રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ દ્ધારા રાજકોટમાં કોગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરવાને લઇને રાજકીય ગરમાવો વધી ગયો છે. શિવરાજ પટેલે રાજકોટમાં ઢેબર રોડ પર આવેલા રાજકોટ દક્ષિણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ચોવટીયાના કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, મારે પરિવર્તન જોઇએ છે. આ પ્રકારના નિવેદનથી રાજકોટનું રાજકારણ ગરમાયું છે.
ગઇકાલે શિવરાજે રાજકોટ પૂર્વની બેઠક પર કોગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાની સભામાં ભાષણ આપી સમર્થન આપ્યું હતું જો જેતપુરમાં કોંગ્રેસના ઉમેદવાર રવિ આંબલીયા સાથે પ્રચારમાં પણ જોડાયા હતા. આ અંગે બોલતા શિવરાજ પટેલે જણાવ્યું હતું કે, હું રવિ આંબલીયા, મિતુલ દોંગા અને દિનેશ ચોવટીયાના કાર્યાલયે ગયો હતો અને લોકોને મતદાન કરવા કહ્યું હતું. મારા વ્યક્તિગત સંબંધના કારણે હું આવ્યો છું. મારૂ વ્યકિતગત રીતે માનવું છે કે, પરિવર્તન આવવું જોઇએ. મારે બીજી કોઇ ટીપ્પણી કરવી નથી. મારા માટે મને પરિવર્તન જોઇએ છે.