથે ગજબની લેણાદેણી છે, મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ: ગુજરાતના પ્રખ્યાત કવિ, લેખક અને ગઝલકાર ખલીલ ધનતેજવીના અવસાનથી દુઃખ અનુભવું છું. ગુજરાતી ગઝલને રસપ્રદ બનાવવામાં તેમનું યોગદાન હંમેશા યાદગાર રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ગઝલપ્રેમી ચાહકવર્ગને સાંત્વના!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top