કિશન ભરવાડની પહેલા પોરબંદરના આ વ્યક્તિની હત્યાનું ઘડાયું હતું કાવતરું, પણ…

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 25 જાન્યુઆરીની સાંજે ગોળી મારીને હત્યા કરાયેલ કિશન ભરવાડની હત્યા કેસમાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આરોપી સબ્બીર અને જમાલપુરના મૌલાના અયુબ જાવરાવાલાએ અગાઉ મે 2021માં પોરબંદરના રહેવાસી સાજન ઓડેદરાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પરંતુ તે પોરબંદરમાં મળ્યો નહીં જેથી બચી ગયો. ગુજરાત ATS દ્વારા આરોપી સબ્બીર અને મૌલાના અયુબની પૂછપરછ અને તપાસમાં આ ખુલાસો થયો છે.

ગુજરાત ATSના પોલીસ અધિક્ષક આઈજી શેખે રવિવારે જણાવ્યું હતું કે મે 2021માં પોરબંદરના રહેવાસી સાજન ઓડેદરાએ પયગંબર મોહમ્મદ વિશે કોઈ વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી. તે લગભગ બે મહિના જેલમાં પણ રહ્યો હતો.

કિશન પહેલા મૌલાના અયુબ અને સબ્બીર બંનેએ સાજનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. સાજનની રેકી પણ થઈ હતી. બંને તેની હત્યા કરવા પોરબંદર પણ ગયા હતા, પરંતુ તે સમયે સાજન પોરબંદરમાં મળ્યો ન હતો જેથી તેની હત્યા ન થઈ શકી.

આ બંને આરોપીઓએ આ પહેલા હત્યાનું કાવતરું ઘડ્યું હતું કે કેમ. અને તેમના નિશાના પર કોણ હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.

‘વાંધાજનક ટિપ્પણી માટે માત્ર મૃત્યુદંડ’ ગુજરાત એટીએસના એસપી આઈજી શેખે જણાવ્યું કે મૌલાના અયુબે આરોપી સબ્બીરને કહ્યું હતું કે ‘જો મોહમ્મદ પયગંબર વિશે કોઈ વાંધાજનક ટિપ્પણી કરે છે, તો તેની એકમાત્ર સજા છે મૃત્યુ.’ અયુબની આ વાતે સબ્બીરે કિશન ભરવાડની હત્યા કરી હતી. મૌલાના અયુબ અને સબ્બીર બંને કટ્ટરવાદી માનસિકતા ધરાવે છે.

દિલ્હીથી અન્ય એક મૌલાનાની અટકાયત
એટીએસના એસપી આઈજી શેખે જણાવ્યું કે કિશન ભરવાડની હત્યાના મામલે મૌલાના કમરગની ઉસ્માનીની દિલ્હીથી અટકાયત કરવામાં આવી છે. તેને અમદાવાદ લાવવામાં આવ્યો છે. કિશનની હત્યા કરનાર આરોપી સબ્બીર અને હથિયાર સપ્લાય કરનાર મૌલાના અયુબ જાવરાવાલા બંને કમરગનીના સંપર્કમાં હતા.

કમરગની મૂળ ઉત્તર પ્રદેશના બારાબંકીનો રહેવાસી છે. તે દિલ્હીમાં તહરીક ફારુગે ઈસ્લામ નામનું સંગઠન ચલાવે છે. જે સેવાકીય કાર્ય કરવાની સાથે ઇસ્લામ અને મોહમ્મદ પયગંબર વિશે વાંધાજનક ટિપ્પણી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ કામ કરે છે. આ કેસમાં કમરગનીની સંડોવણી, તેની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.

મળતી જાણકારી અનુસાર, કમરગની ઈસ્લામ પ્રત્યેની તેની કટ્ટરવાદી માનસિકતા માટે જાણીતો છે. નવેમ્બર 2021માં ત્રિપુરામાં પણ તેની ધરપકડ કરવામાં આવી છે. તેણે લાંબો સમય જેલમાં પણ વિતાવ્યો હતો.

અયુબને હથિયાર આપનાર અઝીમ પકડાયો
શેખે જણાવ્યું કે કિશનને જે પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી, તે પિસ્તોલ રાજકોટના રહેવાસી અઝીમ સમાએ મૌલાના અયુબ જાવરાવાલાને આપી હતી. રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દૂધસાગર રોડ પર રહેતો અઝીમ બસીરભાઈ સમા મિતાણા નજીકથી ઝડપાયો છે. હવે તેની પૂછપરછ ચાલુ છે. અઝીમે પિસ્તોલના પૈસા લીધા ન હોવાનું સામે આવી રહ્યું છે. અઝીમે આ પિસ્તોલ કોની પાસેથી લીધી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે.

Scroll to Top