હિન્દુ ધર્મ અનુસાર ધનતેરસના દિવસથી જ દિવાળીના તહેવારની શરૂઆત થાય છે. ધનતેરસને મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે, જેમાં લોકો સોના-ચાંદીના વાસણ અને વસ્તુઓ ખરીદવું શુભ માને છે. ધનતેરસનો તહેવાર આસો તેરસના દિવસે ઉજવવામાં આવે છે. ધનતેરસના ખાસ અવસરે લક્ષ્મીજીની સાથે ભગવાન ધનવંતરીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ધનતેરસ કેમ ઉજવવામાં આવે છે અને આ દિવસે સોના-ચાંદીની ખરીદી શુભ કેમ માનવામાં આવે છે? આજે અમે આપને જણાવીશું આના પાછળની રસપ્રદ વાર્તા.
માન્યતા છે કે ધનતેરસના દિવસે સમુદ્ર મંથન દરમ્યાન ભગવાન ધનવંતરી સોનાના કળશ સાથે ઉત્પન્ન થયા હતા. ધનવંતરીના ઉત્પન્ન થયાના બે દિવસ બાદ સમુદ્ર મંથનથી દેવી લક્ષ્મી પ્રગટ થયા અને એટલા માટે દિવાળીના બે દિવસ પહેલા ધન તેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ જ કારણ છે કે ધનતેરસના દિવસે સોના અથવા ચાંદીના વાસણની ખરીદી શુભ માનવામાં આવે છે.
કહેવામાં આવે છે કે ભગવાન ધનવંતરી વિષ્ણુના અંશ છે અને તે દેવતાઓના વૈદ્ય પણ છે. માનવામાં આવે છે કે ભગવાન ધનવંતરીની પૂજા કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. ધાર્મિક માન્યતા છે કે સંસારમાં વિજ્ઞાન અને ચિકિત્સાના વિસ્તરણ માટે ભગવાન વિષ્ણુએ ધનવંતરી અવતાર લીધો હતો.
પૌરાણિક કથા
એક વખતની વાત છે જ્યારે રાજા બલિના ભયને કારણે દેવતાઓ હેરાન પરેશાન હતા, તે વખતે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો. એક વખત તે યજ્ઞ સ્થળ પર પહોંચ્યા, જ્યાં અસુરોના ગુરુ શુક્રાચાર્યએ ભગવાન વિષ્ણુને ઓળખી લીધા અને રાજા બલિને સુચન કર્યું કે આ વામન જે માંગે તેને તે ન આપવું. રાજા બલિ મહાદાની હતા તેથી તેમણે ગુરુ શુક્રાચાર્યની વાત ન માની. વામન અવતારમાં આવેલા ભગવાન વિષ્ણુએ બલિ પાસેથી ત્રણ પગ ધરતી માંગી અને રાજા બલિએ તે વાતનો સ્વીકાર પણ કર્યો.
તકનો લાભ લઈ ગુરુ શુક્રાચાર્યે નાનું સ્વરુપ ધારણ કર્યુ અને વામન અવતારના કમંડલમાં સંતાઈ ગયા. ભગવાન વિષ્ણુને આ વાતની ખબર પડી કે શંકરાચાર્ય તેમના કમંડલમાં છે. તો ભગવાને કમંડલ એવી રીતે નાંખ્યું કે શુક્રાચાર્યની એક આંખ ફુટી ગઈ. ભગવાન વામને પોતાનો અવતાર મોટો કર્યો અને પોતાના પ્રથમ પગલામાં ઘરતી અને બીજા પગલામાં અંતરિક્ષ માપી લીધું. જ્યારે ભગવાનને ત્રીજું પગ મુકવા જગ્યા ન વધી તો બલિએ ભગવાનના પગ નીચે પોતાનું માથું રાખી લીધું. આ રીતે રાજા બલિની હાર થઈ અને દેવતાઓમાં તેનો ભય સમાપ્ત થયો. કહેવાય છે કે ત્યારથી જ ભગવાનની જીતની ખુશીમાં ધનતેરસ ઉજવવામાં આવે છે.