Religious

રથયાત્રા પૂર્વે જાણો અમદાવાદના જગન્નાથ મંદિરનો આ રસપ્રદ ઈતિહાસ

આમતો ભારત દેશના અનેક શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળે છે. પરંતુ આ તમામ રથયાત્રાઓ પૈકી બે શહેરોની રથયાત્રાઓ સુપ્રસિદ્ધ છે. એક જગન્નાથપુરી અને બીજું અમદાવાદ, આ બંન્ને જગ્યાએ શ્રીહરીના જ એક સ્વરૂપ એવા ભગવાન જગન્નાથની જે રથયાત્રા નિકળે છે તે ખૂબ અલૌકિક અને દિવ્ય હોય છે. ભગવાન જગન્નાથ સ્વયં બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે નગરચર્યાએ નિકળે છે. ત્યારે આવો આજે જાણીએ અમદાવાદના ભગવાન જગન્નાથજીના મંદિરનો ઈતિહાસ અને સાથે જ જાણીએ અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઈતિહાસ.

લગભગ ચારસો વર્ષ પહેલાં રામાનંદી સંત શ્રી હનુમાનજીદાસજીએ આજના જગન્નાથજીના મંદિરમાં પોતાની ગાદીની સ્થાપના કરી હતી. એમના પછી ગાદીએ આવેલા સારંગદાસજીએ જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવીને સ્થાપના કરાવી ત્યારથી જ આ મંદિર ‘જગન્નાથજીની મંદિર’ તરીકે જગપ્રસિદ્ધ થયું. એમના પછી બાલમુકુંદદાસજી આવ્યા અને તે પછી નરસિંહદાસજી આવ્યા.નરસિંહદાસજીને સ્વપ્નમાં ભગવાન જગન્નાથજી આવ્યા અને તેમણે રથયાત્રા શરૂ કરી.

લોકવાયકાઓ અનુસાર ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભક્તોએ પણ રથયાત્રાની પોતાની જવાબદારી સ્વીકારી લીધી. તેમણે તાબડતોબ નારિયેળના ઝાડમાંથી ત્રણે ભગવાનના રથ તૈયાર કરીને અમદાવાદ પહોંચાડી દીધા.

આમ 1876થી શરૂ થયેલી રથયાત્રામાં પરંપરા મુજબ રથ ખેંચવાનું કાર્ય ખલાસ કોમના ભાઇઓ સાચી શ્રદ્ધાથી દર વર્ષે કરે છે. 139 વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રામાં ઉત્તરોત્તર મોટી થતી ગઇ.  શરૂઆતમાં માત્ર સાધુ-સંતો જ રથયાત્રામાં ભાગ લેતા હતા અને તેમનું રસોડું સરસપુરના રણછોડજી મંદિરમાં રાખવામાં આવતું, ભક્તજનોની ભીડ વધતા  સરસપુરમાં ઠેર ઠેર રસોડાંઓ ઊભાં કરવામાં આવ્યાં. દર વર્ષે મામેરું પણ અહીંયા જ કરાય છે નરસિંહદાસજી મહારાજે પ્રથમવાર કાઢેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કરવામાં આવ્યા હતાં. ત્યારથી લઇને આજ સુધીમાં રથયાત્રા ઐતિહાસીકથી મોર્ડન બની ગઇ છે.

માત્ર રથયાત્રા જ નહી પણ જે રથમાં ભગવાન બિરાજીને નગરચર્યાએ નીકળે છે તેણે પણ હવે નવા રૂપરંગ હાંસલ કરી લીધા છે. રથ નવા રૂપ રંગ ધારણ કર્યા છે સાથોસાથ તેમાં મોર્ડન પૈડા અને સ્ટીંયરીંગ પણ લગાડવામાં આવે છે. શરૂઆતની  યાત્રામાં ગણ્યાગાંઠ્યા પોલિસ કર્મીઓ હતા હવે રથયાત્રામાં શ્રદ્ધાળુઓ કરતા પોલીસ વધારે હોય તેવી લોકોમાં ચર્ચા હોય છે. જગન્નાથ ભગવાનની રથયાત્રા પ્રાચીન પરંપરા કોમી એખલાસનું પ્રતીક છે. લાખો શ્રદ્ધાળુઓ જગન્નાથના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તેમના આશીર્વાદ મેળવીને પોતાની જાતને પાવન માને છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker