મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના પન્ના (Panna) જિલ્લામાં એક ખેડૂતને સરકાર પાસેથી લેવામાં આવેલ જમીનના ખોદકામમાં ઉચ્ચ ગુણવત્તા વાળો 6.47 કેરેટનો હીરો મળ્યો છે. આ ખેડૂતને છેલ્લા બે વર્ષમાં ખોદકામમાં છઠ્ઠી વખત હીરો મળ્યો છે.
જિલ્લાના પ્રભારી હીરા અધિકારી નૂતન જૈને શનિવારે જણાવ્યું હતું કે જરુઆપુર ગામની એક ખાણમાં પ્રકાશ મજુમદારને આ હીરો મળ્યો હતો. તેમણે કહ્યું કે 6.47 કેરેટ ના આ હીરાને આગામી હરાજીમાં વેચાણ માટે રાખવામાં આવશે અને કિંમત સરકારની માર્ગદર્શિકા મુજબ નક્કી કરવામાં આવશે.
મજુમદારે કહ્યું કે તેઓ હરાજીમાંથી મળેલી રકમ ખાણકામ સાથે સંકળાયેલા તેમના ચાર ભાગીદારો સાથે વહેંચશે. તેમણે શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું કે, અમે પાંચ ભાગીદાર છીએ. અમને 6.47 કેરેટનો હીરા મળ્યો છે. જેને અમે સરકારી ડાયમંડ ઓફિસમાં જમા કરાવી દીધો છે. મજુમદારે કહ્યું કે તેમને ગયા વર્ષમાં 2 થી 2.5 કેરેટના ચાર અન્ય કિંમતી હીરા પણ ખનનમાં મળી આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કાચા હીરાની હરાજી કરવામાં આવશે અને તેનાથી થતી આવક સરકારી રોયલ્ટી અને ટેક્સના કાપ બાદ ખેડૂતને આપવામાં આવશે. વ્યક્તિગત અંદાજ મુજબ, હરાજીમાં 6.47 કેરેટના હીરાની કિંમત આશરે 30 લાખ રૂપિયા હોઈ શકે છે.
મધ્યપ્રદેશના બુંદેલખંડ પ્રદેશમાં સ્થિત પન્ના જિલ્લામાં લગભગ 12 લાખ કેરેટ હીરાની થાપણો હોવાનો અંદાજ છે. રાજ્ય સરકાર પન્ના હીરા અનામત વિસ્તારોમાં સ્થાનિક ખેડૂતો અને મજૂરોને જમીનના નાના-નાના ટુકડાઓ હીરાની ખાણકામ માટે ભાડે આપે છે. ખનનમાં પ્રાપ્ત હીરાના કિસાન અથવા શ્રમિક, જિલ્લા હીરા અધિકારી પાસે જમા કરાવે છે.